પાકિસ્તાનમાં ફરી એક વખત બ્લાસ્ટ થયો છે. સોમવારે (10 એપ્રિલ, 2023) ક્વેટાના કંધારી બજારમાં રમઝાન મહિનામાં ઈદની ખરીદી કરવા ઉમટેલી ભીડ વચ્ચે ભીષણ વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટ એટલો તીવ્ર હતો કે ઘણે દૂર સુધી તેનો ધડાકો સાંભળવા મળ્યો હતો. આ વિસ્ફોટમાં 4 લોકોનાં મોત નીપજ્યાં, જ્યારે અનેક લોકોને ઇજા પહોંચી હોવાનું સ્થાનિક મીડિયા અહેવાલો જણાવી રહ્યા છે.
મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે ક્વેટાના કંધારી બજારમાં આ વિસ્ફોટ પોલીસની વાનને નિશાનો બનાવીને કરવામાં આવ્યો હતો. પોલીસ તપાસમાં 4 લોકોના મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે, જયારે 11થી વધુ લોકો આ વિસ્ફોટમાં ગંભીર રીતે ઘાયલ થઈ ગયા હતા. વિસ્ફોટ બાદ સામે આવેલા વિડીયોમાં નજરે પડી રહ્યું છે કે વિસ્ફોટ બાદ અનેક વાહનોને નુકસાન પહોંચ્યું છે અને તેનો કાટમાળ રસ્તા પર વેરવિખેર હાલતમાં પડ્યો છે. જ્યારે લોકોમાં પણ વિસ્ફોટના પગલે નાસભાગ મચી ગયેલી નજરે પડે છે.
#Pakistan Deadly blast in Quetta’s Kandhari bazar killed four, 11 injured, A blast targeted a police vehicle in Quetta’s Kandahari Bazar. Initial police information suggests several people have been injured in the attack. pic.twitter.com/npRa9VOXdM
— Ghulam Abbas Shah (@ghulamabbasshah) April 10, 2023
વિસ્ફોટ બાદ પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી છે. બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ અને સુરક્ષા દળો ઘટનાસ્થળે પહોંચી ગયા છે. હાલ ઘટના સ્થળને ઘેરીને સીલ કરી દેવામાં આવ્યું છે.
આ પહેલા સિબીથી ક્વેટા જઈ રહેલી પોલીસકર્મીઓને લઈને જતી વેનમાં થયો હતો વિસ્ફોટ
ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલાં જ પાકિસ્તાનમાં આવેલા બલોચિસ્તાન વિસ્તારના સિબીથી ક્વેટા જઈ રહેલી પોલીસકર્મીઓને લઈને જતી વેન બોવેન વિસ્તારમાં એક પુલ પર પહોંચી કે તરત જ વાનમાં અચાનક જોરદાર વિસ્ફોટ સાથે ભીષણ હુમલો થયો. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે પોલીસ વાન ઉડી ગઈ હતી.
આ હુમલામાં 9થી વધુ પોલીસકર્મીઓના મોતની પુષ્ટિ થઈ હતી, જ્યારે 15 ગંભીર રીતે ઘાયલ થયા હતા. રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે કેટલાક પોલીસકર્મીઓની હાલત અત્યંત ગંભીર હતી. આ હુમલાના સમાચાર મળતા જ પોલીસ અને સેનાના મોટા અધિકારીઓ કાફલા અને એન્ટી બૉમ્બ સ્ક્વોડ સાથે ઘટનાસ્થળે પહોચી ગયા હતા. આ આત્મઘાતી હુમલો હોવાનું જાણવા મળ્યું હતું.
તે પહેલાં 30 જાન્યુઆરીએ પણ પાકિસ્તાનની એક મસ્જિદમાં આત્મઘાતી બોમ્બ વિસ્ફોટમાં 100થી વધુ પોલીસકર્મીઓ માર્યા ગયા હતા. હુમલાખોર પોલીસ યુનિફોર્મમાં મસ્જિદમાં ઘૂસ્યો હતો.