વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે (7 માર્ચ, 2024) જમ્મુ અને કાશ્મીરના શ્રીનગર પહોંચ્યા છે. અહીં PM મોદીએ અનેક વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન કર્યું. અહીં વિશાળ જનસભા પણ સંબોધી હતી. વડાપ્રધાનની આ રેલીમાં ભાગ લેવા કાશ્મીરના વિવિધ ભાગોમાંથી ખુબ મોટી સંખ્યામાં લોકો આવ્યા છે.
વડાપ્રધાનનો આ કાર્યક્રમ શ્રીનગરના બક્ષી સ્ટેડિયમમાં થયો હતો. PM મોદીએ અહીં ₹6400 કરોડના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો. અહીં તેમણે અનેક યોજનાઓના લાભાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો અને પછી જનતાને સંબોધન કર્યું હતું.
પીએમ મોદીએ કહ્યું કે પૃથ્વીના સ્વર્ગમાં આવવાનો આ અનુભવ શબ્દો વર્ણવી શકાય એમ નથી. તેમણે કહ્યું કે અહીંના લોકો આપણી સાથે ટેક્નોલોજીના માધ્યમથી જોડાયેલા છે. આપણે દાયકાઓથી આ જમ્મુ-કાશ્મીરની રાહ જોઈ રહ્યા હતા. પીએમ મોદીએ કહ્યું, “2014થી હું દિલ જીતવાનો પ્રયાસ કરી રહ્યો છું. મને લાગે છે કે હું આમાં સફળ થયો છું.”
પીએમએ તેમની જમ્મુ મુલાકાતનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું, “ત્યાં મેં ₹32,000 કરોડના પ્રોજેક્ટનું શિલાન્યાસ અને ઉદ્ઘાટન કર્યું હતું.” પીએમે કહ્યું કે આજે તેમને કાશ્મીરમાં પર્યટન અને વિકાસ સાથે જોડાયેલા ઘણા પ્રોજેક્ટ્સને સમર્પિત કરવાની તક મળી છે. તેમણે કહ્યું કે વિકસિત જમ્મુ અને કાશ્મીરનો માર્ગ વિકાસમાંથી પસાર થાય છે.
પીએમ મોદીએ કહ્યું, “જમ્મુ અને કાશ્મીર માત્ર એક ક્ષેત્ર નથી પરંતુ ભારતનું મસ્તક છે અને ઉંચુ માથું વિકાસ અને સન્માનનું પ્રતીક છે, તેથી વિકસિત જમ્મુ અને કાશ્મીર વિકસિત ભારતની પ્રાથમિકતા છે.” પીએમ મોદીએ કહ્યું કે એક સમય હતો જ્યારે દેશમાં લાગુ કાયદા જમ્મુ-કાશ્મીરમાં લાગુ નહોતા થતા. તેમણે કહ્યું કે હવે સમય બદલાઈ ગયો છે, હવે શ્રીનગર માત્ર જમ્મુ અને કાશ્મીર માટે જ નહીં પરંતુ દેશ માટે નવી પર્યટનની પહેલ કરી રહ્યું છે.
પીએમ મોદીએ જાહેરાત કરી કે આગામી 2 વર્ષમાં 40 સ્થળોને પર્યટન કેન્દ્ર તરીકે વિકસાવવામાં આવશે. પીએમ મોદીએ NRIને અપીલ કરી હતી કે તેઓ પાંચ પરિવારોને ભારત આવવા માટે પ્રેરિત કરે. પીએમ મોદીએ જમ્મુ-કાશ્મીરના લોકોને વિકાસ કાર્યો માટે અભિનંદન પાઠવ્યા હતા.
તેમણે લોકોને ભારતમાં લગ્નનું આયોજન કરવાની તેમની અપીલનો પુનરોચ્ચાર કર્યો. તેમણે કહ્યું કે લોકોએ જમ્મુ-કાશ્મીરમાં આવીને ‘વેડ ઈન ઈન્ડિયા’નો (Wed In India) પ્રચાર કરવો જોઈએ. પીએમ મોદીએ જમ્મુ-કાશ્મીરમાં G20ના સંગઠનનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે 2023માં અહીં 2 કરોડ લોકો આવ્યા છે.
પીએમ મોદીએ કહ્યું કે જમ્મુ-કાશ્મીર ઝડપથી આગળ વધી રહ્યું છે. આ રાજ્યને 2 AIIMS મળી રહી છે. પીએમ મોદીએ જમ્મુ-કાશ્મીરમાં તાજેતરમાં શરૂ થયેલી રેલ સેવાઓ વિશે વાત કરી. તેમણે કહ્યું કે આવનારા સમયમાં જમ્મુ-કાશ્મીરની સફળતાની ગાથા સમગ્ર વિશ્વ માટે એક ઉદાહરણ બનશે.
વડાપ્રધાન મોદીએ જમ્મુ-કાશ્મીર બેંકને ફરીથી મજબૂત કરવાની વાત કરી. તેમણે કહ્યું કે આ બેંક હવે ₹1700 કરોડથી વધુનો નફો કમાઈ રહી છે. તેમણે બેંકમાં કટોકટી દૂર કરવા માટે ઉઠાવવામાં આવેલા પગલાઓ સમજાવ્યા. પીએમ મોદીએ અહીંથી દેશને રમઝાન મહિનાની શુભેચ્છા પાઠવી. તેમણે કહ્યું કે કાશ્મીર આદિ શંકરાચાર્યની ભૂમિ છે અને આવતીકાલે મહાશિવરાત્રિ છે. તેમણે દેશને આ તહેવારની શુભકામનાઓ પણ પાઠવી હતી.