વિમાની મુસાફરીમાં પડતી હાલાકીથી અવારનવાર એરપોર્ટ અધિકારીઓ અને મુસાફરો વચ્ચે બોલાચાલીની ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે આ વખતે સમાચાર મળી રહ્યા છે કે, ગાઢ ધુમ્મસના કારણે એક વિમાનને ઉડવામાં મોડું થતાં મુસાફરી કરી રહેલા એક મુસાફરે પાયલટ સાથે ઝપાઝપી કરી હતી. જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.
મળતી માહિતી પ્રમાણે, ફ્લાઈટ નંબર 6E2175 દિલ્હીથી ગોવા જવા માટે એરપોર્ટ પર તૈયાર હતી. જેનો ગોવા નીકળવા માટેનો સમય સવારના 7.40નો હતો. પરંતુ દિલ્હીના વાતારણમાં ધુમ્મસનું પ્રમાણ વધારે હોવાથી સુરક્ષાની દ્રષ્ટિએ વિમાન ઉડાવી શકાય તેવી સ્થિત ન હતી. જે પછી અંદાજે 1 વાગ્યાની આસપાસ જ્યારે વિમાનનો પાયલટ, ફ્લાઈટ મોડા થવાની જાણકારી આપતો હોય છે, ત્યારે અચાનક પીળા રંગની હુડીમાં એક મુસાફર પાયલટ તરફ ધસી આવે છે, અને સૂચના આપતા પાયલટ સાથે ઝપાઝપી કરતા એક લાફો ઝીંકી દે છે. જેના બચાવમાં બાજુમાં ઉભેલી એરહોસ્ટેસ પણ વચ્ચે પડે છે.
વિડીયોમાં જોવા મળે છે કે, હુમલો કરનાર મુસાફર પાયલટને જોરજોરથી કહે છે કે, “જો વિમાન ઉડાવવું હોય તો ઉડાવો, ના ઉડાવવું હોય તો આ દરવાજો ખોલી નાખો.” જે પછી તેની સાથેના સહયાત્રીઓ મુસાફરને તેની જગ્યાએ પાછો લઇ જાય છે. ઉલ્લેખનીય છે કે, ગાઢ ધુમ્મસના કારણે રવિવાર (14 જાન્યુઆરી 2024)ના રોજ ઉત્તર ભારતમાં કલાકો સુધી વિમાનોને એરપોર્ટ ગ્રાઉન્ડ પર સ્થિર રહેવું પડ્યું હતું. જેનાથી વિમાન મુસાફરી કરતા લોકોને ખુબ હાલાકી પડી હતી. દિલ્હીથી ગોવાની ફ્લાઈટ અંદાજે 13 કલાક જેટલી મોડી થઇ હતી.
આ સમગ્ર ઘટનાનો વિડીયો એ જ વિમાનમાં હાજર અન્ય એક મુસાફરે ઉતારી લીધો હતો, જે પછીથી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો હતો. માહિતી પ્રમાણે ઘટના બાદ કાયદેસરની તપાસ શરૂ થઇ ગઈ છે. ઇન્ડિગો એરલાઇન્સે હુમલો કરનાર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી, જે પછી દિલ્હી પોલીસે જણાવ્યું કે, હુમલો કરનાર આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. પાયલટ પર હુમલો કરનાર વ્યક્તિનું નામ સાહિલ કટારીયા છે. એરલાઇન્સ તેને નો ફ્લાય લિસ્ટમાં પણ મૂકવા વિચારી રહી હોવાનું અહેવાલો જણાવી રહ્યા છે.
A passenger punched an Indigo capt in the aircraft as he was making delay announcement. The guy ran up from the last row and punched the new Capt who replaced the previous crew who crossed FDTL. Unbelievable ! @DGCAIndia @MoCA_GoI pic.twitter.com/SkdlpWbaDd
— Capt_Ck (@Capt_Ck) January 14, 2024
દિલ્હી પોલીસે જણાવ્યું કે, ફ્લાઈટ નંબર 6E2175ના કો-પાયલટ અનુપ કુમાર દ્વારા અનુપ કટારીયા નામના મુસાફર વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી છે. જેણે દિલ્હીથી ગોવા જનાર વિમાનમાં તેમની સાથે મારામારી અને અભદ્ર વ્યવહાર કર્યો હતો.” પોલીસે ફરિયાદના આધારે આઈપીસીની કલમ 323, 341 અને 290 હેઠળ ગુનો નોંધી આરોપી વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી છે. આ મામલે એરલાઈને પણ તપાસ શરૂ કરી છે. નોંધનીય છે કે સમિતિ મુસાફરને ગેરલાયક ઠેરવતાં 30 દિવસો સુધી વિમાન મુસાફરી કરવા પર પ્રતિબંધ લગાવી શકે છે.