Saturday, November 23, 2024
More
    હોમપેજદેશPM મોદીએ 70 હજાર યુવાનોને સોંપ્યા નિયુક્તિ પત્ર, કહ્યું- દેશ માટે આજનો...

    PM મોદીએ 70 હજાર યુવાનોને સોંપ્યા નિયુક્તિ પત્ર, કહ્યું- દેશ માટે આજનો દિવસ ઐતિહાસિક: 9 મહિનામાં સાડા ચાર લાખ નોકરીઓ અપાઈ

    દેશનાં 20થી વધુ રાજ્યોમાં 44 સ્થળોએ આ રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી જોડાયા હતા.

    - Advertisement -

    શનિવારે (22 જુલાઈ, 2023) વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 70 હજારથી વધુ યુવાનોને નિયુક્તિ પત્ર એનાયત કર્યાં હતાં. આ પ્રસંગે તેમણે વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી સંબોધન પણ કર્યું. આ નિયુક્તિઓ કેન્દ્ર સરકારના વિવિધ વિભાગો તેમજ રાજ્ય સરકાર અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કરવામાં આવી હતી. 

    દેશનાં 20થી વધુ રાજ્યોમાં 44 સ્થળોએ આ રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી જોડાયા હતા. આ દરમિયાન અલગ-અલગ રાજ્યોમાંથી કેન્દ્રીય મંત્રીઓ પણ જોડાયા હતા. અમદાવાદથી કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા સામેલ થયા હતા. 

    નવી નિમણૂંક પામેલા યુવાનો સરકારનાં વિવિધ મંત્રાલયો અને વિભાગોમાં ફરજ બજાવશે. જેમાં મહેસૂલ, નાણાકીય સેવાઓ, પોસ્ટ, શિક્ષણ, રક્ષા, સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ, જળસંચય, તાલીમ અને ગૃહ સહિતના વિભાગો અને મંત્રાલયોનો સમાવેશ થાય છે. આ કાર્યક્રમને સરકારે ‘રોજગાર મેળો’ નામ આપ્યું છે. સરકારે એક નિવેદનમાં જણાવ્યું કે, આ પહેલ રોજગાર સર્જનને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવા માટેના વડાપ્રધાન મોદીના સંકલ્પનું એક ઉદાહરણ છે. 

    - Advertisement -

    વડાપ્રધાન મોદીએ 22 ઓક્ટોબર, 2022ના રોજ રોજગાર મેળાની શરૂઆત કરાવી હતી. ત્યારથી અત્યાર સુધી કુલ 7 કાર્યક્રમો થઇ ચૂક્યા છે અને દરેક કાર્યક્રમમાં 70 હજારથી વધુ લોકોને નિયુક્તિ પત્ર સોંપવામાં આવી ચૂક્યાં છે. અંતિમ રોજગાર મેળો 13 જૂન, 2023ના રોજ યોજાયો હતો. આ વર્ષે ચાર રોજગાર મેળાનું આયોજન થઇ ચૂક્યું છે. 

    યુવાનોને નિયુક્તિ પત્રો સોંપતાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આજે દેશ માટે ઐતિહાસિક દિવસ છે. યુવાનોનું સરકારી નોકરીમાં આવવું એક મોટો અવસર છે. તમારે દેશનું નામ રોશન કરીને દેખાડવાનું છે. તેમણે ઉમેર્યું કે, વર્ષ 1947માં આજના દિવસે 22 જુલાઈએ તિરંગાને બંધારણ સભા દ્વારા માન્યતા મળી હતી. આ મહત્વના દિવસે તમને સરકારી સેવા માટે નિયુક્તિ પત્ર મળવો એક મોટી પ્રેરણા છે. 

    પીએમ મોદીએ કાર્યક્રમમાં આર્થિક ક્ષેત્રે દેશની સતત થઇ રહેલી પ્રગતિ પર પણ પ્રકાશ પાડ્યો. તેમણે કહ્યું કે, માત્ર 9 વર્ષમાં ભારત દુનિયાની 10મા ક્રમની અર્થવ્યવસ્થા પરથી પાંચમા ક્રમની અર્થવ્યવસ્થા બની ગયો છે. આજે દરેક નિષ્ણાત એ કહી રહ્યો છે કે થોડાં જ વર્ષોમાં ભારત દુનિયાની ત્રીજી મોટી અર્થવ્યવસ્થા બની જશે. ત્યાં પહોંચવું એ ભારત માટે અસામાન્ય સિદ્ધિ બનશે. એટલે કે દરેક સેક્ટરમાં રોજગારના અવસર પણ વધશે અને સામાન્ય નાગરિકની આવક પણ વધશે. 

    વડાપ્રધાને ઉમેર્યું, “કૌભાંડોના કારણે દેશની બેન્કિંગ વ્યવસ્થા પડી ભાંગી હતી. 2014માં તમે અમને દેશની સેવા કરવાની તક આપી અને સરકારમાં આવ્યા બાદ અમે આ સ્થિતિમાંથી બેન્કિંગ સેક્ટર અને દેશને બહાર કાઢવા માટે એક પછી એક પગલાં લઈને કામ શરૂ કર્યું. અમે સરકારી બેંકોના સંચાલનને સશક્ત કર્યું, પ્રોફેશનલિઝ્મ પર બળ આપ્યું, નાની બેન્કોને જોડીને મોટી બેન્કોનું નિર્માણ કર્યું અને સુનિશ્ચિત કર્યું કે બેન્કમાં સામાન્ય નાગરિકની 5 લાખ રૂપિયા સુધીની રકમ ક્યારેય ન ડૂબે. કારણ કે બેન્ક પ્રત્યે સામાન્ય નાગરિકનો વિશ્વાસ મજબૂત કરવો ખૂબ જરૂરી બની ગયો હતો. અનેક કૉ-ઓપરેટીવ બેન્ક ડૂબી રહી હતી અને સામાન્ય નાગરિકની મહેનતનો પૈસો ડૂબી રહ્યો હતો. જેથી અમે મર્યાદા 5 લાખ કરી દીધી હતી, જેથી 99 ટકા લોકોને મહેનતનો પૈસો પરત મળી શકે.” 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં