દેશના વડાપ્રધાન નરેદ્ર મોદીની લોકચાહના કેટલી છે તે બાબત હવે ક્યાંય છૂપી નથી. તમામ લોકો સાથે ભળી જવાની તેમની ખૂબી તેમની લોકપ્રિયતામાં વધારો કરે છે. પીએમ મોદી અનેક વાર બાળકો સાથે બાળક, વડીલો સામે વડીલની જેમ અને યુવાઓ સાથે યુવા બનીને સંવાદ કરતા જોવા મળે છે. તાજેતરમાં જ તેમણે ભારતના પ્રખ્યાત ગેમર્સ સાથે મુલાકાત કરી. પીએમ મોદીએ જેમની મુલાકાત લીધી તે તમામ ભારતીય ગેમિંગ કોમ્યુનિટીમાં ખૂબ પ્રચલિત છે. શનિવારે (13 એપ્રિલ) આ મુલાકાતનો વિડીયો PMO તરફથી અપલોડ કરવામાં આવ્યો, જે હાલ ચર્ચામાં છે.
વડાપ્રધાન મોદીએ કુલ 7 ગેમર્સ સાથે મુલાકાત લીધી હતી. જેમાં નમન માથુર કે જેઓ ‘MortaL’ના નામથી પ્રખ્યાત છે, ‘THUG’ ચેનલ ચલાવતા અનિમેષ અગ્રવાલ (ખાસ PUBGમાટે તેમને ઓળખવામાં આવે છે), માઈનક્રાફ્ટ ગેમથી પ્રખ્યાત થયેલા અને ‘Gamerfleet’ ચેનલ ચલાવતા અંશુ બિષ્ટ, ‘Skrossi’વાળા ગણેશ ગંગાધર, ‘GCTirth’વાળા તીર્થ મહેતા અને ઈ-સ્પોર્ટ્સનાં પાયલ મહેતા તેમજ ‘MYTHPAT’ ચેનલના મિથિલેશ પાટણકરનો સમાવેશ થાય છે. પીએમ મોદીએ આ તમામ સાથે મુલાકાત કરીને વાતચીત કરી તેમજ ગેમિંગ પર પણ હાથ અજમાવ્યો હતો.
Had a wonderful interaction with youngsters from the gaming community… You would love to watch this! https://t.co/TdfdRWNG8q
— Narendra Modi (@narendramodi) April 13, 2024
મોદી સૌથી મોટા ઇન્ફ્લ્યુએન્સર, વિશ્વના સહુથી Cool પીએમ
વડાપ્રધાન મોદીએ તમામ ગેમર્સ સાથે અનેક ચર્ચાઓ કરી હતી. આ દરમિયાન અલગ-અલગ ગેમ્સ, ગેમિંગ દરમિયાન વાપરવામાં આવતા અલગ-અલગ પ્રકારના શબ્દો, ભારતમાં ગેમિંગ સેક્ટરનું ભવિષ્ય તેમજ ગેમિંગ મારફતે મહત્વપૂર્ણ મુદ્દાઓ પર જાગૃતિ કઈ રીતે લાવી શકાય વિષયો પર પણ ચર્ચાઓ થઈ. આ ચર્ચામાં ગેમર્સે વડાપ્રધાન મોદીને સૌથી મોટા ઇન્ફ્લ્યુએન્સર અને વિશ્વના સહુથી ‘કૂલ’ (Cool) વડાપ્રધાન કહ્યા હતા. આટલું જ નહીં, આ મુલાકાત દરમિયાન વડાપ્રધાન મોદીએ ગેમર્સ સાથે કેટલીક ગેમ્સ પણ રમી હતી.
ઉલ્લેખનીય છે કે આ મુલાકાત દરમિયાન તમામ ગેમર્સ ખૂબ જ ખુશ નજરે પડી રહ્યા હતા. તેમણે પોતાની કોમ્યુનિટીનાં કેટલાંક સાધનો પર વડાપ્રધાન મોદીના હસ્તાક્ષર પણ લીધા. ત્યારે પીએમએ તેમને માતૃભાષામાં સહી કરવાની સલાહ આપી હતી. તમામ ગેમર્સનું કહવું હતું કે આ ક્ષણ તેમના જીવની સહુથી અદ્ભુત ક્ષણ હતી. તેમને માનવામાં નથી આવી રહ્યું કે દેશના વડાપ્રધાનને મળવાનો તેમને મોકો મળ્યો અને તેમની સાથે તેમણે આટલી ચર્ચાઓ કરી અને ગેમ્સ પણ રમી. તમામ ગેમર્સે આ મુલાકાત પર પોતપોતાની પ્રતિક્રિયા પણ આપી.
