વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ અમેરિકાના પ્રવાસે છે. આજે અમેરિકી રાષ્ટ્રપતિના સત્તાવાર નિવાસસ્થાન વ્હાઇટ હાઉસમાં પીએમ મોદીનું ભવ્યાતિ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. અહીં રાષ્ટ્રપતિ જૉ બાયડન અને ફર્સ્ટ લેડી જીલ બાયડન ઉપસ્થિત રહ્યાં હતાં તેમજ મોટી સંખ્યામાં ભારતીય સમુદાય પણ એકઠો થયો હતો. અહીં બંને રાષ્ટ્રાધ્યક્ષોએ ટૂંકાં સંબોધનો પણ કર્યાં.
પીએમ મોદી વ્હાઇટ હાઉસ પહોંચતાં જ તેમનું અહીં ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું હતું અને તેમને ગાર્ડ ઑફ ઑનર આપવામાં આવ્યું હતું. પીએમ મોદીને 21 તોપોની સલામી પણ અપાઈ. અહીં જૉ બાયડન અને તેમનાં પત્ની જીલ બાયડને પીએમ મોદીને વ્હાઈટ હાઉસમાં આવકાર્યા હતા. ત્યારબાદ બંને નેતાઓએ એકબીજાના દેશના પ્રતિનિધિમંડળો સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન સતત ‘મોદી….મોદી’ અને ‘ભારત માતા કી જય…’ના નારા લાગતા રહ્યા.
#WATCH | US President Joe Biden and First Lady Dr Jill Biden welcome PM Modi on his arrival at the White House pic.twitter.com/zI6BuGTLxi
— ANI (@ANI) June 22, 2023
બે મહાન રાષ્ટ્રો વિશ્વના પડકારોને પહોંચી વળવા માટે એકસાથે કામ કરશે: બાયડન
વ્હાઇટ હાઉસમાં વડાપ્રધાન મોદીના આગમન સમયે ભારતનું રાષ્ટ્રગીત પણ વગાડવામાં આવ્યું હતું. ત્યારબાદ વડાપ્રધાનને આવકારતાં યુએસ પ્રેસિડેન્ટ જૉ બાયડને કહ્યું કે, “પીએમ મોદીનું વ્હાઇટ હાઉસમાં ફરી એક વખત સ્વાગત છે. તમારી રાજકીય મુલાકાત પર યજમાની કરનાર પ્રથમ વ્યક્ત હોવાનો મને ગર્વ છે.” તેમણે ઉમેર્યું કે, “લગભગ 15 વર્ષમાં પહેલી વખત અમેરિકા ભારતના વડાપ્રધાન માટે એક અધિકારીક રાજકીય યાત્રાની યજમાની કરી રહ્યું છે. આ મારા માટે સન્માનની વાત છે.” તેમણે ઉમેર્યું કે, “આ સદીમાં જે પડકારો અને અવસરો વિશ્વની સામે છે, તેને જોતાં એ જરૂરી છે કે ભારત અને અમેરિકા એકસાથે કામ કરીને નેતૃત્વ કરે..અને આપણે એ કરી રહ્યા છીએ.”
જૉ બાયડને કહ્યું કે, “ગરીબીની નાબૂદી, આરોગ્ય વ્યવસ્થાની પહોંચ વધારવા સહિત ક્લાઈમેટ ચેન્જ તેમજ રશિયા-યુક્રેન યુદ્ધના કારણે સર્જાયેલી ખાદ્ય અને ઉર્જાની સલામતીને પહોંચી વળવા માટે ભારત અને અમેરિકા સાથે મળીને કામ કરી રહ્યા છે. બે મહાન રાષ્ટ્ર, બે મહાન મિત્રો અને બે મહાન શક્તિઓ 21મી સદીની દિશા નક્કી કરી શકે તેટલું સામર્થ્ય ધરાવે છે. જેમાં વડાપ્રધાન મોદીની ભાગીદારી બદલ હું તેમનો આભાર વ્યક્ત કરું છું.”
#WATCH | PM Modi welcome back to the White House. I am honoured to be the first to host you here on a State visit: US President Joe Biden pic.twitter.com/NZCrNJZwk0
— ANI (@ANI) June 22, 2023
મિત્રતાપૂર્ણ સ્વાગત બદલ આભાર, આ ભારત અને ભારતીયોનું સન્માન છે: મોદી
ભવ્ય સ્વાગત બાદ વડાપ્રધાન મોદીએ મિત્રતાપૂર્ણ સ્વાગત બદલ જૉ બાયડન અને ફર્સ્ટ લેડી જીલ બાયડનનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે, “આજે વ્હાઇટ હાઉસમાં થયેલું ભવ્ય સ્વાગત એક પ્રકારે 140 કરોડ દેશવાસીઓનું સન્માન છે, 140 દેશવાસીઓનું ગૌરવ છે. આ સન્માન અમેરિકામાં રહેતા 40 લાખથી વધુ ભારતીય મૂળના લોકોનું પણ સન્માન છે. આ સન્માન બદલ રાષ્ટ્રપતિ બાયડન અને ડૉ. જીલ બાયડનનો હૃદયથી આભાર વ્યક્ત કરું છું.”
#WATCH | People of the Indian community are enhancing India's glory in the US through their hard work and dedication. You are the real strength of our relationship. I thank President Biden and Dr Jill Biden for giving this honour to them: PM Modi pic.twitter.com/WAbx3mf3vJ
— ANI (@ANI) June 22, 2023
પીએમ મોદીએ કહ્યું, “ત્રણ દાયકા પહેલાં એક સાધારણ નાગરિક તરીકે હું અમેરિકા યાત્રા પર આવ્યો હતો અને તે સમયે મેં વ્હાઇટ હાઉસને બહારથી જોયું હતું. વડાપ્રધાન બન્યા બાદ હું સ્વયં તો ઘણીવાર અહીં આવ્યો પરંતુ આટલી મોટી સંખ્યામાં ભારતીય-અમેરિકન સમુદાય માટે વ્હાઇટ હાઉસના દ્વાર પહેલી વખત ખોલવામાં આવ્યા છે. ભારતીય સમુદાયના લોકો પોતાના કૌશલ્ય, કર્મઠતા અને નિષ્ઠાથી અમેરિકામાં ભારતનું ગૌરવ વધારી રહ્યા છે. તમે સૌ આપણા સબંધોની સાચી શક્તિ છો. આજે તમને અપાયેલા સન્માન માટે હું રાષ્ટ્રપતિ બાયડન અને જીલ બાયડનનો જેટલો આભાર વ્યક્ત કરું એટલો ઓછો છે.”
વડાપ્રધાને ઉમેર્યું કે, “ભારત અને અમેરિકા, બંનેના સમાજ અને વ્યવસ્થાઓ લોકતાંત્રિક મૂલ્યો પર આધારિત છે. બંને દેશ વિવિધતા પર ગર્વ કરે છે. આપણે ‘સર્વજન હિતાય, સર્વજન સુખાય’, આ મૂળભૂત સિદ્ધાંત પર વિશ્વાસ રાખીએ છીએ. આ કાળખંડમાં ભારત અને અમેરિકાની મિત્રતા આખા વિશ્વના સામર્થ્યને વધારવા માટે પૂરક સાબિત થશે. વૈશ્વિક શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિ માટે બંને દેશો સાથે મળીને કામ કરવા માટે પ્રતિબદ્ધ છે. આપણી મજબૂત ભાગીદારી લોકશાહીની શક્તિઓનું સ્પષ્ટ પ્રમાણ છે.”
વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ બાયડન અહીં દ્વિપક્ષીય બેઠક કરશે. ત્યારબાદ ભારતીય સમય પ્રમાણે રાત્રે લગભગ 12 વાગ્યે પીએમ મોદી અમેરિકાની સંસદને સંબોધિત કરશે. જેની સાથે બે વખત યુએસ સંસદને સંબોધિત કરનારા તેઓ પ્રથમ ભારતીય પીએમ બનશે. સવારે લગભગ 4 વાગ્યે (ભારતીય સમય) પીએમ મોદી માટે સ્ટેટ ડિનર યોજવામાં આવશે. તે સમયે અમેરિકામાં સાંજના સાડા છ થયા હશે.