બુધવારે (6 એપ્રિલ, 2023) રાષ્ટ્રપતિ ભવનમાં ભારતના 55 વિશિષ્ટ વ્યક્તિઓને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના હસ્તે પદ્મ પુરસ્કાર આપવામાં આવ્યા હતા. જેમાં સુપર 30ના સંસ્થાપક આનંદ કુમાર સહિત બૌદ્ધ ધર્મગુરુ કુશોક થીક્સે નવાંગ, રવિના ટંડન, સુધામૂર્તિ, મુલાયમ સિંહ યાદવ વગેરે સામેલ છે. આ બધામાં સૌથી વધુ ધ્યાન ખેંચ્યું શાહ રશીદ અહમદ કાદરીએ. સમારોહ પૂર્ણ થયા બાદ પીએમ મોદી સાથેની તેમની વાતચીતનો એક ટૂંકો વિડીયો વાયરલ થયો હતો જેમાં તેઓ વડાપ્રધાનને કહેતા સંભળાય છે કે કોંગ્રેસ સરકારમાં તેમને આશા હતી પરંતુ પદ્મ પુરસ્કાર મળ્યો ન હતો અને ભાજપ સરકારમાં આશા ન હતી છતાં સામેથી પુરસ્કાર આપવામાં આવ્યો. હવે તેમણે આ વિશે વધુ વાતો કરી છે.
પદ્મ પુરસ્કાર વિજેતા શાહ રશીદ અહમદ કાદરીએ ABP ન્યૂઝ સાથેની એક વિશેષ વાતચીત દરમિયાન કરી હતી. તેમણે કહ્યું કે, કોંગ્રેસ સરકારમાં પાંચ વર્ષ સુધી તેઓ અરજી કરતા રહ્યા પરંતુ પદ્મ પુરસ્કાર ન મળ્યો અને ભાજપ સરકારે સામેથી તેમને એવોર્ડ આપ્યો. તેમણે ઉમેર્યું કે, પીએમ મોદીએ તેમના વિચાર બદલી નાંખ્યા છે અને તેમનું ઋણ ચૂકવવા તેઓ પોતે જ નહીં પરંતુ તેમનો આખો પરિવાર ભાજપને જ મત આપશે.
“मैं आज तक कांग्रेस का वोटर रहा हूं, लेकिन मोदी जी ने पद्मश्री पुरस्कार के लिए मेरा सिलेक्शन करके मेरे ख्याल को बदल दिया, और आज से मैं और मेरा पूरा परिवार भाजपा के लिए वोट करेंगे, क्योंकि मोदी जी का एहसान चुकाना है”
— BHK1.0🇮🇳 (@BHKspeaks) April 6, 2023
– शाह रशीद अहमद कादरी https://t.co/HIs4ENd8UR pic.twitter.com/vB0jE28m5B
ABP ન્યૂઝનાં રૂબિકા લિયાકત સાથે કરતા પદ્મ પુરસ્કાર વિજેતા શાહ રશીદ અહમદ કાદરીએ કહ્યું હતું કે, “હું આજ દિન સુધી કોંગ્રેસને મત આપતો આવ્યો છું. પરંતુ મોદીજી એ પુરસ્કાર માટે મારી પસંદગી કરીને મારો વિચાર બદલી નાંખ્યો. આજથી હું અને મારો પરિવાર ભાજપને જ મત આપીશું. કારણકે અમારે મોદીજીનું ઋણ ચૂકવવાનું છે.”
તેમના આ નિવેદન બાદ રૂબિકા તેમને તેમ પણ પૂછે છે કે, તમારા આ નિવેદન બાદ અનેક લોકો તેમ કહેશે કે એક પુરસ્કારના બદલામાં તમારી આખી વિચારધારા જ બદલાઈ ગઈ? તેઓને આપ શું જવાબ આપશો? જેના પર શાહ રશીદ અહમદ કાદરીએ જવાબ આપ્યો હતો કે, “વિચારધારા એ આખી અલગ બાબત છે, હું જે બન્યું છે તેની વાત કરી રહ્યો છું. મોદીજીનું ઋણ ઉતારવા મારો આખો પરિવાર તેમને જ મત આપશે.” તેમને એમ પણ પૂછવામાં આવ્યું કે શું તેમણે આ પુરસ્કાર માટે અરજી કરી હતી? જેના જવાબમાં તેમણે કહ્યું કે, ભાજપ સરકાર આવ્યા બાદ તેમણે અરજી કરવાનું જ બંધ કરી દીધું હતું.
