હોમપેજદેશ11 વર્ષ, 4078 દિવસ, ત્રણ ટર્મ…: સળંગ સૌથી લાંબો સમય પદ પર...

11 વર્ષ, 4078 દિવસ, ત્રણ ટર્મ…: સળંગ સૌથી લાંબો સમય પદ પર રહેનાર બીજા વડાપ્રધાન બન્યા નરેન્દ્ર મોદી, તોડ્યો ઈન્દિરા ગાંધીનો રેકોર્ડ

2014ની લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ (BJP) ઐતિહાસિક જીત મેળવ્યા બાદ પીએમ મોદીએ 26 મે, 2014ના રોજ ભારતના વડાપ્રધાન તરીકે પ્રથમ વખત શપથગ્રહણ કર્યા હતા.

- Advertisement -

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) દેશના રાજકીય ઇતિહાસમાં એક નવું ઐતિહાસિક સીમાચિહ્ન હાંસલ કર્યું છે. તેમણે એક જ ટર્મમાં સૌથી લાંબા સમય સુધી સેવા આપનાર વડાપ્રધાનની યાદીમાં બીજું સ્થાન મેળવી લીધું છે. અત્યાર સુધી આ રેકોર્ડ ઈન્દિરા ગાંધીના નામે હતો. તેઓ 1966થી 1977 સુધી સતત 4077 દિવસ વડાંપ્રધાન રહ્યાં હતાં. 25 જુલાઈ, 2025ના રોજ પીએમ મોદીએ વડાપ્રધાન તરીકે 4078 દિવસ પૂર્ણ કર્યા.

2014ની લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ (BJP) ઐતિહાસિક જીત મેળવ્યા બાદ પીએમ મોદીએ 26 મે, 2014ના રોજ ભારતના વડાપ્રધાન તરીકે પ્રથમ વખત શપથ ગ્રહણ કર્યા હતા. તેમના નેતૃત્વમાં ભાજપે 2019 અને 2024ની લોકસભા ચૂંટણીઓમાં પણ નોંધપાત્ર સફળતા મેળવી, જેના પરિણામે મોદીએ 2024માં સતત ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લીધા. આ સતત ત્રણ ટર્મનો કાર્યકાળ તેમને ભારતના ઇતિહાસમાં અનન્ય સ્થાન આપે છે, કારણ કે તેઓ પ્રથમ બિન-કોંગ્રેસી નેતા છે જેમણે આટલા લાંબા સમય સુધી દેશનું નેતૃત્વ કર્યું હોય.

ઈન્દિરા ગાંધીનો રેકોર્ડ

ઈન્દિરા ગાંધી, જેઓ ભારતનાં પ્રથમ મહિલા વડાંપ્રધાન હતાં, તેમણે 1966થી 1977 વડાપ્રધાન પદે સેવા આપી હતી. 1977માં ઇમરજન્સી બાદ યોજાયેલી ચૂંટણીમાં તેમનો પરાજય થયો. જોકે 1980માં ફરી તેઓ ચૂંટણી જીતીને સત્તા પર પરત આવ્યાં હતાં, જે પદ પર 1984માં તેમની હત્યા સુધી રહ્યાં. કુલ દિવસો જોઈએ તો ઈન્દિરા ગાંધીએ લાંબો સમય શાસન કર્યું હતું, પરંતુ એકસાથે લાંબો સમય શાસન કરવામાં પીએમ મોદીએ ઈન્દિરાનો રેકોર્ડ તોડી દીધો છે. હવે માત્ર જવાહરલાલ નેહરુ આગળ છે.

