ભારતના નવા મુખ્ય ન્યાયાધીશ (CJI) તરીકે જસ્ટિસ ધનંજય યશવંત ચંદ્રચુડ (Justice DY Chandrachud)ની નિમણૂંક કરવામાં આવી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ તેમની અધિકારીક રીતે નિમણૂંક કરતું નોટિફિકેશન જારી કર્યું હતું. 9 નવેમ્બરના રોજથી તેઓ મુખ્ય ન્યાયાધીશ તરીકેનો કાર્યભાર સંભાળશે.
#BREAKING President appoints Justice DY Chandrachud as the next Chief Justice of India with effect from November 9, 2022.#SupremeCourtOfIndia pic.twitter.com/0sAJucYWXf
— Live Law (@LiveLawIndia) October 17, 2022
હાલના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ યુ. યુ લલિત આગામી 8 નવેમ્બરના રોજ વયનિવૃત્ત થઇ રહ્યા છે ત્યારે તેમણે તેમના ઉત્તરાધિકારી તરીકે જસ્ટિસ ડીવાય ચંદ્રચુડના નામની ભલામણ કેન્દ્ર સરકારને કરી હતી. સરકારે આ ભલામણ સ્વીકારી રાષ્ટ્રપતિ પાસે મોકલતાં તેમણે દેશના નવા CJI તરીકે અધિકારીક નિમણૂંક આપી છે.
જસ્ટિસ ચંદ્રચુડ 10 નવેમ્બર 2024 સુધી દેશના મુખ્ય ન્યાયાધીશ રહેશે. અહીં નોંધનીય છે કે તેમના પિતા જટસીસ વાય વી ચંદ્રચુડ પણ દેશના મુખ્ય ન્યાયાધીશ રહી ચૂક્યા છે. તેમજ તેઓ સૌથી વધુ સમય ચીફ જસ્ટિસ રહેવાનો રેકોર્ડ પણ ધરાવે છે. તેઓ સાત વર્ષ સુધી CJI રહ્યા હતા. પિતા બાદ પુત્ર પણ CJI બની રહ્યા હોય તેવો આ પ્રથમ કિસ્સો છે.
જસ્ટિસ ચંદ્રચુડે દિલ્હી યુનિવર્સીટીમાંથી કાયદાનો અભ્યાસ કર્યો હતો અને ત્યારબાદ હાવર્ડ યુનિવર્સીટીમાંથી એલએલએમનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. 1986માં જ્યુરીડીકલ સાયન્સમાં ડોક્ટરેટ મેળવી હતી. ત્યારબાદ તેમણે બોમ્બે હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં પ્રેક્ટિસ શરૂ કરી હતી. 1998માં તેમને બોમ્બે હાઇકોર્ટ દ્વારા સિનિયર એડવોકેટની ઉપાધિ આપવામાં આવી હતી.
તેઓ વર્ષ 1998 થી 2000 સુધી ભારતના એડિશનલ સોલિસિટર જનરલ પણ રહી ચૂક્યા છે. ત્યારબાદ તેઓ બોમ્બે હાઇકોર્ટના એડિશનલ જજ તરીકે નિમાયા હતા. બોમ્બે હાઇકોર્ટમાં 13 વર્ષ પ્રેક્ટિસ કર્યા બાદ 2013માં તેમને અલાહાબાદ હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ નીમવામાં આવ્યા હતા.
13 મે, 2016ના રોજ તેમને સુપ્રીમ કોર્ટના જજ નીમવામાં આવ્યા હતા. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ તરીકે તેઓ 220 જેટલા ચુકાદામાં સામેલ રહ્યા છે. જેમાંથી અમુક ચુકાદા પ્રખ્યાત છે. જેમાં ‘રાઈટ ટૂ પ્રાઇવસી, હડિયા કેસ, સબરીમાલા કેસ, કલમ 377 ને લગતો કેસ વગેરે મુખ્ય છે. ઉપરાંત, 2020માં પત્રકાર અર્ણબ ગોસ્વામીને મહારાષ્ટ્ર સરકારે જૂના કેસમાં જેલમાં બંધ કરી દીધા બાદ તેમણે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી, જ્યાંથી તેમને જામીન મળ્યા હતા, જે કેસની સુનાવણી પણ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડે કરી હતી.
જસ્ટિસ ચંદ્રચુડ આગામી 9 નવેમ્બરના રોજ ભારતના 50મા મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લેશે.