પાકિસ્તાની ઇન્ફ્લુએન્સર શાયન અલી પોતાનો દેશ છોડવા મજબૂર થયો છે. તેણે એવું જણાવ્યું છે કે જો તે ભારતમાં હોત તો તેના માટે ચિત્ર કંઈક જુદું જ હોત. વાસ્તવમાં મોહમ્મદ શાયન અલીએ પાકિસ્તાનની કુખ્યાત ખુફિયા એજન્સી ISIના ઈશારે નાચવાનો ઇનકાર કર્યો હતો એટલે તેને પોતાની હત્યાનો ડર સતાવી રહ્યો હતો. શાયન અલીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકીને પોતાનું દર્દ વ્યક્ત કર્યું હતું.
પાકિસ્તાની ઇન્ફ્લુએન્સર શાયન અલી સોશિયલ મીડિયા પર સમયાંતરે પાકિસ્તાનની નિંદા કરતો રહે છે. જોકે, તાજેતરમાં તેણે ટ્વિટર પર મૂકેલી પોસ્ટ ખૂબ ચર્ચાસ્પદ બની છે. શાયને લખ્યું કે, “દુનિયામાં ‘પાકિસ્તાન’ જેવી કોઈ વસ્તુ નથી. પાકિસ્તાનની સ્થાપના મજહબના આધારે કરવામાં આવી છે, એટલા માટે નહીં કે દુનિયાને એની જરૂર હતી. મારા દાદા-દાદીએ ભારતના બદલે પાકિસ્તાનને માત્ર એટલા માટે પસંદ કર્યું કારણકે તેઓ મુસ્લિમ હતા. પાકિસ્તાન જવું મારા દાદા-દાદીની સૌથી મોટી ભૂલ હતી.”
There is no such thing as “Pakistan” 🇵🇰
— Shayan Ali (@ShayaanAlii) May 17, 2023
Pakistan was created in the name of religion not because it was needed.
My grandparents chose Pakistan instead of India 🇮🇳 only because they were Muslims, and migrating to Pakistan was the biggest mistake of my grandparents.
If I was in… pic.twitter.com/RAfYDb5ZYU
આ પોસ્ટ સાથે શાયન અલીએ તિરંગા સાથે પોતાનો ફોટો શેર કર્યો હતો અને લખ્યું હતું કે, “જો હું પાકિસ્તાનના બદલે ભારતમાં હોત તો મને સુરક્ષા કારણોસર પોતાનો દેશ ન છોડવો પડત. મુસ્લિમ અને હિંદુ ક્યારેય દુશ્મન ન હતા. કેટલાક અસામાજિક લોકો અને બાહ્ય શક્તિઓ આ બંને સમુદાયોને અલગ કરવા માગતી હતી. ‘અખંડ ભારત’ને જોઈને તેઓ ડરી ગયા હતા. કમનસીબે, તેઓ એક સુંદર અને કદાચ સૌથી શક્તિશાળી રાષ્ટ્રને વિભાજિત કરવામાં સફળ રહ્યા.”
શાયને એક દેશ તરીકે પણ પાકિસ્તાનના અસ્તિત્વને નકારી કાઢ્યું છે. શાયન અલીએ કહ્યું કે એક દેશની પોતાની સંસ્કૃતિ હોય છે. પરંતુ, 1947માં વિભાજન બાદ પાકિસ્તાનની આખી સંસ્કૃતિ ફક્ત ભારતીય સંસ્કૃતિની નકલ બની. જે લોકોએ જમીનના ટુકડા કર્યા તે લોકોમાં પોતાની સંસ્કૃતિનું નિર્માણ કરવાની ક્ષમતા ન હતી. તેઓ ફક્ત હિંદુઓ અને મુસ્લિમો વચ્ચે દ્વેષ ફેલાવવા માગતા હતા.
પીએમ મોદીનો ચાહક છે પાકિસ્તાની ઇન્ફ્લુએન્સર શાયન અલી
શાયન અલી વડાપ્રધાન મોદીનો ચાહક છે. તેને હનુમાન ચાલીસા પણ કંઠસ્થ છે. આ પહેલા શાયને ટ્વિટર પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, “જયારે મેં પાકિસ્તાન આર્મીના પીઆર વિંગના કાશ્મીર સંબંધિત એક મ્યુઝિક વિડીયોમાં કામ કરવાનું બંધ કર્યું તો તેમણે મારા સોનેરી વાળના કારણે મારા પર ભારતની એજન્સી રૉનો જાસૂસ અને યહૂદી એજન્ટ હોવાનો આરોપ લગાવ્યો. હું ભાગ્યશાળી રહ્યો કે મેં પાકિસ્તાન છોડી દીધું, તેમ છતાં આઈએસઆઈ સામેનો મારો સંઘર્ષ ક્યારેય સમાપ્ત ન થયો.”
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં પાકિસ્તાની પત્રકાર આરઝૂ કાઝમીએ પણ તેના પૂર્વજોના પાકિસ્તાન જવાના નિર્ણય અંગે અફસોસ વ્યક્ત કર્યો હતો. તેણે ટ્વીટ કરી હતી કે, “મારા દાદા અને તેમનો પરિવાર વધુ સારા ભવિષ્ય માટે પ્રયાગરાજ અને દિલ્હીથી પાકિસ્તાન આવ્યો હતો. પરંતુ, મારા ભાઈઓ અને પરિવારના અન્ય સભ્યોને લાગે છે કે પાકિસ્તાનમાં તેમનું કોઈ ભવિષ્ય નથી.”