આજે દિલ્હીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ વાંધાજનક પોસ્ટર લગાવવાના સંબંધમાં પોલીસે લગભગ 36 FIR નોંધી છે. અત્યાર સુધીમાં 6ની ધરપકડ કરવામાં આવી છે. આ પોસ્ટરોમાં ‘મોદી હટાઓ, દેશ બચાવો’ લખેલું છે. રવિવાર (19 માર્ચ, 2023) થી સોમવાર સવાર સુધી દિલ્હીના વિવિધ ભાગોમાં લગાવવામાં આવ્યા હતા. તેમાં તેને છાપનારનું નામ પણ નહોતું.
આમ આદમી પાર્ટી (AAP)ના કાર્યાલયની બહાર નીકળેલી એક વાન પકડાઈ છે, જેમાં આવા પોસ્ટર જોવા મળ્યા હોવાનું કહેવાય છે. 50,000 જેટલા પોસ્ટર છપાવવાના ઓર્ડર આપવામાં આવ્યા હોવાનું પણ સામે આવ્યું છે. શરૂઆતમાં એવું કહેવામાં આવી રહ્યું હતું કે દિલ્હીમાં વડા પ્રધાન મોદી વિરોધી પોસ્ટર લગાવવા પર 100 FIR નોંધવામાં આવશે. પરંતુ હવે દિલ્હી પોલીસે સ્પષ્ટતા કરી છે કે નોંધાયેલી 100 FIRમાંથી 36 PM મોદી વિરોધી પોસ્ટરો સાથે સંબંધિત છે. બાકીની એફઆઈઆર અન્ય પોસ્ટરો સાથે જોડાયેલી છે.
#UPDATE | Out of the 100 FIRs registered so far, 36 FIRs have been done regarding PM Narendra Modi’s poster. Rest all FIRs are in connection with other posters: Delhi Police officials
— ANI (@ANI) March 22, 2023
શું છે આખો મામલો?
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રવિવારે રાત્રે દિલ્હીના અલગ-અલગ ભાગોમાં ‘મોદી હટાઓ, દેશ બચાવો’ લખેલા પોસ્ટરો લગાવવામાં આવ્યા હતા. આ પોસ્ટરો માત્ર સાર્વજનિક સ્થળો અને સરકારી ઈમારતો પર જ નહીં પરંતુ ઘણી ખાનગી મિલકતો પર પણ ચોંટાડવામાં આવ્યા હતા.
પોસ્ટરોમાં પ્રિન્ટિંગ પ્રેસનું નામ પણ નહોતું. આ અંગેની માહિતી મળ્યા બાદ દિલ્હી પોલીસે અલગ-અલગ ભાગોમાંથી લગભગ 2000 પોસ્ટર હટાવ્યા હતા. દિલ્હી પોલીસ પ્રિન્ટિંગ પ્રેસ એક્ટની સાથે પબ્લિક પ્રોપર્ટી એક્ટ હેઠળ 100 FIR નોંધીને મામલાની તપાસ કરી રહી છે.
Delhi | A van was also intercepted as soon as it left the AAP office. Few posters were seized & arrests were made: Special CP Deependra Pathak to ANI
— ANI (@ANI) March 22, 2023
તપાસ દરમિયાન, દિલ્હીના નારાયણા ખાતે પોસ્ટર છાપવા માટે એક પ્રિન્ટિંગ પ્રેસનું સરનામું મળી આવ્યું હતું. પોલીસે પ્રિન્ટિંગ પ્રેસના માલિકની ધરપકડ કરી હતી. પૂછપરછ દરમિયાન તેણે જણાવ્યું કે તેને આવા 50,000 પોસ્ટર છાપવાનો ઓર્ડર આપવામાં આવ્યો હતો. પોલીસે પ્રિન્ટિંગ પ્રેસમાંથી મળી આવેલા કેટલાક પોસ્ટરો જપ્ત કર્યા છે.
આમ આદમી પાર્ટીનો હાથ પણ આવ્યો સામે
આ દરમિયાન પોલીસે આમ આદમી પાર્ટીની ઓફિસ પાસે એક વાહનને રોક્યું હતું. વાહન આમ આદમી પાર્ટીની ઓફિસથી નીકળીને DDU માર્ગ તરફ આગળ વધી રહ્યું હતું. સર્ચ દરમિયાન લગભગ 10,000 પોસ્ટર મળી આવ્યા હતા, જેને જપ્ત કરવામાં આવ્યા છે. વાહન માલિક વિષ્ણુ અને ડ્રાઈવર પપ્પુની ધરપકડ કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ પોસ્ટર છાપવા અને ચોંટાડવા માટે બે અલગ-અલગ પ્રિન્ટિંગ પ્રેસને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. પોલીસે અન્ય પ્રિન્ટિંગ પ્રેસના માલિકની પણ ધરપકડ કરી છે. પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરી રહી છે.
પોલીસ એ જાણવાનો પણ પ્રયાસ કરી રહી છે કે કોની સૂચના પર પોસ્ટર છપાઈ રહ્યા છે અને ચોંટાડવામાં આવી રહ્યા છે. મહત્વની વાત એ છે કે નિયમો અનુસાર પોસ્ટર પર પ્રિન્ટિંગ પ્રેસની માહિતી આપવી ફરજિયાત છે. તેમજ જાહેર કે સરકારી મિલકત પર પરવાનગી વગર પોસ્ટર ચોંટાડવું એ પણ કાયદેસરનો ગુનો છે.