- Advertisement -

PM મોદીના નામે રેકોર્ડ

  1. ભારતની સ્વતંત્રતા પછી જન્મેલા પ્રથમ અને એકમાત્ર વડાપ્રધાન.
  2. સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા બિન-કોંગ્રેસી વડાપ્રધાન.
  3. બિન-હિન્દીભાષી રાજ્યના સૌથી લાંબા સમય સુધી સેવા આપતા વડાપ્રધાન.
  4. બધા પ્રધાનમંત્રીઓમાં ચૂંટાયેલી સરકારના (રાજ્ય + કેન્દ્ર) સૌથી લાંબા સમય સુધી સેવા આપનાર પ્રમુખ.
  5. બે પૂર્ણ કાર્યકાળ પૂર્ણ કરનારા પ્રથમ અને એકમાત્ર બિન-કોંગ્રેસી વડાપ્રધાન.
  6. બે વાર ફરીથી ચૂંટાયેલા પ્રથમ અને એકમાત્ર બિન-કોંગ્રેસી વડાપ્રધાન.
  7. પોતાના દમ પર લોકસભામાં બહુમતી મેળવનારા પ્રથમ અને એકમાત્ર બિન-કોંગ્રેસી નેતા.
  8. ઇન્દિરા ગાંધી (1971) પછી પ્રથમ વર્તમાન વડાપ્રધાન જે બહુમતી સાથે ફરીથી ચૂંટાયા.
  9. નેહરુ સિવાય સતત ત્રણ રાષ્ટ્રીય ચૂંટણીઓ જીતનારા એકમાત્ર વડાપ્રધાન.
  10. ભારતના એકમાત્ર નેતા જેમણે પક્ષના નેતા તરીકે સતત છ ચૂંટણીઓ જીતી:2002 ગુજરાત, 2007 ગુજરાત, 2012 ગુજરાત, 2014 લોકસભા, 2019 લોકસભા, 2024 લોકસભા

હાલમાં ભારતના પ્રથમ અને સૌથી લાંબા સમય સુધી સેવા આપનાર વડાપ્રધાનનું સ્થાન જવાહરલાલ નહેરુ પાસે છે, જેઓ 15 ઑગસ્ટ, 1947થી 27 મે, 1964 સુધી એટલે કે કુલ 6126 દિવસ સતત આ પદ પર રહ્યા હતા. આ રેકોર્ડની બરાબરી કરવા માટે PM મોદીને હજુ પણ 2048 દિવસના કાર્યકાળની જરૂર છે.

ઉલ્લેખનીય છે PM મોદીના કાર્યકાળ દરમિયાન ભારતે અનેક ક્ષેત્રોમાં નોંધપાત્ર પ્રગતિ કરી છે. તેમના નેતૃત્વમાં ઘણી મહત્વની યોજનાઓ અને નીતિઓ અમલમાં આવી, જેમાં ડિજિટલ ઇન્ડિયા, મેક ઇન ઇન્ડિયા, આયુષ્માન ભારત, ચંદ્રયાન અને અગ્નિ જેવાં મિશનોનો સમાવેશ થાય છે. અનેક મોટા અને ઐતિહાસિક નિર્ણયો લેવાયા, જેનાથી ભારતનાં વર્તમાન અને ભવિષ્ય બંને બદલાયાં. આ ઉપરાંત, મોદીની વિદેશ નીતિએ ભારતને આંતરરાષ્ટ્રીય મંચ પર એક મજબૂત સ્થાન અપાવ્યું છે. તેમના નેતૃત્વમાં ભારતે G20, BRICS અને અન્ય આંતરરાષ્ટ્રીય સંગઠનોમાં મહત્વની ભૂમિકા ભજવી.

PM મોદીનો કાર્યકાળ હજુ 2029 સુધી ચાલશે. આ દરમિયાન તેઓ દેશના વિકાસ અને આંતરરાષ્ટ્રીય સ્થિતિને વધુ મજબૂત કરવા માટે નવી નીતિઓ અને યોજનાઓ પર ધ્યાન કેન્દ્રિત કરશે. રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે મોદીનું નેતૃત્વ ભારતને આગામી દાયકામાં વૈશ્વિક શક્તિ તરીકે સ્થાપિત કરવામાં મહત્વનું યોગદાન આપશે. આ સિદ્ધિ PM મોદીની રાજકીય દૃષ્ટિ, નેતૃત્વ અને દેશ પ્રત્યેના સમર્પણનો પુરાવો છે. ભારતના ઇતિહાસમાં આ એક એવો સમયગાળો છે જે લાંબા સમય સુધી યાદ રહેશે.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં