PM નરેન્દ્ર મોદી બુધવારે (6 માર્ચ) પશ્ચિમ બંગાળના પ્રવાસે છે. તેઓ મંગળવારે (5 માર્ચ) સાંજે કોલકાતા પહોંચ્યા હતા અને સીધા રાજભવન ગયા હતા. જ્યાં તેઓએ રાત્રિ રોકાણ કર્યું હતું. જે બાદ PM મોદીએ બુધવારે (6 માર્ચ) દેશની પહેલી અંડર વોટર ટ્રેનનું લોકાર્પણ કર્યું હતું. નોંધનીય છે કે, કોલકાતાની આ અંડર વોટર મેટ્રો ટ્રેન હુગલી નદીની નીચે બનાવવામાં આવી છે. જે બાદ PM મોદીએ અનેક વિકાસકાર્યોની પણ ભેટ આપી હતી.
બુધવારે (6 માર્ચ) PM મોદી પશ્ચિમ બંગાળના પ્રવાસ પર છે. તેમણે કોલકાતામાં અંડર વોટર મેટ્રો ટ્રેનનું લોકાર્પણ કર્યું, જે બાદ તેમણે સ્કૂલના નાના બાળકો સાથે ટ્રેનમાં સફર પણ કરી હતી. જેનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વિડીયોમાં જોઈ શકાય છે કે, વડાપ્રધાન મોદી બાળકોની સાથે બેસીને તેમની સાથે વાતો કરી રહ્યા છે અને તેમને બાજુમાં આવીને બેસવાનું કહી રહ્યા છે. આ કાર્યક્રમ બાદ PM મોદીએ કવિ સુભાષ-હેમંત મુખોપાધ્યાય મેટ્રો સેકશન અને તરતલા-માજેરહાટ મેટ્રો સેકશનનું પણ ઉદ્ઘાટન કર્યું હતું. આ દરમિયાન તેમણે 6 નવી મેટ્રો ટ્રેનને પણ લીલી ઝંડી બતાવી હતી.
#WATCH | West Bengal: Prime Minister Narendra Modi travels with school students in India's first underwater metro train in Kolkata. pic.twitter.com/95s42MNWUS
— ANI (@ANI) March 6, 2024
ત્યારબાદ વડાપ્રધાન મોદીએ પશ્ચિમ બંગાળને કોલકાતાથી ₹15,400 કરોડના વિકાસકાર્યોની ભેટ પણ આપી હતી. બંગાળ ભાજપના પ્રવક્તા સમિક ભટ્ટાચાર્ય અનુસાર, હવે PM મોદી બારાસાતમાં એક સાર્વજનિક રેલીને સંબોધિત કરવા માટે પહોંચશે. જ્યાં તેઓ વિશાળ જનસભાનું સંબોધન કરશે અને અનેક વિકાસકાર્યોની ભેટ કરશે.
સંદેશખાલીની પીડિત મહિલાઓ મળી શકે છે PM મોદીને
ભાજપ પ્રદેશ પ્રવક્તાએ વધુમાં જણાવ્યું કે, આ રેલી દરમિયાન સંદેશખાલીની ‘પીડિત મહિલાઓ’ પણ ઉપસ્થિત રહેશે. પ્રવક્તાએ ઉમેર્યું કે, “હજુ સુધી એ નક્કી નથી થયું કે, સંદેશખાલીની પીડિત મહિલાઓ વડાપ્રધાન સાથે મુલાકાત કરશે કે નહીં. જો પીડિત મહિલાઓ વડાપ્રધાનને મળવાની ઈચ્છા વ્યક્ત કરશે, તો પાર્ટી જરૂરથી મુલાકાત કરાવશે.” PM મોદી જનસભાને સંબોધિત કરતી વખતે સંદેશખાલીની ઘટનાનો ઉલ્લેખ કરી શકે છે. નોંધનીય છે કે, સંદેશખાલીમાં તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના નેતા શાહજહાં શેખ વિરુદ્ધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. તેના પર મહિલાઓના યૌન શોષણનો આરોપ છે.
ઉલ્લેખનીય છે કે, PM મોદીએ ગયા અઠવાડિયે પણ પશ્ચિમ બંગાળમાં બે રેલીઓને સંબોધિત કરી હતી, જેમાંથી એક હુગલી જિલ્લાના આરામબાગમાં અને બીજી નદિયા જિલ્લાના કૃષ્ણનગરમાં યોજાઈ હતી. સંદેશખાલીમાં ‘મહિલાઓ પરના અત્યાચારો’ અંગે તેમણે મમતા બેનર્જીની આગેવાની હેઠળની TMC સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, સમગ્ર દેશ આ મુદ્દે આક્રોશમાં છે. સાથે તેમણે લોકોને આગામી લોકસભા ચૂંટણીમાં તેમની પાર્ટીની હાર સુનિશ્ચિત કરવા હાકલ કરી હતી.