ભારતનો મહત્વાકાંક્ષી મિશન ચંદ્રયાન-3 હવે પૂર્ણતા તરફ છે. હાલ ચંદ્રની સપાટી પર મોકલેલું લેન્ડર અને તેની સાથેનું રોવર ‘પ્રજ્ઞાન’ બંને કામ કરી રહ્યાં છે પરંતુ હવે બંને ‘સ્લીપ મોડ’માં જતાં રહેશે. આ માટે ઈસરોએ તૈયારી શરૂ કરી દીધી છે. બીજી તરફ, પ્રજ્ઞાન રોવરે 100 મીટર અંતર કાપી નાખ્યું છે.
શનિવારે (2 સપ્ટેમ્બર, 2023) મિશન આદિત્ય-L1ના લૉન્ચિંગ બાદ પોતાના સંબોધનમાં ISRO ચીફ એસ સોમનાથે આ બાબતની જાણકારી આપી હતી. તેમણે કહ્યું કે, હવે ચંદ્ર પર રાત પડવાની તૈયારી છે, આ સંજોગોમાં ઈસરો રોવર અને લેન્ડર માટે ‘સ્લીપ મોડ’ ઓપરેશન શરૂ કરવાની તૈયારી કરી રહ્યું છે. તેમણે ઉમેર્યું કે, “પ્રજ્ઞાન રોવર અને વિક્રમ લેન્ડર હજુ પણ કામ કરી રહ્યાં છે. આવતા એક-બે દિવસમાં અમે તેમને ‘સ્લીપ મોડ’માં મૂકવા માટે કામગીરી શરૂ કરી દઈશું.”
સ્લીપ મોડ શું છે?
ઉલ્લેખનીય છે કે પ્રજ્ઞાન રોવર અને વિક્રમ લેન્ડર બંને સૌર ઉર્જાથી ચાલતાં યંત્રો છે. લેન્ડર એટલે એ યંત્ર જે ચંદ્ર પર ઉતર્યું હતું, અને રોવર એટલે નાનકડું રોબોટિક વાહન જે ચંદ્રમાની સપાટી પર ફરીને માહિતી એકઠી કરીને લેન્ડરને આપે છે. ચંદ્રમાની સપાટી પર ઉતરાણ સુધી રોવરને લેન્ડરમાં રાખવામાં આવ્યું હતું. ઉતર્યા બાદ તેણે તેમાંથી બહાર આવીને ભ્રમણ શરૂ કર્યું હતું.
આ બંને યંત્રો સૂર્યની ઉર્જા મેળવીને કામ કરે છે. ચંદ્રમા પર એક દિવસ પૃથ્વીના 14 દિવસ બરાબર હોય છે. એટલે કે ત્યાં 14 દિવસ સુધી અંધારું રહે અને 14 દિવસ અજવાળું રહે છે. ગત 23 ઓગસ્ટે ત્યાં સૂર્યોદય થયો હતો. એ જ કારણ છે કે ઈસરોએ લેન્ડરના ઉતરાણનો સમય એ પસંદ કર્યો હતો, જેથી સૂર્યની ઉર્જાનો ઉપયોગ કરીને બંને યંત્રો કામ કરી શકે.
હવે 14 દિવસ પૂરા થવા પર છે, જેથી ત્યાં ફરી રાત્રિ પડશે. રાત્રિ દરમિયાન ચંદ્રમા પર તાપમાન -200 ડિગ્રી સુધી પહોંચી જાય છે, જેમાં ટકવું આ યંત્રો માટે કઠિન છે. જેથી ઈસરો તેમને સ્લીપ મોડમાં મૂકીને નિષ્ક્રિય કરી દેશે અને થોડા સમય બાદ તેમને યથાતથ સ્થિતિમાં ચંદ્રમાની સપાટી પર જ છોડી દેવામાં આવશે. આ યંત્રો પરત લાવવામાં આવતાં નથી.
જોકે, એ જરૂરી નથી કે રોવર-લેન્ડર સાવ નિષ્ક્રિય જ થઇ જાય. જો 14 દિવસની રાત બાદ ફરી સૂર્યોદય થયો અને આ દરમિયાન બંને યંત્રો વિષમ તાપમાન સામે પણ ટકી રહ્યાં તો 15મા દિવસે સૂર્યની ઉર્જા મેળવીને ફરી સક્રિય થઇ શકે છે. જોકે, ઈસરોનું આ મિશન 14 દિવસ પૂરતું જ હતું.
Chandrayaan-3 Mission:
— ISRO (@isro) September 2, 2023
🏏Pragyan 100*
Meanwhile, over the Moon, Pragan Rover has traversed over 100 meters and continuing. pic.twitter.com/J1jR3rP6CZ
બીજી તરફ, આટલા દિવસમાં પ્રજ્ઞાન રોવરે ચંદ્ર પર 100 મીટર જેટલું અંતર કાપી નાખ્યું છે. ઇસરોએ શનિવારે (2 સપ્ટેમ્બર, 2023) એક તસ્વીર શૅર કરી હતી, જેમાં શિવશક્તિ પોઇન્ટની આસપાસ પ્રજ્ઞાન રોવર ક્યાં-ક્યાં ફર્યું તેની જાણકારી આપવામાં આવી. તસ્વીરમાં જોઈ શકાય કે રોવરે પોઇન્ટની આસપાસ ભ્રમણ કર્યું હતું. આ દરમિયાન તેણે અનેક ઉપયોગી માહિતી એકઠી કરીને લેન્ડરને મોકલાવી, જેણે પૃથ્વીને મોકલાવી હતી. એ પણ નોંધવું જોઈએ કે ચંદ્રમાના જે સ્થળ પર વિક્રમ લેન્ડરે ઉતરાણ કર્યું તેને ભારતે ‘શિવશક્તિ’ નામ આપ્યું છે.