ભારતના જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યાના ઐતિહાસિક નિર્ણય બાદ પહેલી વાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજ્યના વિદ્યાર્થીઓ સાથે મુલાકાત કરી હતી. રાજધાની દિલ્લીમાં યોજાયેલા એક કાર્યક્રમમાં PM મોદી દ્વારા આ વિદ્યાર્થીઓ સાથે વિવિધ વિષયો પર વાત કરવામાં આવી હતી.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારના (24 ડિસેમ્બર 2023) રોજ દેશની રાજધાની દિલ્લીમાં તેમના નિવાસસ્થાને આયોજિત ‘વતન કો જાનો કાર્યક્રમ-2023’ માં દેશના વિભિન્ન ભાગોમાંથી આવેલા વિદ્યાર્થીઓ સાથે મુલાકાત કરી હતી. કાર્યક્રમનો ઉદ્દેશ દેશના યુવાનોને દેશની સાંસ્કૃતિક વિવિધતા અને સામજિક એકતા સાથે અવગત કરાવવાનો હતો. જેમાં જમ્મુ અને કાશ્મીર રાજ્યમાંથી 250થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ ઉપરાંત આ કાર્યક્રમમાં જયપુર, અજમેર અને ન્યુ દિલ્લીના વિદ્યાર્થીઓ પણ સામેલ થયા હતા.
જમ્મુ અને કાશ્મીરના વિવિધ જિલ્લાઓમાંથી આવેલા વિદ્યાર્થીઓ સાથે વાતચીત દરમિયાન PM મોદીએ વિદ્યાર્થીઓને પ્રવાસના અનુભવો, તેમને મુલાકાત લીધી હોય તેવા દેશના પ્રતિષ્ઠિત સ્થળો વિશે પુછપરછ કરી હતી. આ ઉપરાંત રમત-ગમત ક્ષેત્રમાં વિદ્યાર્થીઓના યોગદાન વિશે વાત કરી જેમાં ક્રિકેટ અને ફૂટબોલ જેવી રમતોનો ઉલ્લેખ કર્યો હતો. આ ઉપરાંત તેમને તીરંદાજી રમત માટે એશિયા પેરા ગેમ્સમાં ત્રણ મેડલ જીતનાર શીતલ દેવીની પણ પ્રશંસા કરી હતી. PM મોદીએ કહ્યું “જમ્મુની એક દીકરી છે. જેને બંને હાથ નથી અને તે તીરંદાજીમાં ગોલ્ડ મેડલ લઈ આવી. ખરેખર તેને દેશનું નામ રોશન કર્યું છે”. રાજ્યના યુવાનોને સંબોધતા કહ્યું હતું કે, “જમ્મુ અને કાશ્મીરના યુવાનોમાં કોઈપણ ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવાની ક્ષમતા છે”
વિદ્યાર્થીઓને સંબોધન કરતા PM મોદીએ તેઓને વિકાસમાં યોગદાન આપવાનું અને દેશના ‘વિકસિત ભારત@2047’ના સ્વપ્નને પૂર્ણ કરવા માટે કાર્ય કરવાનો આગ્રહ કર્યો હતો. આ ઉપરાંત જમ્મુ અને કાશ્મીરમાં વધેલાં પ્રવાસન ક્ષેત્રની પણ વાત કરી હતી. જેમાં રાજ્યના પ્રવાસન ક્ષેત્રમાં રહેલી અપાર સંભાવનાઓ વિશે વિદ્યાર્થીઓને અવગત કરાવ્યા હતા.
આ ઉપરાંત તેમણે જમ્મુ અને કાશ્મીરમાં બની રહેલા વિશ્વના સૌથી ઊંચા રેલવે બ્રિજના નિર્માણ વિશે વાત કરતા વિદ્યાર્થીઓને પૂછ્યું હતુ કે, “તમને ખ્યાલ છે ને કે અહિયાં વિશ્વનો સૌથી ઊંચો બ્રિજ બની રહ્યો છે?” ત્યારે જવાબમાં એક વિદ્યાર્થી કહે છે કે, “હા અમને ખ્યાલ છે, અને આ બ્રિજના કારણે મારા દેશનું નામ રોશન થયું છે.” આ સાથે PM મોદીએ ઈસરોના ચંદ્રયાન-3 અને આદિત્ય-L1 મિશનની સફળતા વિશે પણ વાત કરી હતી.
Had a memorable interaction with students from Jammu and Kashmir. Their enthusiasm and energy is truly admirable. pic.twitter.com/aUsVaIXlJy
— Narendra Modi (@narendramodi) December 24, 2023
પ્રધાનમંત્રી મોદીએ કાર્યક્રમનો વિડીયો સોશિયલ મીડિયા હેન્ડલ X પર પોસ્ટ કર્યો છે. જેમાં PM મોદી લખે છે કે, “જમ્મુ અને કાશ્મીરના વિદ્યાર્થીઓ સાથે યાદગાર વાર્તાલાપ કર્યો. તેમનો ઉત્સાહ અને ઉર્જા ખરેખર પ્રશંસનીય છે.” વિડીયોમાં તેઓ વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરતા દેખાઈ રહ્યા છે. વિડીયોની શરૂઆતમાં વિદ્યાર્થીઓ ‘વી લવ યુ મોદીજી’ કહેતા PM મોદીનું સ્વાગત કરી રહ્યા છે.