28 વર્ષીય ગેમર અનિમેષ અગ્રવાલે પીએમ મોદી સાથે વાત કરતા કહ્યું હતું કે, તેઓ CA ભણી રહ્યા હતા, વર્ષ 2018માં તેમણે પોતાના માતાપિતાની પરવાનગી લઈને એક વર્ષનો ડ્રોપ લીધો. આ દરમિયાન તેમણે ગેમિંગને કરિયર તરીકે સિલેક્ટ કર્યું. ગેમર નમન માથુરે પણ પોતાના પરિવારની માહિતી આપતાં કહ્યું કે તેઓ એક મધ્યમ વર્ગીય પરિવારમાંથી આવે છે. તેણે કહ્યું, “હું 4 વર્ષનો હતો અને મારા પિતાનું મૃત્યું થયું. મારી મા ટિફિન સર્વિસ ચલાવતી હતી.” તેમણે પણ MBA કરતાં-કરતાં ગેમિંગમાં હાથ અજમાવ્યો હતો. હલ્દ્વાનીના અંશુ બિષ્ટનું પણ કહેવું છે કે તેઓ મધ્યમવર્ગીય પરિવારમાંથી આવે છે. તેમના પિતાએ 30 વર્ષ સુધી બસમાં કંડકટરની નોકરી કરી.
ગેમર્સમાં ગુજરાતનો ગેમર જોઈ પીએમએ પૂછ્યું- ‘તને આ બીમારી ક્યાંથી લાગી?’
આ ગેમર્સમાં એક નામ ગુજરાતના કચ્છ જીલ્લાના તીર્થ મહેતાનું પણ હતું. તેમને જોઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પૂછ્યું કે ‘તમને આ બીમારી ક્યાંથી લાગી?’ તેના જવાબમાં તીર્થે કહ્યું કે, આજે આ બીમારી દરેક જગ્યાએ ફેલાયેલી છે. આ ગેમર્સમાં એક ફીમેલ ગેમર પણ હતી. પાયલે વડાપ્રધાનને કહ્યું કે તે મધ્યપ્રદેશના છે અને 12 ધોરણ સુધી તેમની પાસે ફોન પણ નહતો. તેમને ગેમિંગ વિશે તેમના ભાઈઓ દ્વારા માહિતી મળી. ઉલ્લેખનીય છે કે પાયલે આ દરમિયાન વડાપ્રધાન મોદીને વિશ્વના સહુથી Cool પીએમ અને સૌથી મોટા ઇન્ફ્લ્યુએન્સર ગણાવ્યા હતા. વડાપ્રધાને પાયલને પૂછ્યું હતું કે, શું આ ગેમિંગ ફિલ્ડમાં છોકરીઓને પર્યાપ્ત તકો મળે છે? જેના જવાબમાં તેમણે કહ્યું કે, “જ્યારે મેં શરૂ કર્યું ત્યારે મારી પાસે પણ 100-200 એવા લોકોના મેસેજ આવતા કે અમારે પણ શરૂ કરવું છે. દેશમાં યુવતીઓ પણ ગેમિંગ ફિલ્ડમાં ઝડપથી આગળ આવી રહી છે.”
વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ગેમ રમતા જોઈ ગેમર્સ પણ આશ્ચર્યમાં
આ દરમિયાન પીએમ મોદીએ આજના નવા જમાનાની ગેમ્સ પર પણ હાથ અજમાવ્યો હતો. તેમને ગેમ રમતા જોઇને ગેમર્સ ચોંકી ગયા હતા. ગેમર્સે કહ્યું કે તેમણે ખૂબ જ ઓછા સમયમાં આટલું શીખી લીધું. વડાપ્રધાનને ગેમ રમતા જોઈ તેમણે કહ્યું કે, “તેઓ આટલી ઉંમરે પણ આટલું જલ્દી શીખી ગયા. મારે મારા પિતાને શીખવાડવું હોય તો તે ખૂબ અઘરું થઈ પડ્યું હોત, પણ તેઓ ખૂબ જ જલ્દી શીખી ગયા.