તેમણે કહ્યું, “મેં ભાજપ સરકામાં પુરસ્કાર માટે અરજી જ નહતી કરી. મેં અરજી કરવાનું જ બંધ કરી દીધું હતું. આ અચાનક ફોન આવ્યો…અને મારા માટે આ સરપ્રાઈઝ અવોર્ડ છે. મને 25 જાન્યુઆરીના રોજ ફોન આવ્યો હતો. હું ખુબ ભાવુક થઈ ગયો હતો. ખુશીમાં આખો દિવસ આંસુ સારતો રહ્યો હતો. કારણ કે મને પુરસ્કાર મળશે તેવી આશા જ ન હતી. ખુશીના કારણે હું રાતે ઊંઘી પણ નહતો શક્યો અને 2 રાત જાગતો રહ્યો હતો.” ત્યારબાદ તેઓ ભાવુક પણ થયા હતા.
આ પહેલાં બુધવારે પદ્મ પુરસ્કાર મેળવ્યા બાદ ટૂંકી મુલાકાત દરમિયાન તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કહ્યું હતું કે, કોંગ્રેસ સરકારમાં પાંચ વર્ષ સુધી અપીલ કરી, ન થયું. પછી ભાજપ સરકાર આવી અને થયું કે તે તો અમને નહીં આપે. પણ તમે મારો વિચાર ખોટો સાબિત કર્યો તે માટે તમારો ખૂબ ખૂબ આભાર.
આ સિવાય ન્યુઝ એજન્સી ANI સાથે વાત કરતા પણ પદ્મ પુરસ્કાર વિજેતા શાહ રશીદ અહમદ કાદરીએ જણાવ્યું હતું કે હું છેલ્લા 10 વર્ષથી આ પુરષ્કાર માટે અરજી કરી રહ્યો હતો. દર વર્ષે મને 12 હજાર જેટલો ખર્ચો આવતો હતો. મારા પ્રોફાઈલમાં 50 કલર ફોટોઝ છે, જેના માટે ખૂબ ખર્ચ કરવો પડતો હતો. 5 વર્ષ બાદ ભાજપની સરકાર આવી ગઈ. ત્યારબાદ મેં તેમ વિચારીને અરજી કરવાનું જ છોડી દીધું કે ભાજપ સરકાર મુસ્લિમો માટે કશું જ નથી કરતી. પરંતુ મોદીજીએ મારા વિચારોને ખોટા સાબિત કરીને મારી પસંદગી કરી. જેના માટે હું મોદીજી, અમિતજી (ગૃહ મંત્રી અમિત શાહ) અને આ પુરસ્કાર માટે જેમનો પણ ફાળો છે તે તમામનો આભાર વ્યક્ત કરું છું. ઉલ્લેખનીય છે કે શાહ રશીદ અહમદ કાદરી કર્ણાટકની પ્રખ્યાત ‘બીદરી શિલ્પ કળાના કારીગર છે.
#WATCH | I tried for 10 years to get this award. When BJP govt came, I thought I will not get this award because BJP never gives anything to Muslims, but PM Modi proved me wrong by choosing me for this award: Shah Rasheed Ahmed Quadari, who received Padma Shri award today pic.twitter.com/H3XPTV9xYJ
— ANI (@ANI) April 5, 2023
નોંધનીય છે કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ બુધવાર (5 એપ્રિલ 2023)ની સાંજે 3 પદ્મ વિભૂષણ, 5 પદ્મ ભૂષણ અને 47 પદ્મશ્રી પુરસ્કારો પ્રદાન કર્યા. આ પહેલા 22 માર્ચે રાષ્ટ્રપતિ મહામહિમ દ્વારા નાગરિક અલંકરણ સમારોહમાં 54 પદ્મ પુરસ્કાર પ્રદાન કર્યા હતા.