દક્ષિણ આફ્રિકાનો પ્રવાસ પૂર્ણ કરીને હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગ્રીસની યાત્રાએ પહોંચ્યા છે. અહીં તેમણે ગ્રીસના રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન ગ્રીસના રાષ્ટ્રપતિના હસ્તે તેમને ગ્રાન્ડ ક્રોસ ઑફ ધ ઓર્ડર ઑફ ઑનર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગ્રીસની એક દિવસીય યાત્રાએ ગયા છે. આજે બપોરે (ભારતીય સમય પ્રમાણે) તેમણે ગ્રીસનાં રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી હતી, જેમાં બંને દેશોના સંબંધો વિશે અને અન્ય રાજનીતિક મુદ્દાઓને લઈને ચર્ચા થઇ. આ દરમિયાન ગ્રીસનાં રાષ્ટ્રપતિએ વડાપ્રધાનને સન્માનિત કર્યા હતા. આ ઉપરાંત, તેમણે મિશન ચંદ્રયાનની સફળતા માટે પણ વડાપ્રધાન મોદી અને ભારતના લોકોને અભિનંદન પાઠવ્યાં.
આ સન્માન મળ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, હું હેલેનિક રિપબ્લિકના (ગ્રીસનું અધિકારીક નામ) લોકો અને રાષ્ટ્રપતિનો હાર્દિક આભાર વ્યક્ત કરું છું કે આજે તેમણે મને ‘ગ્રાન્ડ ક્રોસ ઑફ ધ ઓર્ડર ઑફ ઑનર’થી સન્માનિત કર્યો. 140 કરોડ ભારતીયો તરફથી આ પુરસ્કાર મેં સ્વીકાર કર્યો છે અને આભાર વ્યક્ત કર્યો છે.
मैं हेलेनिक Republic के लोगों और राष्ट्रपति जी का हार्दिक धन्यवाद करता हूँ कि आज उन्होंने मुझे “Grand Cross of the Order of Honour” से सम्मानित किया।
— PMO India (@PMOIndia) August 25, 2023
140 करोड़ भारतीयों की ओर से मैंने यह पुरस्कार स्वीकार किया और अपना आभार व्यक्त किया: PM @narendramodi
ઓર્ડર ઑફ ઑનરની સ્થાપના વર્ષ 1975માં કરવામાં આવી હતી અને જે ઍવોર્ડ પીએમ મોદીને આપવામાં આવ્યો છે તે ગ્રીસનો બીજો સૌથી મોટો નાગરિક સન્માન પુરસ્કાર છે. ગ્રીસને આગળ લઇ જવામાં અગત્યનું યોગદાન આપનારા લોકોને તે અપાતો રહ્યો છે. જોકે, અન્ય દેશોના વડાને પણ સન્માનિત કરવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે.
ઍવોર્ડ સાથે વડાપ્રધાનને એક પ્રશસ્તિ પત્ર પણ સોંપવામાં આવ્યો છે. જેમાં લખવામાં આવ્યું છે કે, ‘એક એવા રાજનેતા જેઓ અથાકપણે દેશની વૈશ્વિક સ્તરે પહોંચ વધે તે માટે સતત કાર્યશીલ રહ્યા છે, જેમણે ભારતના આર્થિક વિકાસ અને સમૃદ્ધિ માટે નીતિબદ્ધ કામ કર્યું છે, તેમજ જેમણે પર્યાવરણ સંરક્ષણ અને ક્લાઈમેટ ચેન્જ જેવા વિષયો પ્રત્યે વિશ્વનું ધ્યાન દોર્યું છે તેવા ભારતના વડાપ્રધાનનું ગ્રીસ સન્માન કરે છે.’
ઉલ્લેખનીય છે કે છેલ્લા 40 વર્ષમાં કોઈ પણ ભારતીય વડાપ્રધાનની આ પહેલી ગ્રીસ મુલાકાત છે. વડાપ્રધાન મોદી અહીં એક દિવસ રોકાશે અને ત્યારબાદ સ્વદેશ આવવા માટે રવાના થશે. આ પહેલાં તેઓ દક્ષિણ આફ્રિકામાં હતા, જ્યાં BRICS સમિટમાં સામેલ થયા હતા.
એ પણ નોંધવું જોઈએ કે ગ્રીસ પહેલાં અનેક દેશો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પોતાના નાગરિક સન્માન પુરસ્કારથી નવાજી ચૂક્યા છે. જેમાં ફ્રાન્સ, પાપુઆ ન્યૂ ગિની, ઇજિપ્ત, ફીજી, યુએઈ, સાઉદી અરબ વગેરે સામેલ છે.