રવિવારે (7 મે, 2023) વડાપ્રધાન નરેન્દ્ર મોદી કર્ણાટકમાં યુદ્ધગ્રસ્ત સુદાનથી પરત ફરેલા હક્કી-પિક્કી સમુદાયના લોકોને મળ્યા હતા. આ તમામ ભારત સરકારના ‘ઑપરેશન કાવેરી’ હેઠળ તાજેતરમાં જ સ્વદેશ પરત ફર્યા છે. તેમણે મુલાકાત કરીને પીએમ મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો.
સુદાનથી પરત ફરેલા લોકોએ વડાપ્રધાનને જણાવ્યું હતું કે તેઓ કેવા વિપરીત સંજોગોમાંથી સુદાનમાંથી પરત ફર્યા અને સાથે તેમને સુરક્ષિત પરત લાવવા માટે પીએમ મોદીનો અને તેમની સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. આ દરમિયાન અમુક લોકો ભાવુક પણ જોવા મળ્યા.
In Shivamogga, I had a memorable interaction with members of the Hakki Pikki tribe who safely came home from Sudan. pic.twitter.com/T7mdl59YnW
— Narendra Modi (@narendramodi) May 7, 2023
એક વ્યક્તિએ જણાવ્યું કે, તેઓ તમામ એક જ હોટેલમાં રોકાયેલા હતા. શરૂઆતમાં લડાઈના થોડા-થોડા અવાજો આવવા માંડ્યા હતા અને પછી મોટા અવાજો શરૂ થઇ ગયા. તેમણે કહ્યું, “તેમણે (વિદ્રોહીઓ) પહેલાં પાણીનું ટેન્કર ઉડાવી દીધું, પછી લાઈટના થાંભલા ઉડાવી દીધું અને ત્યારબાદ ખાવા-પીવાનું પણ નષ્ટ કરી દેવામાં આવ્યું, કંઈ પણ બચ્યું ન હતું અને અમે બહુ તકલીફમાં આવી ગયા હતા. પરંતુ અમને ખબર હતી કે, ડબલ એન્જીનવાળો આપણી સાથે છે, ચિંતા કરવાની કોઈ જરૂર નથી….ત્યાંથી એમ્બેસીએ અમારી વ્યવસ્થા કરી અને અમને સુદાન પોર્ટ પર પહોંચાડ્યા હતા.”
‘અમને વિશ્વાસ હતો કે અમારા નરેન્દ્ર મોદી અમને બચાવી લેશે’
અન્ય એક વ્યક્તિએ કહ્યું કે, “આવી પરિસ્થિતિમાં હું વિચારતો હતો કે અમને કઈ રીતે બચાવવામાં આવશે, અહીંથી જીવતા પરત ફરીશું કે નહીં…. પરંતુ તમે દિલ્હીમાં મિટિંગ કરીને આદેશ આપ્યા અને અમને વિશ્વાસ આવી ગયો કે અમારા નરેન્દ્ર મોદી અમને બચાવી લેશે.” તેમણે આગળ કહ્યું કે, “જેવી રીતે બાળકો ખોવાઈ જાય ત્યારે પિતા જે રીતે તેને શોધીને હેમખેમ ઘરે પહોંચાડે છે, તેવી રીતે તમે અમને બચાવી લીધા. તમારો જેટલો આભાર માનીએ એટલો ઓછો હશે.”
‘અમને બહુ ખુશી થઇ કે અમારા વડાપ્રધાન અમારા માટે આટલું બધું કરી રહ્યા છે, આજે તમારા કારણે અમે પરત ફરી શક્યા છીએ’
એક મહિલાએ ભાવુક સ્વરે હાથ જોડીને પીએમ મોદીને કહ્યું કે, “10-12 દિવસ સુધી અમે ભૂખ્યા રહ્યા, એક જ રૂમમાં બંધ હતા. પણ જ્યારે તમને અમારા વિશે ખબર પડી તો તમે ‘ઓપરેશન કાવેરી’ શરૂ કર્યું…અમને બહુ ખુશી થઇ કે અમારા માટે અમારા વડાપ્રધાન આટલું બધું કરી રહ્યા છે.” આગળ તેમણે કહ્યું કે, “અમને જેટલો ડર હતો એ ડર નીકળી ગયો અને અમને એક ખરોચ પણ ન આવી…આજે અમે અહીં સુરક્ષિત બેઠા છીએ તો માત્રને માત્ર તમારા કારણે…અમારી પુકાર તમે સાંભળી અને અમને લઇ આવ્યા, તમારો જેટલો આભાર માનું એટલો ઓછો છે.”
