થોડા દિવસો પહેલાં લંડનની કેમ્બ્રિજ યુનિવર્સીટીમાં લેક્ચર આપવા ગયેલા રાહુલ ગાંધી ચર્ચામાં રહ્યા હતા. ત્યાં જઈને તેમણે ભારતના રાજકારણ અને વર્તમાન પરિસ્થિતિઓને લઈને આપેલાં નિવેદનો ખાસ્સાં ચર્ચાનો વિષય બન્યાં તો ટીકા પણ ખૂબ થઇ હતી. હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નામ લીધા વગર રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું છે.
#WATCH | “India is not only the largest democracy but is the mother of democracy…it’s unfortunate that in London questions were raised about India’s democracy…Some people are constantly questioning India’s democracy…”: PM Modi in Hubballi-Dharwad pic.twitter.com/PyBVul8rTg
— ANI (@ANI) March 12, 2023
પીએમ મોદીએ કહ્યું કે, લંડનમાં ભારતના લોકતંત્ર પર સવાલ ઉઠાવવાનું કામ કરવામાં આવ્યું. પરંતુ દુનિયાની કોઈ શક્તિ ભારતના લોકતંત્રની પરંપરાઓને નુકસાન પહોંચાડી ન શકે. તેમ છતાં કેટલાક લોકો ભારતના લોકતંત્રને સતત કઠેડામાં ઉભું કરવાના પ્રયાસ કરી રહ્યા છે.
નરેન્દ્ર મોદી આજે કર્ણાટકની મુલાકાતે પહોંચ્યા હતા. જ્યાં એક કાર્યક્રમમાં સંબોધન કરતી વખતે તેમણે કહ્યું કે, “ભારત માત્ર સૌથી મોટી લોકશાહી નહીં, ભારત લોકશાહીની માતા પણ છે. મારું સૌભાગ્ય રહ્યું કે મને થોડાં વર્ષ પહેલાં લંડનમાં ભગવાન બશ્વેષરની પ્રતિમાના લોકાર્પણનો અવસર પ્રાપ્ત થયો હતો.”
તેમણે આગળ કહ્યું, “લંડનમાં ભગવાન બશ્વેષર, લોકતંત્રના મજબૂત પાયાનું પ્રતીક અનુભવ મંડપમ, લંડનમાં તેમની મૂર્તિ….પરંતુ એ દુર્ભાગ્ય છે કે લંડનમાં જ ભારતના લોકતંત્ર પર સવાલ ઉઠાવવાનું કામ કરવામાં આવ્યું. ભારતના લોકતંત્રના પાયા સદીઓના ઇતિહાસથી સીંચવામાં આવા છે. દુનિયાની કોઈ શક્તિ ભારતની લોકતંત્રની પરંપરાઓને નુકસાન પહોંચાડી ન શકે. તેમ છતાં કેટલાક લોકો ભારતના લોકતંત્રને સતત કઠેડામાં ઉભું રાખી રહ્યા છે. આવા લોકો ભગવાન બશ્વેષરનું અપમાન કરી રહ્યા છે. આવા લોકો કર્ણાટકના લોકોનું, ભારતની મહાન પરંપરાનું, ભારતના 130 કરોડ જાગૃત નાગરિકોનું અપમાન કરી રહ્યા છે. આવા લોકોથી કર્ણાટકના લોકોએ પણ સતર્ક રહેવાનું છે.
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ રાહુલ ગાંધીએ લંડનની કેમ્બ્રિજ યુનિવર્સીટીમાં જઈને ભારત વિરુદ્ધ પ્રોપેગેન્ડા ફેલાવ્યો હતો અને ભારતમાં લોકતંત્ર જોખમમાં હોવાનું રટણ કર્યું હતું. આ ઉપરાંત, તેમણે પેગાસસને લઈને પણ જુઠ્ઠાણું ફેલાવ્યું અને વિપક્ષને દબાવવામાં આવી રહ્યો હોવાના દાવા કર્યા હતા.
વાસ્તવમાં પીએમ મોદી કર્ણાટકના હુબલી-ધારવાડમાં વિકાસ કાર્યોનું લોકાર્પણ અને શિલાન્યાસ કરવા માટે ગયા હતા. અહીં તેમણે કર્ણાટકને લગભગ 16 હજાર કરોડની પરિયોજનાઓની ભેટ આપી હતી. આ ઉપરાંત, તેમણે હુબલીમાં વિશ્વનું સૌથી લાંબુ રેલવે પ્લેટફોર્મ પણ દેશને સમર્પિત કર્યું હતું.
અહીં સંબોધન કરતી વખતે વડાપ્રધાને કહ્યું કે, ભાજપની ડબલ એન્જીન સરકાર કર્ણાટકના દરેક જિલ્લા, ગામ, કસ્બાના પૂર્ણ વિકાસ માટે ઈમાનદારીથી પ્રયાસો કરી રહી છે અને આજે ધારવાડની ધરા પર વિકાસની એક નવી ધારા નીકળી છે, જે આ વિસ્તાર સાથે આખા કર્ણાટકના ભવિષ્યનું સિંચન કરવાનું કામ કરશે.