કટ્ટરપંથી સંગઠન પોપ્યુલર ફ્રન્ટ ઑફ ઇન્ડિયા સામે સરકારની કાર્યવાહી બાદ અનેક ચોંકાવનારી વિગતો સામે આવી રહી છે. હવે જાણવા મળ્યું છે કે PFIના નિશાને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હતા અને આતંકવાદીઓએ તેમની પટના ખાતેની રેલીને ટાર્ગેટ કરવાની યોજના બનાવી હતી. પકડાયેલા પીએફઆઈના સભ્યોએ એજન્સીની પૂછપરછ દરમિયાન આ ખુલાસો કર્યો હતો.
એજન્સી ઇડીએ કેરળથી પકડાયેલા એક પીએફઆઈ સભ્યની પૂછપરછ કરી હતી, જેમાં તેણે આ બાબતનો ખુલાસો કર્યો હતો. પીએફઆઈના શફીક પાયેથે એજન્સીને જણાવ્યું હતું કે ગત 12 જુલાઈના રોજ બિહારના પટનામાં આયોજિત કરવામાં આવેલ પીએમની રેલીમાં અવ્યવસ્થા સર્જવા હુમલો કરવા માટેનું કાવતરું ઘડવામાં આવ્યું હતું.
શફીક અનુસાર, પીએમની રેલીમાં હુમલો કરવા માટે એક ટ્રેનિંગ કેમ્પ પણ લગાવવામાં આવ્યો હતો અને અવ્યવસ્થા સર્જવા માટે પોસ્ટરો અને બેનરો પણ બનાવડાવ્યાં હતાં. જોકે, પીએમની રેલી પહેલાં જ પટનામાંથી પીએફઆઈનું ટેરર મોડ્યુલ પકડાઈ જતાં આ કાવતરાને અંજામ આપી શકાયો ન હતો. PFIના નિશાને પીએમ મોદી ઉપરાંત અન્ય પણ હિંદુ નેતાઓ હોવાનું પણ ભૂતકાળમાં સામે આવી ચૂક્યું છે.
આ ઉપરાંત, ઇડીએ તપાસમાં એ પણ નોંધ્યું હતું કે છેલ્લા એક વર્ષમાં પીએફઆઈના અકાઉન્ટમાં લગભગ 120 કરોડ રૂપિયા જમા થયા હતા. જેટલા રૂપિયા અકાઉન્ટમાં જમા કરવામાં આવ્યા હતા, તેનાથી બમણા રૂપિયા રોકડ રકમ સ્વરૂપે એકત્રિત કરવામાં આવ્યા હતા. એજન્સીઓની તપાસમાં જાણવા મળ્યું છે કે કરોડો રૂપિયાની રકમ ભારતનાં અલગ-અલગ શહેરો ઉપરાંત વિદેશોમાંથી પણ એકઠી કરવામાં આવી હતી, જેનો ઉપયોગ દેશવિરોધી ગતિવિધિઓ માટે કરવામાં આવતો હતો.
શફીક પાયેથ પર એજન્સીએ વિદેશથી પીએફઆઈને પૈસા ટ્રાન્સફર કરવા માટે ભારતમાં એનઆરઆઈ અકાઉન્ટનો ગેરકાયદેસર ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો છે. ઇડી અનુસાર, ગયા વર્ષે પાયેથનાં કેટલાંક ઠેકાણાં પર દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં રિયલ એસ્ટેટ વ્યવસાયોમાં રોકાણ કરીને તે પૈસા પીએફઆઈમાં ડાયવર્ટ કરવાના નેટવર્કનો ખુલાસો થયો હતો.
રિપોર્ટ અનુસાર, પીએફઆઈ અને તેની સબંધિત સંસ્થાઓને મળેલા કરોડો રૂપિયાનો મોટો હિસ્સો અજ્ઞાત અને સંદિગ્ધ સ્ત્રોતો પાસેથી મળ્યો હતો અને દેશ ઉપરાંત વિદેશોનાં ખાતાંમાં પણ આ રકમ જમા કરાવવામાં આવી હતી.
એ પણ જાણવા મળ્યું છે કે, પીએફઆઈ દેશમાં સાંપ્રદાયિક સૌહાર્દ બગાડવા, તોફાનો ભડકાવવામાં, આતંક ફેલાવવામાં આને ઘાતક હથિયારો અને વિસ્ફોટકોનો સંગ્રહ કરીને દેશના રાજ્યોનાં વિવિધ શહેરોમાં એકસાથે અનેક સ્થળોએ અને વ્યક્તિઓ પર હુમલાઓ કરવાની યોજના ઘડવામાં સામેલ રહ્યું હતું અને જેનાથી રાષ્ટ્રની એકતા અને અખંડિતતાને માઠી અસર થઇ શકતી હતી.
Crackdown on PFI was named Operation Octopus: Sources
— ANI (@ANI) September 24, 2022
Over 106 PFI members were arrested in multiple raids carried out by a joint team of NIA, ED & state police across 11 states on 22nd September
PFI સામેની કાર્યવાહીને કેન્દ્રીય એજન્સીઓએ ‘ઓપરેશન ઓક્ટોપસ’ નામ આપ્યું છે. આ કાર્યવાહીમાં અત્યાર સુધી સેંકડો પીએફઆઈ કેડરોની ધરપકડ કરવામાં આવી ચૂકી છે અને સંગઠનનાં અનેક ઠેકાણાં પર દરોડાની કાર્યવાહી પણ થઇ છે. જોકે, કાર્યવાહી બાદ કેરળ અને અન્ય કેટલીક જગ્યાઓએ પીએફઆઈના આતંકવાદીઓએ હુડદંગ પણ મચાવ્યું હતું અને હિંસક તોફાનો કર્યાં હતાં.