વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30 અને 31 ઓક્ટોબરે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ સવારે અમદાવાદ એરપોર્ટ આવી પહોંચશે, જ્યાંથી 10:30 કલાકે અંબાજી મંદિરમાં પૂજા-દર્શન કરવા માટે જાશે. ત્યારબાદ 12 વાગ્યે મહેસાણામાં વિવિધ કાર્યક્રમોનાં શિલાન્યાસ અને ઉદ્ઘાટન કાર્યક્રમમાં ભાગ લેશે. બીજા દિવસે 31 ઓક્ટોબરે સરદાર જયંતી નિમિત્તે વડાપ્રધાન કેવડિયામાં હશે, જ્યાં ‘એકતા દિવસ’ની ઉજવણીમાં સહભાગી થશે. બંને દિવસ મળીને PM મોદી કુલ ₹5950 કરોડનાં વિકાસકામોનાં લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે.
મહેસાણામાં પીએમ મોદી રેલવે, માર્ગ, પીવાનું પાણી અને સિંચાઈ જેવાં વિવિધ ક્ષેત્રોમાં આશરે ₹5800 કરોડનાં વિવિધ પ્રોજેક્ટનાં લોકાર્પણ અને શિલાન્યાસ કરશે. આ કાર્યક્રમનું આયોજન મહેસાણાના ડાભોડા ગામમાં કરવામાં આવ્યું છે. જેમાં મહેસાણા, અમદાવાદ, બનાસકાંઠા, મહીસાગર, ગાંધીનગર અને પાટણને આવરી લેતાં વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ થશે. આવા કુલ 16 પ્રકલ્પો પૈકી આઠનું લોકાર્પણ અને આઠનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. જેમાં રેલવે, માર્ગ, પીવાનું પાણી, સિંચાઈ જેવા ક્ષેત્રો સામેલ છે.
31 ઓક્ટોબરે કેવડિયામાં ‘એકતા દિવસ’ની ઉજવણી
બીજા દિવસે 31 ઓક્ટોબરના રોજ પીએમ મોદી કેવડિયામાં હશે, જ્યાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં સહભાગી થશે. અહીં તેઓ સરદાર વલ્લભભાઈ પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે. અહીં પીએમ એકતા પરેડ પણ નિહાળશે, જેમાં BSF અને વિવિધ રાજ્યોની પોલીસના જવાનો ભાગ લેશે. આ કાર્યક્રમમાં મહિલા CRPF બાઇકર્સ દ્વારા ડેરડેવિલ શો, BSF મહિલા પાઇપ બેન્ડ, ગુજરાત મહિલા પોલીસ દ્વારા કોરિયોગ્રાફી પ્રોગ્રામ, વિશેષ NCC શો, સ્કૂલ બેન્ડ્સ ડિસ્પ્લે, ઇન્ડિયન એરફોર્સ દ્વારા ફ્લાય પાસ્ટ, વાઇબ્રન્ટ વિલેજની આર્થિક સદ્ધરતાનું પ્રદર્શન વગેરે આકર્ષણો પણ સામેલ હશે.
અહીં વડાપ્રધાન 160 કરોડનાં વિકાસકામોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. જેનું ઉદ્ઘાટન કરવામાં આવનાર છે, તેમા એકતા નગરથી અમદાવાદ સુધીની હેરિટેજ ટ્રેન, નર્મદા આરતી માટેનો પ્રોજેક્ટ લાઈવ, કમલમ્ પાર્ક, સ્ટેચ્યુ ઑફ યુનિટીમાં વૉક વે, 30 નવી ઈ-બસ, ૨૧૦ ઈ-સાયકલ, મલ્ટીપલ ગોલ્ફ કોર્ટ, એકતા નગર ખાતે સિટી ગેસ ડિટ્રીબ્યુશન નેટવર્ક, ગુજરાત સ્ટેટ કૉઑપરેટિવ બેંકનું સહકાર ભવનનો સમાવેશ થાય છે. જ્યારે પીએમ કેવડિયામાં ટ્રોમા સેન્ટર સાથેની સબ-ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ અને સોલાર પેનલ પ્રોજેક્ટનું ભૂમિપૂજન પણ કરશે.
અહીં પીએમ મોદી આરંભ 5.0ના અંતે 98મા કોમન ફાઉન્ડેશન કોર્સના તાલીમાર્થી અધિકારીઓને સંબોધન પણ કરશે. ‘મેં નહીં હમ’ થીમ સાથેના આ 98માં કોમન ફાઉન્ડેશન કોર્સમાં ભારતની 16 સિવિલ સર્વિસિસ અને ભૂટાનની 3 સિવિલ સર્વિસિસના કુલ 560 અધિકારીઓ તાલીમાર્થીઓ છે.
ગુજરાતની મુલાકાતે આવેલા પીએમ મોદી 31 ઓક્ટોબરે પોતાનો પ્રવાસ પૂર્ણ કરીને દિલ્હી જવા રવાના થશે.
(પૂરક માહિતી- માહિતી ખાતું, ગુજરાત સરકાર)