Friday, November 22, 2024
More
    હોમપેજદેશ'અહીં રજ-રજમાં રાધા અને કણ-કણમાં કૃષ્ણ': મીરાબાઈની 525મી જન્મજયંતીએ મથુરા પહોંચ્યા PM...

    ‘અહીં રજ-રજમાં રાધા અને કણ-કણમાં કૃષ્ણ’: મીરાબાઈની 525મી જન્મજયંતીએ મથુરા પહોંચ્યા PM મોદી, શ્રીકૃષ્ણ જન્મભૂમિ મંદિરમાં કરી પૂજા-અર્ચના

    ગર્ભગૃહમાં પૂજા-અર્ચના અને દર્શન કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાગવત ભવનના ઉપરના માળે ગયા હતા. વાસ્તવમાં વડાપ્રધાન મહાન સંત અને કૃષ્ણ ભક્ત મીરાબાઈની 525મી જન્મજયંતિ નિમિત્તે ઉજવવામાં આવતા વ્રજ રજ ઉત્સવમાં ભાગ લેવા મથુરા આવ્યા છે.

    - Advertisement -

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે (23 નવેમ્બર, 2023) મથુરા પહોંચ્યા હતા. અહીં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તેમનું સ્વાગત કર્યું હતું. વડાપ્રધાન સીધા શ્રીકૃષ્ણ જન્મભૂમિ મંદિર ગયા અને ગર્ભગૃહમાં પૂજા-અર્ચના કરી. તેમની સાથે સીએમ યોગી આદિત્યનાથ અને રાજ્યપાલ આનંદીબેન પટેલ પણ હાજર રહ્યાં હતાં. જેની સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મથુરાના શ્રીકૃષ્ણ જન્મભૂમિ મંદિરના દર્શન કરનારા પહેલા વડાપ્રધાન બન્યા છે.

    ગર્ભગૃહમાં પૂજા-અર્ચના અને દર્શન કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાગવત ભવનના ઉપરના માળે ગયા હતા. અસલમાં વડાપ્રધાન મહાન સંત અને કૃષ્ણ ભક્ત મીરાબાઈની 525મી જન્મજયંતિ નિમિત્તે ઉજવવામાં આવતા વ્રજ રજ ઉત્સવમાં ભાગ લેવા મથુરા આવ્યા છે. મથુરાના સાંસદ હેમા માલિની દ્વારા વ્રજ રજ ઉત્સવમાં મીરાબાઈ પર આધારિત નૃત્ય નાટિકા રજૂ કરવામાં આવી હતી.

    525 રૂપિયાનો સિક્કો અને ટપાલ ટીકીટ બહાર પાડી

    મથુરામાં મીરાબાઈની સ્મૃતિમાં આયોજિત આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં એક ટપાલ ટિકિટ અને 525 રૂપિયાનો એક વિશેષ સ્મારક સિક્કો પણ બહાર પાડવામાં આવ્યો હતો. 525 રૂપિયાની કિંમતનો આ પ્રથમ સિક્કો છે. આ ખાસ સિક્કાનું કુલ વજન 35 ગ્રામ છે. તેને 50% ચાંદી, 40% તાંબુ અને 10% જસતનું મિશ્રણથી બનાવવામાં આવ્યો છે. આ સિક્કાની એક બાજુ અશોક સ્તંભ છે, જેની નીચે ₹525 લખેલું છે.

    - Advertisement -

    સિક્કાની બીજી બાજુ પર મીરાબાઈનું ચિત્ર છે. આ ચિત્રમાં ઉપર હિન્દીમાં અને નીચે અંગ્રેજીમાં ‘સંત મીરાબાઈની 525મી જન્મજયંતિ’ લખવામાં આવ્યું છે. મીરાબાઈના ચિત્રની જમણી બાજુએ 1498 અને ડાબી બાજુ 2023 લખેલું છે. આ દરમિયાન વડાપ્રધાન મોદીને મીરાબાઈ પર આધારિત પાંચ મિનિટની ડોક્યુમેન્ટરી પણ બતાવવામાં આવી હતી. સંત મીરાબાઈ ભગવાન શ્રીકૃષ્ણ પ્રત્યેની ભક્તિ માટે જાણીતાં છે. તેમણે અનેક ભજનો, છંદો અને ગ્રંથોની રચના કરી છે.