દુનિયામાં કોઈ પણ ભારતીય ફસાઈ જાય તો અમને ઊંઘ આવતી નથી: પીએમ મોદી
પીએમ મોદીએ કહ્યું કે, “દુનિયામાં કોઈ પણ ભારતીય ફસાઈ જાય તો અમે અમને ઊંઘ નથી આવતી અને એટલે જ અમે દિવસ-રાત લાગેલા રહ્યા.” વિપક્ષી નેતાઓની ભાષણબાજીને લઈને તેમણે કહ્યું, “કેટલાક નેતાઓ ભાષણબાજી કરવા માંડ્યા હતા અને અમને ચિંતા એ હતી કે જો તેમના નિવેદનોન કારણે ત્યાં ભારતીયો ક્યાં છે તે ખબર પડી જશે તો તેમને (ભારતીયોને) નુકસાન પહોંચશે. તેથી ચૂપચાપ કામ કરવાનું હતું અને તમને લઈને આવવાના હતા. અમને આનંદ છે કે આજે દેશના 4 હજારથી વધુ ભાઈ-બહેન આ મુસીબતમાંથી પરત આવ્યા છે.”
વડાપ્રધાને ઉમેર્યું, “આ દેશની શક્તિ છે તેને ક્યારેય ભૂલશો નહીં. આ દેશ તમારા માટે કરે છે. ક્યારેય પણ જીવનમાં કોઈની મદદ કરવાની તક મળે તો હંમેશા કરજો. તમે જોયું છે કે મદદ કઈ રીતે કામ આવે…જીવનમાં આ ઘટનાને યાદ કરજો કે અમે મુસીબતમાં હતા ત્યારે કોઈ જવાન કે સૈનિક આવ્યો હતો અને અમને લઇ ગયો હતો. સમાજ અને દેશને ક્યારેય ભૂલવો ન જોઈએ.”
ઉલ્લેખનીય છે કે સુદાનમાં હાલ બે સશસ્ત્ર સેનાઓ સામસામે આવી ગઈ છે અને ગૃહ યુદ્ધ જેવી સ્થિતિ છે. આ પરિસ્થિતિમાંથી પોતાના નાગરિકોને સુરક્ષિત વતન લાવવા માટે ભારત સરકારે ‘ઑપરેશન કાવેરી’ શરૂ કર્યું હતું. આ ઓપરેશન હેઠળ અત્યાર સુધીમાં 4 હજાર ભારતીયોને પરત લાવવામાં આવી ચૂક્યા છે.
હક્કી-પિક્કી સમુદાય શું છે? સુદાન કઈ રીતે પહોંચ્યા હતા?
હક્કી-પિક્કી એ કર્ણાટકનો જનજાતીય સમુદાય છે, જેઓ દાયકાઓ પહેલાં ગુજરાત અને રાજસ્થાનમાંથી સ્થળાંતર કરીને પહોંચ્યા હતા. કર્ણાટકના શિવમોગા, દેવનગરી અને મૈસૂર જિલ્લાઓમાં તેમની વસ્તી જોવા મળે છે. આ સિવાય અન્ય દક્ષિણ ભારતીય રાજ્યોમાં પણ તેમની છૂટીછવાઈ વસ્તી છે.
હક્કી-પિક્કીમાં હક્કીનો અર્થ થાય છે- પક્ષી, જ્યારે ‘પિક્કી’નો અર્થ છે- પકડવું. તેઓ ઔષધિઓ બનાવવા માટે પ્રખ્યાત છે. જે જંગલોમાં તેઓ વસવાટ કરે છે તેની ઔષધિઓમાંથી દવા બનાવે છે. તેમના સુદાન જવાનું પણ આ જ કારણ છે.
સુદાનના લોકો મોંઘી દવાઓ ખરીદી શકતા નથી તેમજ આધુનિક મેડિકલ સુવિધાઓ પણ તેમની પહોંચ બહારની વાત છે. જેથી તેઓ એવી દવાઓની શોધમાં હતા જે અસરકારક પણ હોય અને સસ્તી પણ. આ તક ‘હક્કી-પિક્કી’ સમુદાયે ઝડપી લીધી અને તેઓ સુદાન પહોંચ્યા હતા, જ્યાં તેઓ સ્થાનિકોને ઔષધિઓ બનાવીને વેચતા હતા. તેઓ ભારતથી જરૂરી ચીજવસ્તુઓ લઇ જાય છે અને સુદાનમાં જઈને વેચે છે.