Saturday, April 20, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટરામકુંડની દીવાલ પર અર્ધચંદ્ર અને તારાનું ચિહ્ન, ભગવાનની ધજાનો દંડ સળગાવવાનો પ્રયાસ:...

    રામકુંડની દીવાલ પર અર્ધચંદ્ર અને તારાનું ચિહ્ન, ભગવાનની ધજાનો દંડ સળગાવવાનો પ્રયાસ: સુરતના ઓલપાડની ઘટના, હિંદુ સંગઠનોની કડક કાર્યવાહીની માંગ

    તાજેતરમાં જ વિશ્વ હિંદુ પરિષદના કાર્યકર્તાઓએ આ રામકુંડની સાફસફાઈ કરી હતી અને રંગરોગાન કરીને નવું સ્વરૂપ આપ્યું હતું.

    - Advertisement -

    સુરત નજીક ઓલપાડ સ્થિત રામકુંડની દીવાલ પર અજાણ્યા ઈસમોએ ઉશ્કેરણીજનક ચિત્રો દોરીને ભગવાન રામના ધ્વજને સળગાવવાનો પ્રયાસ કરતાં સ્થાનિક હિંદુઓમાં રોષ વ્યાપ્યો છે. વિશ્વ હિંદુ પરિષદે તાજેતરમાં જ આ રામકુંડની સાફ-સફાઈ કરીને રંગરોગાન કર્યું હતું. હાલ આ મામલે પોલીસને ફરિયાદ કરવામાં આવી છે. 

    ઓલપાડ શહેરમાં કિમ રોડ ઉપર એક તળાવ નજીક આ રામકુંડ આવેલ છે, જેને ઐતિહાસિક ધરોહર તરીકે સાચવવામાં આવ્યો છે. આ કુંડ સાથે સ્થાનિક હિંદુઓની ધાર્મિક આસ્થા પણ જોડાયેલી છે. વર્ષો જૂનું આ ઐતિહાસિક સ્થળ લાંબા સમયથી જર્જરિત હાલતમાં પડી રહ્યું હતું, જે વિશ્વ હિંદુ પરિષદના ધ્યાનમાં આવતાં તાજેતરમાં જ સંગઠનના કાર્યકર્તાઓએ તેની સાફસફાઈનું કામ હાથ પર લીધું હતું. 

    તાજેતરમાં વિશ્વ હિંદુ પરિષદે સમગ્ર રામકુંડની સાફસફાઈ કરી તેની ફરતેની દીવાલો પર કલર કામ કરાવીને તેને નવું સ્વરૂપ આપ્યું હતું. તેમજ એક દીવાલ પર ‘શ્રી રામકુંડ, વિશ્વ હિંદુ પરિષદ, ઓલપાડ’ લખવામાં આવ્યું હતું અને તેની બાજુમાં એક દંડ સાથે ભગવાન શ્રીરામની ધજા લહેરાવવામાં આવી હતી. 

    - Advertisement -

    દરમ્યાન ગત મંગળવારની રાત્રે અજાણ્યા ઈસમોએ શાંતિ ડહોળવાના પ્રયાસ કરીને જ્યાં ‘શ્રી રામકુંડ’ લખવામાં આવ્યું હતું તેની બાજુમાં અર્ધચંદ્ર અને તારાનું ચિહ્ન દોર્યું હતું અને જે દંડ પર ધજા લહેરાવવામાં આવી હતી તેને પણ સળગાવવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા. 

    બુધવારે સવારે સ્થાનિક હિંદુઓને આ બાબતની જાણ થતાં જ તેઓ સ્થળે એકઠા થયા હતા અને ત્યારબાદ પોલીસને પણ જાણ કરવામાં આવી હતી. ઓલપાડ પોલીસના અધિકારીઓએ ઘટનાસ્થળે પહોંચીને નિરીક્ષણ કર્યું હતું તેમજ કૃત્ય કરનારાઓને પકડી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યાં હતાં. સ્થાનિક હિંદુઓએ આ પ્રકારે શહેરની શાંતિ ડહોળવાના પ્રયાસ કરનારા ઈસમો સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. 

    તાજેતરમાં જ ઓલપાડમાં એક મુસ્લિમ યુવકે હિંદુ સગીરાને ભગાડી લઇ જવાના મામલે કોમી તંગદિલી સર્જાઈ હતી. સાહિલ પૂનાગિરી નામનો ઈસમ શહેરમાં જ રહેતી એક સગીરાને ભગાડીને અજમેર તરફ જવા માટે નીકળ્યો હતો, પરંતુ કિશોરીના પરિજનોએ તેની શોધખોળ શરૂ કરીને પોલીસમાં પણ જાણ કરતાં બંને બરોડાથી જ પરત ફર્યાં હતાં. ત્યારબાદ સગીરાને મૂકીને આરોપી ફરાર થઇ ગયો હતો. 

    મામલો સામે આવતાં હિંદુ સંગઠનો પણ બહાર આવ્યાં હતાં અને આરોપીની ત્વરિત ધરપકડની માંગ સાથે ઘેરાવ કર્યો હતો, જેના કારણે હિંદુ-મુસ્લિમ ટોળાં સામસામે આવી ગયાં હતાં અને પથ્થરમારો પણ થયો હતો. ત્યારબાદ પોલીસે હસ્તક્ષેપ કરીને મામલો થાળે પાડ્યો હતો તો બે દિવસ બાદ આરોપીને પણ ઝડપી લેવામાં આવ્યો હતો. ત્યારબાદ તેને મદદ કરનાર જાફર શેખ પણ પકડાયો હતો. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં