પાકિસ્તાનની એક 18 વર્ષીય મહિલા ક્રિકેટરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સન્યાસ લેવાનો નિર્ણય જાહેર કર્યો છે. આયશા નસીમ નામની આ ક્રિકેટરે આ માટે મઝહબનું કારણ આપ્યું છે.
આયશા નસીમે કહ્યું કે હવે તે ઇસ્લામ મુજબ જીવન જીવવા માંગે છે, જેથી તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સન્યાસ લઇ રહી છે. જે નિર્ણય અંગે તેણે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ને પણ જાણ કરી દીધી હોવાનું મીડિયા અહેવાલોમાં જણાવવામાં આવી રહ્યું છે.
🚨BREAKING NEWS!!🚨
— Female Cricket (@imfemalecricket) July 20, 2023
Pakistan's young cricket star, 18 Year Old Ayesha Naseem quits cricket.
She played 4 ODIs and 30 T20Is for Pakistan. She was one of the best hitters from Pakistan women's team.#CricketTwitter pic.twitter.com/0gHDGgSL7V
18 વર્ષીય આયશાએ પાકિસ્તાન તરફથી ચાર વનડે અને 30 T-20 ઇન્ટરનેશનલ મેચ રમી છે. તે આક્રમક બેટિંગ માટે જાણીતી હોવાનું કહેવાય છે. T20 કરિયરમાં તેણે કુલ 369 રન બનાવ્યા અને આ દરમિયાન સ્ટ્રાઇક રેટ 128.12 રહી હતી. તેણે માર્ચ, 2020માં પાકિસ્તાન તરફથી પોતાની પહેલી આંતરરાષ્ટ્રીય T20 મેચ રમી હતી, જ્યારે અંતિમ મેચ તેણે 15 ફેબ્રુઆરી, 2023ના રોજ રમી હતી. પહેલી વનડે ઇન્ટરનેશનલ જુલાઈ, 2021માં જ્યારે અંતિમ જાન્યુઆરી, 2023માં રમી હતી.
આયશા નસીમે પોતાની અંતિમ મેચ આ વર્ષની શરૂઆતમાં T20 મહિલા વર્લ્ડ કપમાં એયરલેન્ડ વિરુદ્ધ રમી હતી. આ ટૂર્નામેન્ટમાં તેણે ભારતીય મહિલા ક્રિકેટ ટીમ સામે પણ મેચ રમી હતી, જેમાં તેણે 25 બોલમાં 43 રનની ઇનિંગ રમી હતી. જોકે આ મેચમાં પાકિસ્તાનની ટીમ હારી ગઈ હતી. આ સિવાય પણ ઘણી મેચમાં તેણે સારું પ્રદર્શન કર્યું હતું. જોકે, હવે તેણે ઇસ્લામ મુજબ જીવન જીવવાનું કારણ આપીને ક્રિકેટમાંથી સન્યાસ લઇ લીધો છે.
પાકિસ્તાનની ક્રિકેટરે સન્યાસ લીધો હોય તેવી આ પ્રથમ ઘટના નથી પણ અમુક વ્યક્તિઓ આવો નિર્ણય લઈને જાહેરજીવનમાંથી અલગ થઇ ચૂક્યા છે. અભિનેત્રી સના ખાને પણ ઓક્ટોબર, 2020માં કંઈક આવો જ નિર્ણય જાહેર કર્યો હતો. તેણે બૉલીવુડની દુનિયાને અલવિદા કહી દીધું હતું અને ઇસ્લામ અનુસાર જીવન જીવવાની જાહેરાત કરી હતી. આ જ રીતે વર્ષ 2016માં આવેલી દંગલ ફિલ્મથી જાણીતી બનેલી ઝાયરા વસીમે પણ જૂન, 2020માં અલ્લાહના માર્ગે ચાલવાનું કહીને બૉલીવુડમાંથી સન્યાસ લઇ લીધો હતો. આ યાદીમાં ભોજપુરી અભિનેત્રી સહર અફશાનો પણ સમાવેશ થાય છે, જેણે અલ્લાહના માર્ગે ચાલવા માટે મનોરંજન જગત છોડી દીધું હતું. તેણે એમ પણ કહ્યું હતું કે, તે આજીવન હિજાબ પહેરશે.