સામી કર્ણાટક ચૂંટણીએ કોંગ્રેસે ફરી એક વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર અપશબ્દોનો મારો શરૂ કર્યો છે. તાજેતરમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ તેમને ‘ઝેરીલા સાપ’ કહી દીધા હતા. જેને લઈને હવે સ્વયં વડાપ્રધાન મોદીએ પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસ ભલે તેમને ગાળો આપતી રહે પરંતુ તેઓ જનતા માટે કામ કરવાનું ચાલુ રાખશે.
#WATCH | "Congress has started abusing me again. Every time Congress abuse me, it gets demolished. Congress has abused me 91 times…Let Congress abuse me, I will keep on working for the people of Karnataka…," says PM Narendra Modi addresses a public meeting at Humnabad in… pic.twitter.com/bd4XbN0nT6
— ANI (@ANI) April 29, 2023
કર્ણાટકમાં એક જનસભા સંબોધતી વખતે વડાપ્રધાને આ વાતો કહી હતી. પીએમ મોદીએ કહ્યું, “આ ચૂંટણીમાં પણ કોંગ્રેસે ફરીથી મને ગાળો આપવાનું કામ શરૂ કરી દીધું છે. મેં જોયું કોઈએ એ ગાળોની યાદી બનાવી અને એ મને આપી છે. અત્યાર સુધી મને આ કોંગ્રેસના લોકોએ 91 વખત અલગ-અલગ ગાળો આપી છે. કોંગ્રેસે આ ગાળોની ડિક્ષનરીમાં સમય બરબાદ કરવાની જગ્યાએ આટલી મહેનત સુશાસન માટે કે કાર્યકર્તાઓનો ઉત્સાહ માટે કરી હોત તો આજે આ દયનીય સ્થિતિ આવી ન હોત.”
તેમણે કહ્યું કે, જે ગરીબો માટે અને દેશ માટે કામ કરે છે તેને અપમાનિત કરવું એ કોંગ્રેસનો ઇતિહાસ છે. તેમણે કહ્યું કે, “અગાઉ ‘ચોકીદાર ચોર હૈ’ ચલાવ્યું હતું, પછી ‘મોદી ચોર છે’ ચલાવ્યું પછી આખા ઓબીસી સમાજને ચોર કહ્યો અને હવે કર્ણાટક ચૂંટણી પહેલાં લિંગાયત ભાઈ-બહેનોને ચોર કહેવાની હિંમત કોંગ્રેસે કરી છે.”
પીએમ મોદી આગળ કહે છે કે, “કોંગ્રેસ કાન ખોલીને સાંભળી લે, તમે જ્યારે-જયારે જેમને ગાળો આપી છે તેમણે તમને એવી સજા આપી છે કે તમે ફરી ઉભા થઇ શક્યા નથી. આ વખતે પણ કર્ણાટકમાં ગાળોનો જવાબ, લોકોના સન્માન પર જે ઘા વાગ્યો છે તેનો જવાબ મતથી આપવામાં આવશે.”
‘કોંગ્રેસે બાબાસાહેબ અને વીર સાવરકરને પણ ન છોડ્યા’
વડાપ્રધાને જણાવ્યું કે કઈ રીતે કોંગ્રેસ પાર્ટી બાબાસાહેબ આંબેડકર અને વીર સાવરકર જેવા નેતાઓને ગાળો આપતી રહે છે. તેમણે ઉમેર્યું, “કોંગ્રેસે બાબાસાહેબને પણ છોડ્યા ન હતા અને ‘રાક્ષસ’, ‘રાષ્ટ્રદ્રોહી’ અને ‘દગાબાજ દોસ્ત’ જેવી ગાળો આપી હતી. કોંગ્રેસ વીર સાવરકરજીને ગાળો આપતી રહે છે. મોટામાં મોટા મહાપુરુષો તેમની ગાળોનો શિકાર બનતા રહ્યા છે. આ બધું જોઉં ત્યારે લાગે છે કે કોંગ્રેસ મને પણ તેવું જ સન્માન આપી રહી છે અને બાબાસાહેબ અને સાવરકરજીને આપી તેવી જ ગાળો મોદીને પણ આપે છે.”
‘હું જનતાની સેવામાં જાત ખપાવતો રહીશ, દિવસ-રાત કામ કરીશ’
વડાપ્રધાને કહ્યું કે, “હું તો આને ઉપહાર માનું છું. કોંગ્રેસ ગાળો આપવામાં સમય બરબાદ કરતી રહેશે, હું જનતા-જનાર્દનની સેવામાં મારી જાતને ખપાવતો રહીશ. દિવસ-રાત કામ કરીશ, વધુમાં વધુ કામ કરીશ, તમારા આશીર્વાદથી તમામ ગાળો માટીમાં મળી જશે.” અંતે તેમણે ઉમેર્યું કે, કોંગ્રેસે યાદ રાખવું જોઈએ કે તેઓ જેટલો કાદવ ઉછળશે તેટલું જ કમળ વધુ ખીલશે.
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ એક જનસભા સંબોધતાં વડાપ્રધાન મોદીને ‘ઝેરીલા સાપ’ કહ્યા હતા અને કહ્યું કે, જો તેને ચાખવા જશો તો મૃત્યુ પામશો. જોકે, પછીથી તેણે ફેરવી તોળ્યું હતું અને કહ્યું કે તેમનો ઈરાદો કોઈના અપમાનનો ન હતો.