ગણેશોત્સવની ઉજવણી ભાદરવા સુદ ચોથથી લઈને 10 દિવસ સુધી થતી હોય છે. જેમાં ભાવિભક્તો વિધ્નહર્તાની પોતાના ઘરે સ્થાપના કરતા હોય છે. 10 દિવસ દરમિયાન ખુબ ભાવ-ભક્તિ સાથે ગણેશજીની અર્ચના થતી હોય છે. ત્યારે ગણેશોત્સવના પાંચમા દિવસે PM નરેન્દ્ર મોદી, CJI ચંદ્રચુડના રાજધાની દિલ્હી ખાતે આવેલ નિવાસસ્થાને ગણેશપૂજામાં સામેલ થયા હતા.
Joined Ganesh Puja at the residence of CJI, Justice DY Chandrachud Ji.
— Narendra Modi (@narendramodi) September 11, 2024
May Bhagwan Shri Ganesh bless us all with happiness, prosperity and wonderful health. pic.twitter.com/dfWlR7elky
CJIના ઘરે PM મોદીએ કરેલી પૂજા અને આરતીના વિડીયો પણ સામે આવ્યા હતા. વાયરલ થયેલ વિડીયોમાં PM મોદી CJI ચંદ્રચુડ અને તેમની પત્ની સાથે મળીને ભગવાન ગણેશની મૂર્તિની આરતી કરતા અને પ્રાર્થના કરતા જોવા મળ્યા હતા. ઉપરાંત PM મોદીએ પણ સોશિયલ મીડિયા માધ્યમ X પર પોસ્ટ કરી હતી.
તેમણે પોસ્ટ કરતા લખ્યું હતું કે, “CJI, જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ જીના નિવાસસ્થાને ગણેશ પૂજામાં જોડાવાનું થયું.” આગળ તેમણે લખ્યું હતું કે, “ભગવાન શ્રી ગણેશ આપણને બધાને સુખ, સમૃદ્ધિ અને સારુ સ્વાસ્થ્ય આપે એવી પ્રાર્થના.” તેમણે આ પોસ્ટમાં એક ફોટો પણ શેર કર્યો હતો. જેમાં તેઓ CJI ચંદ્રચુડના પરિવાર સાથે મળીને ગણેશજીની આરતી કરી રહ્યા છે.
ભારતના મહારાષ્ટ્ર રાજ્યમાં ગણેશોત્સવના તહેવારનું અનેરું મહત્વ જોવા મળે છે ત્યારે CJI ચંદ્રચુડના નિવાસસ્થાને પૂજા દરમિયાન PM મોદીએ મહારાષ્ટ્રની પરંપરાગત ટોપી પણ પહેરી હતી. હિન્દુસ્તાન ટાઈમ્સ દ્વારા પોસ્ટ કરાયેલ એક વિડીયોમાં PM મોદી, CJI ચંદ્રચુડ અને તેમના પત્ની સાથે મળીને ખુબ ભાવ સાથે ગણેશજીની આરતી અને પૂજા કરતા જોવા મળી રહ્યા છે.