પાડોશી દેશ પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ જનરલ પરવેઝ મુશર્રફનું (Parvez Musharraf) 79 વર્ષની વયે મૃત્યુ થયું છે. તેમને દુબઇની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને ઘણા સમયથી સારવાર ચાલી રહી હતી. તેમના પરિવારે મૃત્યુની પુષ્ટિ કરી છે.
પરવેઝ મુશરર્ફે 1999થી 2008 સુધી પાકિસ્તાન પર શાસન કર્યું હતું. તેમનું મૂળ વતન ભારતનું દિલ્હી હતું. તેમનો જન્મ 1943માં દિલ્હીના દરિયાગંજમાં થયો હતો. 1947માં ભારતના વિભાજન બાદ તેમનો પરિવાર કરાંચી જઈને વસ્યો હતો. જોકે, વર્ષ 2016થી તેઓ દુબઇમાં જ રહેતા હતા.
1997ની ચૂંટણીમાં નવાઝ શરીફની જીત બાદ તેમણે પરવેઝ મુશર્રફને પાકિસ્તાની સેનાના પ્રમુખ બનાવ્યા હતા. ઓક્ટોબર 1999 માં મુશર્રફે સૈન્ય બળવો કરીને નવાઝ શરીફને સત્તા પરથી હટાવી દીધા હતા અને પોતાને રાષ્ટ્રપતિ ઘોષિત કરી દીધા હતા.
ભારત-પાકિસ્તાન વચ્ચે આગ્રા સંમેલન થયું ત્યારે પરવેઝ મુશર્રફ જ પાકિસ્તાનના રાષ્ટ્રપતિ હતા. 15-16 જુલાઈ 2001 ના રોજ આગ્રામાં શિખર સંમેલન આયોજિત થયું હતું, જેનો એજન્ડા બંને દેશો વચ્ચેના વિવાદોનો ઉકેલ લાવવાનો હતો. જોકે, આ સંમેલન નિષ્ફ્ળ ગયું હતું.
કારગિલનું ષડ્યંત્ર રચ્યું હતું
કારગિલના યુદ્ધનું ષડ્યંત્ર પરવેઝ મુશર્રફે જ રચ્યું હતું. જે માટે તેમણે એક ‘ગેંગ ઓફ ફોર’ નામની ટીમ પણ બનાવી હતી, જેનું કામ ષડ્યંત્ર હેઠળ ભારત પર હુમલો કરવાનું હતું. આ કાવતરા માટે તેમણે જ બ્લુ પ્રિન્ટ પણ તૈયાર કરી હતી. પરવેઝ મુશર્રફે બનાવેલી ‘ગેંગ ઓફ ફોર’માં તેમના ચાર જનરલો સામેલ હતા.
મુશર્રફની ચાલ કારગિલ વિસ્તાર પડાવી લેવાની હતી અને તેઓ ઇચ્છતા હતા કે યુદ્ધ લાંબો સમય ચાલે. જેથી આંતરરાષ્ટ્રીય દબાણના કારણે ભારતે યુદ્ધવિરામ કરવું પડે અને તેનો લાભ પાકિસ્તાનને થાય. આ ઉપરાંત, તેમણે યુદ્ધ દરમિયાન ‘રૉ’ને ગેરમાર્ગે દોરવા માટે પણ સાજીશો રચી હતી. પરંતુ મુશર્રફની આ નાપાક યોજનાઓ ક્યારેય સફળ ન થઇ શકી અને ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપીને પાકિસ્તાન સેનાના સેંકડો જવાનોને મોતને ઘાટ ઉતારી દીધા હતા અને તમામને કારગિલમાંથી ખદેડી દીધા હતા.
કોર્ટે સંભળાવી છે ફાંસીની સજા, કહ્યું હતું- પહેલાં મૃત્યુ પામે તો લાશ ત્રણ દિવસ સુધી જાહેરમાં લટકાવી રાખવામાં આવે
પાકિસ્તાનની કોર્ટે પરવેઝ મુશર્રફને ફાંસીની સજા સંભળાવી છે. પેશાવર હાઇકોર્ટના ચીફ જસ્ટિસ અહમદ શેઠની અધ્યક્ષતાવાળી વિશેષ કોર્ટે તેમને સજા આપી હતી. 3 ડિસેમ્બર 2007 ના રોજ દેશમાં ઇમરજન્સી લાગુ કરવા અને ડિસેમ્બર 2007 સુધી બંધારણ નિલંબિત રાખવા મામલે પરવેઝ મુશર્રફ વિરુદ્ધ 2013 માં કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આ મામલે 31 માર્ચ, 2014 ના રોજ તેમને દોષી ઠેરવવામાં આવ્યા હતા.
19 ડિસેમ્બર 2019ના રોજ કોર્ટે 167 પાનાંના પોતાના આદેશમાં મુશર્રફને ફાંસીની સજા સંભળાવતા કહ્યું હતું કે, “કોર્ટ એજન્સીઓને નિર્દેશ કરે છે કે ભાગેડુ/ગનેગારની ધરપકડ માટે પૂરેપૂરી શક્તિઓ લગાડવામાં આવે અને કાયદા અનુસાર સજા કરવામાં આવે. અને જો ફાંસી આપવા પહેલાં જ તેમનું મોત થઇ જાય તો તેમની લાશને ઇસ્લામાબાદના ડી ચોક ખાતે ત્રણ દિવસ સુધી લટકાવી રાખવામાં આવે.
સ્પેશિયલ કોર્ટના આ નિર્ણય સામે મુશર્રફે હાઇકોર્ટમાં અરજી કરી હતી. જે મામલે સુનાવણી કરતા લાહોર હાઇકોર્ટે સ્પેશિયલ કોર્ટના નિર્ણયને રદ કર્યો હતો અને કોર્ટ ટ્રાયલને ગેરબંધારણીય ગણાવી હતી. આજે 79 વર્ષની વયે પરવેઝ મુશર્રફનું મૃત્યુ થયું છે.