વાતચીતમાં ગેમર્સે ગેમિંગ દરમિયાન વાપરવામાં આવતા નવી પેઢીના શબ્દો વિશે પણ વાત કરી હતી. તેમાં ‘Noob’શબ્દનો ઉલ્લેખ આવતા જ વડાપ્રધાને હળવાશના મૂડમાં કહ્યું હતું કે, “હું રેલીમાં કહીશ Noob તો લોકો સમજી જશે કે હું કોની વાત કરી રહ્યો છું.” નોંધવું જોઈએ કે નવી પેઢીની ભાષામાં ‘નૂબ’ શબ્દ અણઘડ કે આવડત વગરના વ્યક્તિ માટે વપરાય છે. આ દરમિયાન તેમણે P2G2 શબ્દની પણ ચર્ચા થઈ, તેમણે જણાવ્યું કે તેનો અર્થ પ્રો-પીપલ, ગુડ ગવર્નસ તેવો થાય છે. ગેમર્સે પીએમ મોદીને મહેનત માટે વાપરવામાં આવતા શબ્દ ‘Grind’ શબ્દ વિશે પણ જણાવ્યું.
વડાપ્રધાન મોદીએ પર્યાવરણને લઈને ચિંતા વ્યક્ત કરી
આ દરમિયાન વડાપ્રધાન મોદીએ ગેમર્સ સાથેની ચર્ચામાં પર્યાવરણ પ્રત્યે પણ ચિંતા દર્શાવી હતી. તેમણે કહ્યું કે પર્યાવરણ એક મહત્વપૂર્ણ મુદ્દો છે. અનેક લોકો તેનાં વિવિધ સમાધાન આપી રહ્યા છે. તેમણે જણાવ્યું કે, “મારી પાસે મિશન લાઈફ નામનું એક વૈકલ્પિક સમાધાન છે, જે પર્યાવરણને લાભ પહોંચાડવા માટે આપણી દૈનિક જીવનશૈલીને બદલવાના પક્ષમાં છે.”
વડાપ્રધાન મોદીએ ચર્ચામાં ગેમર્સને ખાસ સલાહ આપતાં કહ્યું કે, “તમારે એક એવી ગેમની કલ્પના કરવી જોઈએ જે વૈશ્વિક ક્લાઈમેટ ચેન્જને દર્શાવીને તે મુદ્દાને આવરતી હોય. જેમાં વિવિધ ગેમર્સને અનેક રીતે સમાધાનો વિશે આઈડિયા મળશે. આ માટે તેમણે એક ઉદાહરણ પણ આપ્યું. તેમણે કહ્યું કે, “દાખલા તરીકે સ્વચ્છતા લઈ લો, ગેમનો વિષય જ સ્વચ્છતાની આસપાસ ફરતો હોય અને દરેક બાળક તે ગેમ રમે. યુવાઓએ પોતાના ભારતીય મૂલ્યો અપનાવવાં જોઈએ અને તેમની વાસ્તવિકતા સમજવી પડશે.”
આ પહેલાં દેશના કોન્ટેન્ટ ક્રિએટર્સને પીએમ મોદીએ આપ્યા હતા એવોર્ડ
ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદી દેશના પ્રથમ તેવા વડાપ્રધાન છે જે દેશના યુવાધન સાથે આ રીતે મુલાકાત કરીને તેમને પ્રેરિત કરતા હોય. ગેમર્સ સાથે મુલાકાત પહેલાં તેમણે દિલ્હીમાં નવનિર્મિત ભારત મંડપમમાં વિવિધ યુવા યુ-ટ્યુબર્સને એવોર્ડ આપ્યા હતા. તેમને નેશનલ ક્રિએટર્સ એવોર્ડથી સન્માનિત કરતા પીએમ મોદીએ તેમની સાથે પણ અનેક વાતચીત કરી હતી. તે દરમિયાન પણ વડાપ્રધાને દેશના ભવિષ્ય અને તેને લઈને યુવાઓના યોગદાન વિશે ચર્ચાઓ કરી હતી.