વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાછલા દિવસોમાં ઓસ્ટ્રેલિયાના પ્રવાસ દરમિયાન સિડનીમાં એક ભવ્ય કાર્યક્રમમાં હજારો ભારતીય સમુદાયોના સભ્યોને સંબોધિત કર્યા હતા. આ દરમિયાન આખો હોલ ‘મોદી-મોદી’ના નારાથી ગૂંજી ઉઠ્યો હતો. આ કાર્યક્રમમાં ઓસ્ટ્રેલિયાના પીએમ એન્થની અલ્બેનીઝે કહ્યું હતું કે, ‘પીએમ મોદી બોસ છે’. હવે ઓસ્ટ્રેલિયાના વિપક્ષ નેતા પીટર ડટને પણ પીએમ મોદીની પ્રશંસા કરી છે.
પીએમ મોદીએ સિડનીમાં ઓસ્ટ્રેલિયાના વિપક્ષ નેતા પીટર ડટન સાથે મુલાકાત કરી હતી. જે બાદ પીટર ડટને ટ્વિટર પર પીએમ મોદી સાથેની મુલાકાત પર આનંદ વ્યક્ત કર્યો હતો. એક ટ્વીટમાં ડટને પીએમ મોદીને ઓસ્ટ્રેલિયામાં મળેલા ભવ્ય આવકાર અંગેની તસવીરો શેર કરી હતી અને પીએમ મોદીને ઓસ્ટ્રેલિયાના સારા મિત્ર કહ્યા હતા.
An electric atmosphere in Sydney tonight to welcome a great friend of Australia, @narendramodi, to our country 🇦🇺🇮🇳 pic.twitter.com/80pyreKhoJ
— Peter Dutton (@PeterDutton_MP) May 23, 2023
પીટર ડટને અન્ય એક પોસ્ટમાં લખ્યું હતું કે, “ઓસ્ટ્રેલિયાના સારા મિત્રને મળીને બહુ આનંદ થયો. અમને ભારત અને ઓસ્ટ્રેલિયાના વિશેષ અને વિકસી રહેલા સંબંધો પર ગર્વ છે. આશા છે કે આવનારા સમયમાં આ વધુ મજબૂત થશે.”
Wonderful to catch up again with a great friend of Australia, @narendramodi.
— Peter Dutton (@PeterDutton_MP) May 24, 2023
Proud of the special and growing relationship Australia has with India and may it go from strength to strength in the years ahead 🇦🇺🇮🇳 pic.twitter.com/yavjd4XR4x
કોણ છે પીટર ડટન?
પીટર ડટન ઓસ્ટ્રેલિયાના વિપક્ષ નેતા છે. ઓસ્ટ્રેલિયાના રાજકારણમાં બે મુખ્ય પક્ષો છે- ‘ઓસ્ટ્રેલિયન લેબર પાર્ટી’ અને ‘લિબરલ પાર્ટી ઓફ ઓસ્ટ્રેલિયા’. વડાપ્રધાન એન્થની અલ્બેનીઝ ‘ઓસ્ટ્રેલિયન લેબર પાર્ટી’ના નેતા છે તો પીટર ડટન ‘લિબરલ પાર્ટી ઓફ ઓસ્ટ્રેલિયા’ના નેતા છે. પીટર ડટન અને એન્થની અલ્બેનીઝ બંને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી પ્રભાવિત જોવા મળ્યા છે.
PM અલ્બેનીઝ સાથે વડાપ્રધાન મોદીએ કરી દ્વિપક્ષીય બેઠક
પીએમ મોદીએ સિડનીમાં ઓસ્ટ્રેલિયાના સમકક્ષ એન્થની અલ્બેનીઝ સાથે દ્વિપક્ષીય બેઠક કરી હતી. સિડનીમાં સંયુક્ત પત્રકાર સંબોધતા પીએમ મોદીએ કહ્યું, “હું આ મુલાકાત દરમિયાન મારા પ્રતિનિધિમંડળને અને મને મળેલા ઉષ્માભર્યા સ્વાગત માટે ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન અને અહીંના લોકોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવા માંગુ છું. પાછલા વર્ષમાં આ અમારી 6ઠ્ઠી બેઠક છે. આ ગહનતા દર્શાવે છે. અમારા વ્યાપક સંબંધો, અમારા મંતવ્યોનું સંકલન અને અમારા સંબંધોની પરિપક્વતા. ક્રિકેટની ભાષામાં, અમારા સંબંધો T20 મોડમાં પ્રવેશ્યા છે.”
એન્થની અલ્બેનીઝે કહ્યું- ‘PM મોદી બોસ છે’
સિડનીના કુડોસ બેંક એરેના ખાતે વડાપ્રધાન મોદીનું સ્વાગત કરવા આવેલી હજારોની મેદની જોઈને ઓસ્ટ્રેલિયન પીએમ અલ્બેનીઝે એવું કહ્યું હતું કે, “પીએમ મોદી બોસ છે અને અમેરિકન ગાયક બ્રુસ સ્પ્રિન્ગસ્ટીનનું પણ આ મંચ પર આવું સ્વાગત કરવામાં આવ્યું ન હતું.”