ભારતમાં સંસદ કાયદા ઘડે છે. સરકારે રજૂ કરેલ બિલ બહુમતીથી બંને ગૃહમાંથી પસાર થઇ જાય તો તેને રાષ્ટ્રપતિ પાસે મોકલવામાં આવે છે અને રાષ્ટ્રપતિએ હસ્તાક્ષર કર્યા બાદ જ એ કાયદો બને છે. પાડોશી દેશ પાકિસ્તાનમાં પણ વ્યવસ્થા આવી જ છે પરંતુ પરિસ્થિતિ એ છે કે ત્યાંના રાષ્ટ્રપતિનું પણ કોઈ સાંભળતું નથી. તાજેતરના એક કિસ્સા પરથી આ વાત સાબિત થઇ ગઈ છે.
બન્યું હતું એવું કે પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આરિફ અલ્વીએ રવિવારે (20 ઓગસ્ટ, 2023) એક ટ્વિટ કરીને કહ્યું કે, તેમણે બે બિલ પર હસ્તાક્ષર નહતા કર્યા છતાં તેમના કર્મચારીઓએ આદેશ માળિયે ચડાવીને બિલ પાસ કરાવી દીધાં હતાં. તેમણે સાથે કહ્યું કે, ‘અલ્લાહ બધું જોઈ રહ્યા છે.’
As God is my witness, I did not sign Official Secrets Amendment Bill 2023 & Pakistan Army Amendment Bill 2023 as I disagreed with these laws. I asked my staff to return the bills unsigned within stipulated time to make them ineffective. I confirmed from them many times that…
— Dr. Arif Alvi (@ArifAlvi) August 20, 2023
પાકિસ્તાનના રાષ્ટ્રપતિએ ટ્વિટમાં લખ્યું કે, “મેં ઓફિશિયલ સિક્રેટ્સ એમેન્ડમેન્ટ બિલ 2023 અને પાકિસ્તાન આર્મી એમેન્ડમેન્ટ બિલ 2023 પર હસ્તાક્ષર નહતા કર્યા, કારણ કે હું આ કાયદાઓના અમલીકરણ સાથે સહમત ન હતો. મેં મારા સ્ટાફને નિયત સમયમર્યાદામાં બિલ પરત કરવા માટે કહ્યું હતું અને અનેક વખત એ બાબતની ખાતરી કરી હતી કે બિલ પરત કરવામાં આવ્યાં છે કે કેમ. જેનો જવાબ આપતાં તેમણે જણાવ્યું હતું કે, બિલ પરત થઇ ગયાં છે. પરંતુ આજે મને જાણવા મળ્યું કે મારા સ્ટાફે મારા આદેશને ગણકાર્યો જ નથી. અલ્લાહ બધું જાણે છે, તેઓ ઇન્શાલ્લાહ માફ કરી દેશે. પરંતુ હું એ લોકોની માફી માગું છું, જેમને આ કાયદો લાગુ કરવાથી અસર પડશે.”
સ્થાનિક મીડિયાના રિપોર્ટ્સ અનુસાર, ગત 31 જુલાઈના રોજ પાકિસ્તાનની સંસદે પાકિસ્તાન આર્મી (એમેન્ડમેન્ટ) બિલ, 2023 પસાર કર્યું હતું. આ ખરડામાં એવી જોગવાઈ કરવામાં આવી છે કે રાષ્ટ્રીય સુરક્ષાને કે સેનાને લગતી સંવેદનશીલ માહિતી સાર્વજનિક કરનારને પાંચ વર્ષની સજા ફટકારવામાં આવે. ત્યારબાદ 7 ઓગસ્ટના રોજ સંસદ ભંગ થયા બાદ ઓફિશિયલ સિક્રેટ્સ એક્ટ લાવવામાં આવ્યો. બંને બિલ પસાર થયા બાદ તેને સ્ટેન્ડિંગ કમિટી પાસે મોકલવામાં આવ્યાં હતાં.
બે ગૃહમાંથી મંજૂરી મળ્યા બાદ બિલને રાષ્ટ્રપતિની મંજૂરી માટે મોકલાયાં હતાં. જોકે, રાષ્ટ્રપતિ પર તેમની જ પાર્ટીનું દબાણ હતું કે તેઓ હસ્તાક્ષર નહીં કરે. ત્યારબાદ તેમણે હસ્તાક્ષર ન કરવાનો નિર્ણય લઈને સ્ટાફને બિલ પરત કરવા કહ્યું હતું, પરંતુ તેમના અધિકારીઓએ નવો જ ખેલ કરી નાખ્યો.