અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. જાન્યુઆરી 2024 સુધીમાં બાંધકામ પૂર્ણ થવાની સંભાવના છે. મંદિર નિર્માણ માટે દેશભરના લોકોએ યથાશક્તિ દાન આપ્યું હતું. ભગવાન રામના ભવ્ય મંદિરના નિર્માણ માટે રૂપિયા ઉપરાંત સોના-ચાંદી પણ દાન તરીકે આપવામાં આવી રહ્યા છે. જાણકારી અનુસાર ગર્ભગૃહના દરવાજા અને બારીઓની સાથે રામ મંદિરનો સિંહ દ્વાર પણ ચાંદીનો બનાવવામાં આવશે. આ માટે કાશી મઠની હરિદ્વાર પીઠ વતી 167 કિલો ચાંદી અર્પણ કરવામાં આવી હતી.
સોમવારે (09 જાન્યુઆરી, 2023) હરિદ્વાર કાશી મઠના ઉત્તરાધિકારી સ્વામી સંયમેન્દ્ર તીર્થ મહારાજે રામલલ્લાના દર્શન કર્યા હતા. આ દરમિયાન તેમણે રામ મંદિર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય સાથે મુલાકાત કરી અને મંદિરનું નિર્માણ કાર્ય પણ જોયું. સ્વામી સંયમેન્દ્ર તીર્થ મહારાજે ભગવાન રામના ભવ્ય મંદિરના નિર્માણ માટે 48 ગ્રામ સોનાની માળા અને 167 કિલો ચાંદી ભગવાન રામના બાળ સ્વરૂપને સમર્પિત કરી હતી. આ ચાંદીનો ઉપયોગ રામલલ્લાના ગર્ભગૃહ અને સિંહ દ્વાર બનાવવા માટે કરવામાં આવશે.
અહેવાલો અનુસાર મંદિરના ગર્ભગૃહથી લઈને શિખર સુધી સોનાની સજાવટ કરવામાં આવશે. મંદિરમાં રામ લલ્લાની સ્થાયી પ્રતિમા સ્થાપિત કરવા માટે 108 સોનાના સિક્કાનો હાર પહેરવાની તૈયારી પણ ચાલી રહી છે. આ માટે હરિદ્વાર મઠ કાશી પીઠાધીશ્વરે રામ મંદિર ટ્રસ્ટને કાયમી પ્રતિમાને માપવા વિનંતી કરી છે. ઉલ્લેખનીય છે કે રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રને અત્યાર સુધી દેશભરમાંથી રામ ભક્તોએ 500 કિલોથી વધુ ચાંદી દાન કરી છે. અને હજુ પણ દાન મળવાનું ચાલુ જ છે. એક રિપોર્ટ મુજબ મહારાષ્ટ્રના એક બિઝનેસમેને રામલલ્લાની ગાદી સોનેથી મઢવાની મંજૂરી માંગી છે.
મળતી જાણકારી અનુસાર રામ મંદિર નિર્માણ શરૂ થયા બાદ કહેવામાં આવ્યું હતું કે બિહારના પટના મહાવીર મંદિર ટ્રસ્ટ મંદિર નિર્માણ માટે 10 કરોડ રૂપિયાનું દાન કરશે. જે માટે દર વર્ષે રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રને 2 કરોડ રૂપિયા સોંપવામાં આવી રહ્યા છે. અત્યાર સુધીમાં મહાવીર મંદિર ટ્રસ્ટ દ્વારા 6 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે. લોકપ્રિય કથાકાર મોરારી બાપુએ મંદિરના નિર્માણ માટે 18.60 કરોડ રૂપિયા એકઠા કર્યા હતા.
વાસ્તવમાં મોરારી બાપુએ રામ મંદિર નિર્માણ માટે દુનિયાભરના રામભક્તોને અપીલ કરી હતી. તેમણે તેના માટે ૫ કરોડ રૂપિયા એકત્ર કરવાની હાકલ કરી હતી, પરંતુ તેમના સમર્થકો અને પ્રશંસકોએ 18.61 કરોડ રૂપિયા એકઠા કર્યા હતા. અહી તે નોંધવું જરૂરી છે કે મંદિરના નિર્માણમાં હવે 1 વર્ષથી પણ ઓછો સમય બાકી છે. હાલમાં જ ગૃહમંત્રી અમિત શાહે અયોધ્યામાં રામ મંદિર નિર્માણની તારીખની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે ભગવાન રામનું ભવ્ય મંદિર 1 જાન્યુઆરી 2024 સુધીમાં તૈયાર થઈ જશે.