Saturday, November 23, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટપીએમ મોદીની સભામાં મંડપના નટ-બોલ્ટ કાઢતાં જોવા મળેલો શખ્સ પકડાયો, વિડીયો ફરતો...

    પીએમ મોદીની સભામાં મંડપના નટ-બોલ્ટ કાઢતાં જોવા મળેલો શખ્સ પકડાયો, વિડીયો ફરતો થયા બાદ પોલીસની કાર્યવાહી

    બનાસકાંઠાના થરાદમાં પીએમની સભા યોજાઈ હતી, પોલીસે ધરપકડ કરી કૃત્ય કરવા પાછળનું કારણ શોધવા ચક્રો ગતિમાન કર્યા.

    - Advertisement -

    મોરબીની પુલ દુર્ઘટનાના ઘા હજુ ભરાયા નથી ત્યાં સોશિયલ મીડિયા પર એક વિડીયો સામે આવ્યો હતો, જેમાં પીએમ મોદીની ચાલુ સભાએ એક વ્યક્તિ મંડપના થાંભલાના નટ-બોલ્ટ કાઢતો જોવા મળે છે. આ વિડીયો વાયરલ થયા બાદ થરાદ પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. 

    પીએમ મોદીની સભામાં મંડપમાંથી નટ-બોલ્ટ કાઢતા વ્યક્તિનો વિડીયો સોશિયલ મીડિયા પર ફરતો થયા બાદ બનાસકાંઠા પોલીસે આ શખ્સની શોધખોળ શરૂ કરી હતી. પોલીસે તેને થરાદ ગામમાંથી ઝડપી લીધો છે. હાલ પોલીસ આ શખ્સની પૂછપરછ કરી એ જાણવાના પ્રયાસ કરી રહી છે કે તેણે આ કૃત્ય કેમ કર્યું હતું. 

    તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. અહીં તેમણે અનેક સ્થળોએ વિકાસકાર્યોનાં ખાતમુહૂર્ત-લોકાર્પણ કર્યાં હતાં. જે અંતર્ગત પીએમની એક સભા બનાસકાંઠાના થરાદમાં પણ યોજાઈ હતી. 

    - Advertisement -

    આ સભા દરમિયાન જ્યારે વડાપ્રધાન સ્ટેજ પરથી બોલી રહ્યા હતા એ જ સમયે સભામાં બેઠેલો એક વ્યક્તિ મંડપના થાંભલામાં લગાવવામાં આવેલ નટ-બોલ્ટ કાઢતો જોવા મળ્યો હતો. આસપાસ કોઈ જુએ નહીં તેની તકેદારી રાખીને તેણે નટ-બોલ્ટ કાઢી લીધા હતા. જોકે, આ સમય દરમિયાન ત્યાં જ હાજર અન્ય કોઈ વ્યક્તિએ વિડીયો ઉતારી લીધો હતો. 

    ત્યારબાદ ગઈકાલથી આ વિડીયો સોશિયલ મીડિયા પર ફરતો થયો હતો. તાજેતરમાં જ મોરબીમાં મચ્છુ નદી પરનો પુલ તૂટી પડવાની દુર્ઘટનાના કારણે 135 લોકોએ જીવ ગુમાવ્યા હતા ત્યારે તે પહેલાં જ પીએમ મોદીની સભામાંનો આ પ્રકારનો વિડીયો વાયરલ થતાં સોશિયલ મીડિયા ઉપર લોકોએ અનેક પ્રકારના પ્રશ્નો પણ ઉઠાવ્યા હતા તેમજ કડક તપાસની માંગ કરી હતી. 

    ઉલ્લેખનીય છે કે આ પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એક સભામાં દુર્ઘટના ઘટી ચૂકી છે. વર્ષ 2018માં પીએમ નરેન્દ્ર મોદી પશ્ચિમ બંગાળના મિદનાપુરમાં એક સભા સંબોધવા માટે ગયા હતા, જ્યાં મંડપ તૂટી પડવાના કારણે 90 લોકોને ઇજા પહોંચી હતી. ત્યારબાદ ઇજાગ્રસ્તોને પીએમ મોદીના કાફલામાં સામેલ એમ્બ્યુલન્સ અને કાર મારફતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ પીએમ મોદીએ ઇજાગ્રસ્તોની મુલાકાત પણ લીધી હતી. 

    ઉલ્લેખનીય છે કે વડાપ્રધાનની સભામાં લાખો લોકો આવે છે, જે માટે મંડપ પણ મોટાપાયે બનાવવામાં આવે છે. જેની સુરક્ષાની પણ પૂરતી વ્યવસ્થા કરવામાં આવે છે. પરંતુ તેમ છતાં આ પ્રકારના કૃત્યોનો વિડીયો વાયરલ થતાં અનેક સવાલો પેદા થયા છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં