Friday, April 26, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટયુપીમાં વધુ એક એનકાઉન્ટર: અતિક અહમદના સાગરીત વહીદ અહમદને યુપી પોલીસે ગોળી...

    યુપીમાં વધુ એક એનકાઉન્ટર: અતિક અહમદના સાગરીત વહીદ અહમદને યુપી પોલીસે ગોળી મારી, ઉમેશ પાલ હત્યાકાંડના આરોપીઓ સાથે પણ કનેક્શન

    વહીદ અહમદ અનેક ગુનાઓમાં સામેલ હતો અને તેના માથે 50 હજાર રૂપિયાનું ઇનામ પણ જાહેર કરવામાં આવ્યું હતું.

    - Advertisement -

    પ્રયાગરાજના ઉમેશ પાલ હત્યાકાંડ બાદ ઉત્તર પ્રદેશ પોલીસ માફિયા અતિક અહમદ અને તેના સાગરીતો પર સકંજો કસી રહી છે. આ જ કેસમાં સંડોવાયેલા બે આરોપીઓ અરબાઝ અને ઉસ્માન ઉર્ફે વિજય ચૌધરી એન્કાઉન્ટરમાં માર્યા ગયા હતા ત્યારે હવે અતિક અહમદના વધુ એક સાગરીતને પોલીસે એનકાઉન્ટર દરમિયાન ગોળી મારી છે. 

    અતિક અહમદનો સાગરીત અને કુખ્યાત ગુનેગાર વહીદ અહમદ યુપી પોલીસ સાથેની અથડામણમાં ઈજાગ્રસ્ત થઇ ગયો હતો. પોલીસ તેને પકડવા ગઈ ત્યારે તેણે ગોળીબાર કરતાં જવાબી કાર્યવાહીમાં તેને પગમાં ગોળી વાગી હતી.

    એનકાઉન્ટરને લઈને પોલીસ અધિકારીએ જણાવ્યું કે, વહીદ અહમદ અનેક ગુનાઓમાં સામેલ હતો અને તેના માથે 50 હજાર રૂપિયાનું ઇનામ પણ જાહેર કરવામાં આવ્યું હતું. તેની છેલ્લા ઘણા સમયથી શોધખોળ ચાલી રહી હતી. પોલીસે જણાવ્યું કે, તેઓ માફિયાઓ સામે સક્રિયરૂપે કાર્યવાહી કરી રહ્યા છે અને એ જ ક્રમમાં તેમને વહીદ વિશે જાણકારી મળી હતી. 

    - Advertisement -

    તેમણે જણાવ્યું કે, પોલીસને જોઈને તેણે હુમલો કરી દીધો હતો. ત્યારબાદ જવાબી કાર્યવાહીમાં પોલીસે ગોળીબાર કર્યો, જેમાં તેને પગમાં ગોળી વાગી અને ઈજાગ્રસ્ત થઇ ગયો હતો. ત્યારબાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો, જ્યાં તેની સારવાર ચાલી રહી છે અને સ્થિતિ સામાન્ય છે.

    વહીદ અહમદ અતિક અહમદની ગેંગમાં કામ કરતો હતો તેમજ તાજેતરના ઉમેશપાલ હત્યાકાંડમાં સામેલ આરોપીઓ સાથે પણ તેના સબંધો હતા. પોલીસના જણાવ્યા અનુસાર, ઉમેશપાલની હત્યામાં સામેલ અરબાઝનો તે સબંધી હતો તેમજ અન્ય એક આરોપી ગુડ્ડુ મુસ્લિમ જ્યારે બાંદા જેલમાં બંધ હતો ત્યારે વહીદ તેને અવારનવાર મળતો હતો અને અન્ય સુવિધાઓ પણ પૂરી પાડતો હતો.

    તાજેતરમાં જ તેની સામે એક વેપારીએ ખંડણી ઉઘરાવવાનો કેસ દાખલ કરાવ્યો હતો. તેણે વેપારીને ધમકી આપી હતી કે પૈસા નહીં આપે તો તેને જાનથી મારી નાંખશે. આ મામલે કેસ દાખલ થયો ત્યારથી જ તે ફરાર હતો અને એ જ ક્રમમાં તેની ઉપર 50 હજારનું ઇનામ ઘોષિત કરવામાં આવ્યું હતું. 

    ઉલ્લેખનીય છે કે આ પહેલાં ઉમેશપાલ હત્યાકાંડમાં સામેલ અરબાઝ અને ઉસ્માન ચૌધરી નામના અતિક અહમદના બે સાગરીતને યુપી પોલીસ એનકાઉન્ટરમાં ઠાર કરી ચૂકી છે. અરબાઝ હત્યા સમયે ગાડી ચલાવી રહ્યો હતો જ્યારે ઉસ્માને સૌથી પહેલી ગોળી ચલાવી હતી. જુદાં-જુદાં એનકાઉન્ટરમાં બંનેને ઠાર મારવામાં આવ્યા હતા. 

    ઉમેશ પાલ વર્ષ 2006ના BSP ધારાસભ્ય રાજુ પાલ હત્યાકેસમાં મુખ્ય સાક્ષી હતા. ગત 24 ફેબ્રુઆરીના રોજ ઉમેશ અને તેમના સુરક્ષાકર્મીની પ્રયાગરાજમાં ગોળી મારીને હત્યા કરી નાંખવામાં આવી હતી. રાજુ પાલની હત્યામાં મુખ્ય આરોપી અતિક અહમદ છે, જે હાલ અમદાવાદની જેલમાં બંધ છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં