હાલ પાકિસ્તાન ચર્ચામાં છે. એક તરફ દેશમાં લોટની અછત છે અને લોકો કામધંધા મૂકીને લોટ લેવા લાઈનમાં લાગે છે તો બીજી તરફ ગિલગિટ અને બાલ્ટીસ્તાનમાં વિરોધ પ્રદર્શનો ચાલી રહ્યાં છે. છેલ્લા ઘણા દિવસોથી પ્રદર્શનો ચાલી રહ્યાં છે ત્યાં હવે ગિલગિટ અને બાલ્ટીસ્તાનમાં નવી માંગને લઈને પ્રદર્શનો થઇ રહ્યાં છે.
મોંઘવારી, બેરોજગારી અને ઉપરથી પાકિસ્તાની સેનાના ત્રાસથી કંટાળેલા ગિલગિટ-બાલ્ટીસ્તાનના લોકોએ હવે ભારતમાં સામેલ થવાની માંગ કરી છે. તેમની માંગ છે કે કારગિલ રોડને ફરી ખોલવામાં આવે અને લદાખમાં જે બાલ્ટીસ્તાનના લોકો રહે છે તેમની સાથે તેમને રહેવાની મંજૂરી આપવામાં આવે.
Ppl in #GilgitBaltistan chant slogans for REUNIFICATION with #Ladakh & demand opening of #Kargil – #Skardu road. Ppl always resisted #Pakistani moves to make #POJK a province of #Pakistan, but #India has always accommodated Pakistan on #JammuAndKashmir ignoring public sentiments. pic.twitter.com/a5x66Qf1nx
— Prof. Sajjad Raja (@NEP_JKGBL) January 7, 2023
આ વિરોધ પ્રદર્શનના કેટલાક વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે. જેમાં હજારો લોકો રસ્તા ઉપર ઉતરીને પ્રદર્શન કરી રહ્યા છે. એક વિડીયોમાં લોકો ભારતમાં સામેલ થવા માટેની માંગ સાથે સૂત્રોચ્ચાર કરતા પણ જોવા મળે છે. વિડીયોમાં લોકો નારા લગાવે છે કે- ‘આરપાર જોડ દો, કારગિલ રોડ ખોલ દો.’
પ્રદર્શન કરતા ગિલગિટ-બાલ્ટીસ્તાનના લોકોની માંગ છે કે કારગિલના માર્ગને ફરી ખોલી નાંખવામાં આવે અને ભારતના કેન્દ્ર શાસિત પ્રદેશ લદાખના કારગિલ જિલ્લામાં બાલ્ટીસ્તાનને ફરી સામેલ કરી દેવામાં આવે. ઉલ્લેખનીય છે કે ગિલગિટ અને બાલ્ટીસ્તાન પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK)માં સ્થિત છે. આ ભારતનો જ ભાગ છે જે પાકિસ્તાને ગેરકાયદેસર રીતે પચાવી પાડ્યો હતો. જોકે, પચાવી પાડીને બાકીના દેશની જેમ પાકિસ્તાની સરકાર આ વિસ્તારને પણ સાચવી શકી નથી.
ગિલગિટ-બાલ્ટીસ્તાનમાં ઘણા સમયથી વિરોધ પ્રદર્શનો થઇ રહ્યાં છે. અહીં વીજળીની સમસ્યા, ઘઉંની અછત ઉપરાંત વધારવામાં આવેલા ટેક્સ અને પાકિસ્તાની સેનાની દમનકારી નીતિઓ સામે પુરજોર વિરોધ થઇ રહ્યો છે. વર્ષ 2023ની શરૂઆત સાથે આ પ્રદર્શનોની સંખ્યા અને તીવ્રતામાં પણ વધારો જોવા મળ્યો હતો.
POKમાં પાકિસ્તાની સરકાર પર ત્યાંના ‘ખાલસા સરકાર’ કાયદાનો દુરુપયોગ કરવાનો આરોપ લાગ્યો છે. આ કાયદો ગિલગિટ-બાલ્ટીસ્તાનમાં કોઈ પણ પડતર અને બિનખેતીની જમીન સરકાર હસ્તક લઇ લેવાનો અધિકાર આપે છે. પછી ભલે આ જમીન કોઈ સમૂહની માલિકીની પણ કેમ ન હોય.
અહીંના લોકોનો આરોપ છે કે આ કાયદાનો કરીને પાકિસ્તાની સેનાએ તેમની જમીનો પચાવી પાડી છે અને પહેલેથી જ ગરીબીનો સામનો કરતા પ્રદેશને વધુ મુશ્કેલીમાં નાંખ્યો છે.