બાબા સિદ્દીકી મર્ડર કેસ (Baba Siddique Murder Case) મામલે હમણાં સુધીમાં 6 આરોપીઓની ઓળખ થઈ ચૂકી હોવાનું સામે આવ્યું છે. તેમાંથી ત્રણ આરોપીઓની ધરપકડ પણ થઈ ચૂકી છે. હમણાં સુધીમાં ધર્મરાજ કશ્યપ, શિવ કુમાર, ગુરમેલ સિંઘ, ઝીશાન અખ્તર, શુભમ લોનકર અને પ્રવીણ લોનકરના નામ સામે આવ્યા છે. ધર્મરાજ, ગુરમેલની ઘટના બાદ તરત જ ધરપકડ થઈ હતી. જ્યારે હવે વધુ એક આરોપી પ્રવીણની પણ ધરપકડ થઈ ચૂકી છે. બીજી તરફ ધર્મરાજે કોર્ટમાં દાવો કર્યો હતો કે, તે સગીર છે. જે બાદ કોર્ટે બોન ટેસ્ટનો આદેશ આપ્યો હતો. બોન ટેસ્ટ બાદ સામે આવ્યું છે કે, આરોપી ધર્મરાજ સગીર નહીં, પરંતુ પુખય વયનો છે.
બાબા સિદ્દીકી મર્ડર કેસ મામલે વધુ એક આરોપી પ્રવીણની ધરપકડ કરવામાં આવી છે. તેણે શૂટર્સના રહેવા માટેની વ્યવસ્થા કરી હોવાનો આરોપ છે. ઉપરાંત મેજિસ્ટ્રેટ સામે થયેલા આરોપી ધર્મરાજના બોન ટેસ્ટમાં તેની ઉંમર 18 વર્ષ કરતાં વધુ હોવાનું પણ સામે આવ્યું છે. તેથી કોર્ટમાં તેણે પોતે સગીર હોવાનો કરેલો દાવો ખોટો ઠર્યો છે. હવે તેને ફરીથી કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને રિમાન્ડ મેળવવામાં આવશે. ઉપરાંત આ હત્યાની જવાબદારી લૉરેન્સ બિશ્નોઈ ગેંગ (Lawrence Bishnoi Gang) દ્વારા લેવામાં આવી હોવાનું કહેવાયું છે. તેથી પોલીસ સહિતની એજન્સીઓ તે દિશામાં પણ તપાસ કરી રહી છે.
બાબા સિદ્દીકીને ગોળી માર્યા બાદ તરત પકડાયેલા બે આરોપીઓએ દાવો કર્યો હતો કે, તેઓ લૉરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે સંકળાયેલા છે. ત્યારબાદ હવે તપાસ એજન્સી લૉરેન્સ બિશ્નોઈની પૂછપરછ માટે અમદાવાદની (Ahmedabad) સાબરમતી જેલમાં આવી શકે તેવી સંપૂર્ણ શક્યતા છે. આ માટે કાનૂની સલાહ લેવામાં આવી રહી હોવાનું સામે આવ્યું છે. કારણ કે, લૉરેન્સની પૂછપરછ માટે કોર્ટની મંજૂરી લેવી અનિવાર્ય છે. જોકે, પોલીસે હજુ સુધી હત્યામાં લૉરેન્સ ગેંગનો હાથ હોવાની પુષ્ટિ નથી કરી. પરંતુ સોશિયલ મીડિયા અને મીડિયામાં લૉરેન્સ ગેંગના એક સભ્યની પોસ્ટ વાયરલ થઈ રહી છે. જેમાં આ મર્ડરની જવાબદારી લૉરેન્સ ગેંગે સ્વીકારી છે.
નોંધવા જેવું છે કે, રવિવારે(13 ઑક્ટોબર) મર્ડર કેસમાં ઝડપાયેલા બે આરોપીઓ ધર્મરાજ કશ્યપ અને ગુરમેલ સિંઘને મેજિસ્ટ્રેટ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા બંનેના 14 દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા. કોર્ટે ગુરમેલ સિંઘના 8 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. જ્યારે ધર્મરાજે પોતે સગીર હોવાનો દાવો કર્યો હતો. ત્યારબાદ કોર્ટે ધર્મરાજનો બોન ટેસ્ટ કરીને ફરી કોર્ટમાં રજૂ કરવાનો આદેશ આપ્યો હતો. જોકે, હવે ટેસ્ટમાં આરોપી પુખ્ત હોવાનું સામે આવ્યું છે.