Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ‘મન કી બાતથી જે શરૂઆત થઇ તે આજે દેશની નવી પરંપરા બની...

    ‘મન કી બાતથી જે શરૂઆત થઇ તે આજે દેશની નવી પરંપરા બની રહી છે’: 100મા એપિસોડમાં બોલ્યા પીએમ મોદી, કહ્યું- મારા માટે આ આધ્યાત્મિક યાત્રા છે

    આ કાર્યક્રમ મારા માટે મનની આધ્યાત્મિક યાત્રા બની ગયો છે તેમ કહીને તેમણે ઉમેર્યું કે, ‘મન કી બાત’ એ સ્વથી સમિષ્ટિની અને અહમથી વયમની યાત્રા છે. 

    - Advertisement -

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે તેમના વિશેષ રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ મારફતે 100મી વખત દેશવાસીઓ સાથે સંવાદ કર્યો હતો. આ એપિસોડ ભારતમાં તેમજ વિદેશોમાં અને સંયુક્ત રાષ્ટ્ર મુખ્યમથક ખાતે પણ પ્રસારિત કરવામાં આવ્યો હતો. 

    વડાપ્રધાન મોદીએ ‘મન કી બાત’ની શરૂઆત કરતાં કહ્યું કે, “મને તમારા સૌના હજારો પત્રો અને લાખો સંદેશ મળ્યા અને મેં પ્રયત્ન કર્યા છે કે વધુ માં વધુ પત્રો વાંચીને આ સંદેશ સમજવાના પ્રયાસ કરું.” તેમણે ઉમેર્યું કે, “તમારા પત્રો વાંચીને હું અનેક વખત ભાવુક થઇ ગયો, ભાવનાઓમાં વહી ગયો અને પછી પોતાની જાતને સાંભળી લીધી. તમે મને મન કી બાતના 100મા એપિસોડ પર શુભેચ્છાઓ આપી છે પરંતુ હું સાચા હૃદયથી કહું તો અભિનંદનને પાત્ર આપ સૌ ‘મન કી બાત’ના શ્રોતાઓ અને દેશવાસીઓ છે.” તેમણે ઉમેર્યું કે, ‘મન કી બાત’ કરોડો ભારતીયોના મનની વાત છે અને તેમની ભાવનાઓનું પ્રકટીકરણ છે. 

    મન કી બાતની શરૂઆતને લઈને તેમણે કહ્યું કે, 3 ઓક્ટોબર, 2014ના દિવસે વિજયા દશમીનું પર્વ હતું અને આપણે મળીને ‘મન કી બાત’ની શરૂઆત કરી હતી. અસત્ય પર સત્યના વિજયના પ્રતીક વિજયા દશમીનું ઉદાહરણ આપતાં તેમણે કહ્યું કે, ‘મન કી બાત’ પણ દેશવાસીઓની સકારાત્મકતાનું એક અનોખું પર્વ બની ગયો છે.

    - Advertisement -

    મોદીએ કહ્યું, “ઘણી વખત માનવામાં નથી આવતું કે ‘મન કી બાત’ને આટલા મહિનાઓ અને વર્ષો વીતી ગયાં. દરેક એપિસોડ ખાસ રહ્યો અને દરેક વખતે નવાં ઉદાહરણો જોવા મળ્યાં તો દરેક વખતે દેશવાસીઓની સફળતાઓનો વિસ્તાર થતો રહ્યો. 

    ભૂતકાળમાં અનેક વખત એવું બન્યું કે વડાપ્રધાન મોદીએ મન કી બાતમાં કોઈ ખાસ બાબતનો ઉલ્લેખ કર્યો હોય અને ત્યારબાદ તે આંદોલન બની ગયું હોય. આ બાબતનો ઉલ્લેખ કરતાં પીએમ મોદીએ કહ્યું કે, “મન કી બાત સાથે દેશના ખૂણેખૂણામાંથી દરેક વયજૂથના લોકો જોડાયા. ‘બેટી બચાઓ-બેટી પઢાઓ’ની વાત હોય કે સ્વચ્છ ભારત આંદોલન હોય કે ખાદી પ્રત્યે પ્રેમન વાત હોય કે પ્રકૃતિની. આઝાદીનો અમૃત મહોત્સવ હોય કે અમૃત સરોવરની વાત, ‘મન કી બાત’ જે વિષય સાથે જોડાયો તે જનઆંદોલન બની ગયો અને તમે લોકોએ બનાવી દીધો. આ સાથે તેમણે ‘હર ઘર તિરંગા’ અભિયાન અને તેની ભવ્ય સફળતાનો પણ ઉલ્લેખ કર્યો હતો.

    વડાપ્રધાને કહ્યું કે, મન કી બાતથી તેમને સામાન્ય માણસ સાથે જોડાવાનો અવસર મળ્યો અને પદભાર અને પ્રોટોકોલ વ્યવસ્થા સુધી જ સીમિત રહ્યાં અને જનભાવ, કરોડો લોકો સાથેનો તેમનો ભાવ વિશ્વના અતૂટ અંગ બની ગયા. તેમણે કહ્યું કે, ‘મન કી બાત’ તેમના માટે ઈશ્વરરૂપી જનતા જનાર્દનના ચરણોમાં પ્રસાદના થાળ તરીકે છે. આ કાર્યક્રમ મારા માટે મનની આધ્યાત્મિક યાત્રા બની ગયો છે તેમ કહીને તેમણે ઉમેર્યું કે, ‘મન કી બાત’ એ સ્વથી સમિષ્ટિની અને અહમથી વયમની યાત્રા છે. 

    આ દરમિયાન વડાપ્રધાને કેટલાક એવા લોકો સાથે ટેલિફોનિક વાતચીત પણ કરી હતી, જેમનો અગાઉના એપિસોડમાં તેમણે ઉલ્લેખ કર્યો હતો અને ત્યારથી તેમનાં અભિયાનોમાં પરિવર્તન આવ્યું હતું. તેમણે કાશ્મીરમાં પેન્સિલ સલેટ્સનો વ્યવસાય કરતા મંજૂર અહમદ સાથે વાતચીત કરી હતી. જેમણે વડાપ્રધાનને જણાવ્યું કે, જ્યારથી તેમણે મન કી બાતમાં તેમનો ઉલ્લેખ કર્યો ત્યારથી તેમનો વ્યવસાય ખૂબ સારો ચાલી રહ્યો છે અને અન્યોને પણ રોજગાર મળી રહ્યો છે. 

    ઉપરાંત, તેમણે ‘હીલિંગ હિમાલયાઝ’ ફાઉન્ડેશન ચલાવતા પ્રદીપ સાંગવાન સાથે પણ વાતચીત કરી. જેમણે પીએમને જણાવ્યું કે, તેઓ એક સમયે હારી ગયા હતા પરંતુ મન કી બાતમાં તેમના ઉલ્લેખ બાદ પરિવર્તન આવ્યું અને પછી જે થયું એ તેમણે વિચાર્યું ન હતું. તેમણે નોંધ લેવા બદલ વડાપ્રધાનનો આભાર પણ માન્યો હતો. આ ફાઉન્ડેશન હિમાલયના ટ્રેકિંગ રૂટ્સ પર સાફ-સફાઈ અભિયાન હાથ ધરે છે. 

    પીએમ મોદીએ કહ્યું કે, મારો અતૂટ વિશ્વાસ છે કે સામૂહિક પ્રયાસોથી મોટાં-મોટાં પરિવર્તનો લાવી શકાય છે અને ઉમેર્યું કે, આ વર્ષે જ્યારે આપણે આઝાદીના અમૃતકાળમાં આગળ વધી રહ્યા છે ત્યારે બીજી તરફ G20ની અધ્યક્ષતા પણ કરી રહ્યા છીએ. આ પણ એક કારણ છે કે શિક્ષણ સાથે વિવિધતાપૂર્ણ વૈશ્વિક સંસ્કૃતિને સમૃદ્ધ કરવા માટે અમારો સંકલ્પ વધુ મજબૂત થયો છે. 

    અંતે તેમણે કહ્યું કે, મન કી બાત હંમેશા સદભાવના, સેવા ભાવના અને કર્તવ્ય ભાવનાથી આગળ વધ્યો છે. આઝાદીના અમૃતકાળમાં આ જ સકારાત્મકતા દેશને આગળ લઇ જશે અને નવી ઊંચાઈઓ પર લઇ જશે. મને આનંદ છે કે ‘મન કી બાત’થી જે શરૂઆત થઇ એ આજે દેશની નવી પરંપરા પણ બની રહી છે. 

    મન કી બાત ઓક્ટોબર, 2014માં શરૂ થયો હતો. વડાપ્રધાન મોદીનો આ રેડિયો કાર્યક્રમ દર મહિનાના અંતિમ રવિવારે પ્રસારિત કરવામાં આવે છે. આજે 100મો એપિસોડ પ્રસારિત થયો હતો. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં