વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે (7 માર્ચ, 2024) રિપબ્લિક ટીવી આયોજિત સમિટમાં ભાગ લેવા પહોંચ્યા હતા. અહીં તેમણે સંબોધન કરતી વખતે દેશમાં થઈ રહેલા વિકાસ વિશે વાત કરી અને સાથે 10 વર્ષ પહેલાંની સ્થિતિ સાથે વર્તમાન સ્થિતિ પણ સરખાવી. અહીં PM મોદીએ છેલ્લા 75 દિવસનો રિપોર્ટ કાર્ડ પણ રજૂ કર્યો. તેમણે સમજાવ્યું કે તેમની સરકાર આવ્યા બાદ કઈ રીતે દરેક ક્ષેત્રમાં આમૂલ પરિવર્તન આવ્યું છે.
PM મોદીએ સંબોધનની શરૂઆતમાં કહ્યું કે, “થોડાં વર્ષો પહેલાં મેં કહ્યું હતું કે આ દાયકો ભારતનો છે. અમે રાજકીય લોકો બોલીએ છીએ ત્યારે લોકો એવું જ માને છે કે આ તો રાજકીય નિવેદન છે. પરંતુ સત્ય એ પણ છે કે આજે દુનિયા કહી રહી છે કે આ દાયકો ભારતનો છે.” તેમણે ઉમેર્યું કે, “આ દાયકો સ્વતંત્ર ભારતનો સૌથી મહત્વનો દાયકો છે, એટલે જ મેં લાલ કિલ્લા પરથી કહ્યું હતું કે- યહી સમય હૈ, સહી સમય હૈ. તેમણે કહ્યું કે, આ દાયકો સક્ષમ, સમર્થ અને વિકસિત ભારત બનાવવાના પાયાને મજબૂત કરવાનો દાયકો છે.
આ દરમિયાન વડાપ્રધાને છેલ્લા 75 દિવસમાં સરકારે કરેલાં મોટાં કામોનો પણ હિસાબ આપ્યો. તેમણે જણાવ્યું કે છેલ્લા 75 દિવસમાં તેમણે 9 લાખ કરોડ રૂપિયાના પ્રોજેક્ટના શિલાન્યાસ અને લોકાર્પણ કર્યાં છે. જે 110 બિલિયન ડોલરથી પણ વધુ છે. વિશ્વના અનેક દેશોનો ખર્ચ પણ આનાથી વધુ નથી અને આપણે માત્ર 75 દિવસમાં આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર આટલો ખર્ચ કર્યો છે.
તેમણે જણાવ્યું કે,
-75 દિવસમાં દેશમાં 7 નવી AIIMSનું લોકાર્પણ થયું.
-4 મેડિકલ અને નર્સિંગ કોલેજ અને 6 નેશનલ રિસર્ચ લેબ શરૂ થઈ.
-3 IIM, 10 IIT અને 5 NITનાં પરમેનન્ટ કેમ્પસ અને તેની સાથે જોડાયેલી સુવિધાઓનાં લોકાર્પણ-શિલાન્યાસ.
-3 IIIT, 2 ICR અને 10 સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટનાં શિલાન્યાસ અને લોકાર્પણ
-સ્પેસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સંબંધિત ₹1800 કરોડની પરિયોજનાઓનાં લોકાર્પણ
-55 પાવર પ્રોજેક્ટના ઉદઘાટન કે શિલાન્યાસ
-કાકરાપાર પરમાણુ ઊર્જા પ્લાન્ટના નવા 2 રિએક્ટર દેશને સમર્પિત કરાયાં.
-કલ્પકમમાં સ્વદેશી ફાસ્ટ બ્રિડર રિએક્ટરની કોર લોડિંગની શરૂઆત.
-તેલંગાણામાં 1600 મેગાવૉટના થર્મલ પાવર પ્લાન્ટનું લોકાર્પણ, ઝારખંડમાં 1300 મેગાવૉટના થર્મલ પાવર પ્લાન્ટનું લોકાર્પણ, UPમાં 1300 મેગાવૉટના થર્મલ પાવર પ્લાન્ટનો શિલાન્યાસ, UPમાં 300 મેગાવૉટના સોલાર પાવર પ્લાન્ટનો શિલાન્યાસ.
-UPમાં અલ્ટ્રા મેગા રિન્યુએબલ પાર્કનો શિલાન્યાસ
-હિમાચલમાં હાઇડ્રો પાવર પ્રોજેક્ટનો શિલાન્યાસ
-તમિલનાડુમાં દેશના પહેલા ગ્રીન હાઇડ્રોજન ફ્યુઅલ સેલ વેસલનું લૉન્ચિંગ
-UPના મેરઠ-સિંભાઓલી ટ્રાન્સમિશન લાઈનનું ઉદ્ઘાટન
-કર્ણાટકમાં વિન્ડ એનર્જી ઝોન ટ્રાન્સમિશન લાઇન્સનું ઉદ્ઘાટન
-ભારતના સૌથી લાંબા કેબલ આધારિત બ્રિજનું લોકાર્પણ
-લક્ષદ્વીપ સુધી અન્ડર સી ઓપ્ટિકલ કેબલના કામને પૂર્ણ કરીને લોકાર્પણ કરાયું
-500થી વધુ રેલ્વે સ્ટેશનોને આધુનિક બનાવવાનું કામ શરૂ કરાયું, 33 ટ્રેનને લીલી ઝંડી બતાવી
-રોડ, ઓવરબ્રિજ, અન્ડરપાસની 1500થી વધુ યોજનાઓનો શુભારંભ કરાયો
-દેશનાં 4 શહેરોમાં મેટ્રો સાથે જોડાયેલી 7 પરિયોજનાઓ લૉન્ચ કરાઈ
-કોલકત્તાને દેશની પહેલી અન્ડરવૉટર મેટ્રો પરિયોજનાની ભેટ મળી
-પોર્ટ ડેવલપમેન્ટની 10 હજાર કરોડ રૂપિયાની 30 પરિયોજનોનાં લોકાર્પણ-શિલાન્યાસ
-ખેડૂતો માટે વિશ્વની સૌથી મોટી સ્ટોરેજ સ્કીમ શરૂ થઈ
-18000 કૉ-ઑપરેટિવનાં કમ્પ્યુટરાઈઝેશનનું કામ પૂર્ણ થયું
-ખેડૂતોનાં બેન્ક ખાતાંમાં 21 હજાર કરોડથી વધુ રૂપિયા ટ્રાન્સફર કરાયા
આ કામો ગણાવીને પીએમ મોદીએ કહ્યું કે આ એ કામો છે, જેમાં હું હાજર રહ્યો છું અને આ માત્ર લોકાર્પણ-શિલાન્યાસની વાત છે. બીજું પણ ઘણું બધું કરવામાં આવ્યું છે. તેમણે હળવા સ્વરે એમ પણ કહ્યું કે સરકારના તમામ મંત્રીઓ અને દેશભરની BJP-NDA સરકારોએ આ સમયમાં જેટલાં કામો કર્યાં તેની યાદી હું બનાવીશ તો મને ખબર નથી કે તમે સવારની ચાની વ્યવસ્થા કરી છે કે નહીં.
આ સિવાય પણ વડાપ્રધાને અનેક મુદ્દે ચર્ચા કરી હતી.