    રજ-રજમાં રાધા, કણ-કણમાં કૃષ્ણ: વડાપ્રધાન મોદી

    મીરાબાઈની જન્મજયંતી નિમિત્તે યોજાયેલા આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વ્રજજનોને સંબોધિત કર્યા હતા. રાધે રાધે’ અને ‘જય શ્રીકૃષ્ણ’ સાથે પોતાનું સંબોધન શરૂ કરીને તેમણે કહ્યું હતું કે, “હું ભાગ્યશાળી છું કે મને વ્રજની મુલાકાત લેવાનું સૌભાગ્ય મળ્યું છે. અહીં જેને શ્રી કૃષ્ણ અને શ્રીજી બોલાવે છે તે જ આવી શકે છે. આ કોઈ સાધારણ ધરતી નથી. વ્રજ લાલજી અને લાડલીજીના પ્રેમનું મૂર્ત સ્વરૂપ છે. આ એ જ વ્રજ છે જેની રજ પણ દુનિયાભરમાં પૂજનીય છે. રાધા રાણી તેના રજ-રાજમાં બિરાજમાન છે અને તેના કણ-કણમાં શ્રીકૃષ્ણ સમાયેલા છે.”

    રામ મંદિરની તારીખ આવી ગઈ, એ દિવસ દુર નથી જયારે અહીં પણ ભગવા દિવ્ય દર્શન આપશે: વડાપ્રધાન મોદી

    તેમણે આગળ કહ્યું કે, “જ્યારે દેશ આઝાદ થયો ત્યારે જે લોકો ભારતને તેના ભૂતકાળથી અલગ કરવા માગતા હતા. તેમણે આઝાદી પછી પણ દેશને ગુલામીની માનસિકતામાં જકડી રાખ્યો. વ્રજભૂમિ વિકાસથી વંચિત રહી ગઈ હતી, પરંતુ હવે રામ મંદિરની તારીખ પણ આવી ગઈ છે. હવે તે દિવસ દૂર નથી જ્યારે ભગવાન શ્રીકૃષ્ણ અહીં વધુ દિવ્ય સ્વરૂપમાં દર્શન આપશે.”

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આગળ જણાવ્યું કે, “મથુરાના આ સમારોહમાં આવવું ખાસ છે, કારણ કે ભગવાન કૃષ્ણ અને મીરાબાઈ બંનેનો ગુજરાત સાથે અલગ જ સંબંધ છે. મથુરાના કાન્હાએ અહીંથી જઈને ગુજરાતમાં દ્વારકા બનાવ્યું અને ગુજરાત આવીને જ તેઓ દ્વારકાધીશ બન્યા. તેમના મહાન ભક્ત મીરાબાઈએ પણ રાજસ્થાનથી આવીને ગુજરાતમાં પોતાનો અંતિમ સમય વિતાવ્યો હતો.”

    પીએમ મોદીએ વધુમાં કહ્યું કે, “મીરાબાઈની જન્મજયંતિ પણ નર અને નારાયણમાં, જીવ અને શિવમાં, ભક્ત અને ભગવાન વચ્ચે અભેદ માનવાના વિચારની ઉજવણી છે. મીરાબાઈનો જન્મ રાજસ્થાનની એ વીર ભૂમિમાં થયો હતો, જેમણે દેશના સન્માન અને સંસ્કૃતિ માટે અપાર બલિદાન આપ્યા છે. મીરાબાઈએ ભક્તિ અને અધ્યાત્મનો ભક્તિમય પ્રવાહ વહેવડાવી ચેતનાનું જતન કર્યું હતું.”

    વડાપ્રધાન મોદીના પ્રવાસને લઇ ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત

    નોંધનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમને ધ્યાનમાં રાખીને શ્રીકૃષ્ણ જન્મભૂમિ સંકુલની આસપાસ ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી. દરેક જગ્યાએ પોલીસ ફોર્સ ખડકી દેવામાં આવી છે. સાથે જ અને સિવિલ ડ્રેસમાં સુરક્ષા એજન્સીઓ દ્વારા આવતા-જતા લોકો પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. પરિસરની ચારે બાજુ અને શાહી ઈદગાહ મસ્જિદ વિસ્તારમાં પણ પોલીસ એલર્ટ પર હતી. બપોર બાદ સુરક્ષા એજન્સીઓએ આ વિસ્તારમાં દુકાનો બંધ કરી દીધી હતી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં