વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે (15 જુલાઈ, 2023) એક દિવસ માટે UAEની યાત્રાએ હતા. અહીં તેમણે UAEના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન સાથે મુલાકાત કરી હતી અને આ દરમિયાન બંને દેશો વચ્ચે અનેક મહત્વના કરારો પર હસ્તાક્ષરો થયા. ભારત અને UAE વચ્ચે સ્થાનિક ચલણમાં વેપાર કરવા અંગે તેમજ બંને દેશોની ફાસ્ટ પેમેન્ટ સિસ્ટમ જોડવા તેમજ UAEમાં IIT દિલ્હી કેમ્પસ ખોલવા અંગે સમજૂતી થઇ હતી.
યાત્રા પૂર્ણ થયા બાદ વડાપ્રધાન મોદીએ ફળદાયી ગણાવતાં કહ્યું કે, ‘સમગ્ર વિશ્વના કલ્યાણ માટે બંને દેશો સાથે મળીને અનેક મુદ્દાઓ પર કામ કરી રહ્યા છે. હું ઉષ્માપૂર્ણ આતિથ્ય બદલ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાનનો આભાર વ્યક્ત કરું છું.’
Concluding a productive UAE visit. Our nations are working together on so many issues aimed at making our planet better. I thank HH Sheikh Mohamed bin Zayed Al Nahyan for the warm hospitality. @MohamedBinZayed
— Narendra Modi (@narendramodi) July 15, 2023
પીએમ મોદીની યાત્રા દરમિયાન UAE સાથે થયેલા કરાર મુજબ હવે બંને દેશો ડૉલરની જગ્યાએ રૂપિયામાં વેપાર કરી શકશે. જેનાથી ભારતને ખૂબ ફાયદો પહોંચશે અને ડૉલર પર લાગતો ટ્રાન્ઝેક્શન કોસ્ટ ઘટશે. ઉપરાંત, બંને દેશો વચ્ચે ભારતની યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (UPI) અને UAEની ઇન્સ્ટન્ટ પેમેન્ટ પ્લેટફોર્મ (IPP) સિસ્ટમ માટે પણ કરાર થયા છે, જેનાથી નાણાકીય લેવડદેવળ સરળ બનશે તેમજ આર્થિક સહયોગમાં પણ વધારો થશે.
વડાપ્રધાનની મુલાકાત દરમિયાન બંને દેશોના શિક્ષણમંત્રીઓ વચ્ચે એક MoU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા, જેમાં UAE પાટનગર અબુ ધાબીમાં IIT દિલ્હી કેમ્પસ શરૂ કરવા માટે સમજૂતી થઇ હતી. શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આ કરારને લઈને જણાવ્યું કે, તેના કારણે ભારત-UAE વચ્ચે મિત્રતા વધુ ગાઢ બનશે અને પારસ્પરિક સમૃદ્ધિ અને વૈશ્વિક કલ્યાણ માટેની નવી શિક્ષણ નીતિની પરિકલ્પનાને સાકાર કરશે.
Yet another #IITGoesGlobal!
— Dharmendra Pradhan (@dpradhanbjp) July 15, 2023
MoU for establishment of @iitdelhi campus in Abu Dhabi in the presence of Hon. PM @narendramodi ji unfolds a new chapter in internationalisation of India’s education.
An exemplar of #NewIndia’s innovation and expertise, the IIT Delhi campus in… pic.twitter.com/DYRy7Vbbwi
આ ઉપરાંત, બંને દેશોના વડા વચ્ચે ડિફેન્સ એક્સચેન્જ, કેપેસીટી બિલ્ડીંગથી માંડીને અન્ય મુદ્દાઓને લઈને પણ વિસ્તૃત ચર્ચા થઇ હતી અને બંને દેશોએ સાથે મળીને આ દિશામાં કામ કરવા માટે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આ દરમિયાન આતંકવાદ અને કટ્ટરપંથ સામે સાથે મળીને લડવા પર પણ ભાર મૂકવામાં આવ્યો તેમજ ભારતના ફૂડ કોરિડોર પ્રોજેક્ટ્સ દ્વારા ખાદ્ય અને કૃષિ વેપાર પર ધ્યાન કેન્દ્રિત કરવા અંગે પણ ચર્ચા થઇ.
એક દિવસની યાત્રા પૂર્ણ કરીને વડાપ્રધાન સ્વદેશ પરત ફર્યા હતા. UAE પહેલાં વડાપ્રધાન બે દિવસ માટે ફ્રાન્સની મુલાકાતે હતા, જ્યાં તેમણે વિશેષ બૈસ્ટિલ ડે પરેડમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી હતી.