તાજેતરમાં જ પયગંબર મોહમ્મદ પર કથિત ટિપ્પણીને લઈને ભાજપે નૂપુર શર્માને પાર્ટીની સદસ્યતામાંથી સસ્પેન્ડ કરી દીધાં છે. જે બાદ સોશિયલ મીડિયા પર અનેક લોકો નૂપુરના સમર્થનમાં આવ્યા હતા. લોકો નૂપુર શર્માના વખાણ કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે નૂપુર શર્માએ જે કહ્યું છે એ સત્ય તેમના જ ગ્રંથોમાં લખવામાં આવ્યું છે. દરમ્યાન, ટાઈમ્સ નાઉ પર એક ડિબેટનો નૂપુર શર્માનો જૂનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે, જેમાં તેમણે SAR ગિલાનીને આતંકવાદી કહ્યો હતો અને એક દિવસ પહેલાં જ DU ના એક સેમિનારમાં તેમની ઉપર એક વિદ્યાર્થીએ થૂંકવા મામલે માફી માંગવાનો ઇનકાર કરી દીધો હતો.
ઉલ્લેખનીય છે કે એક તરફ જ્યાં રવિવારે (5 જૂન 2022) ભાજપે નૂપુર શર્માને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરતા એક પ્રેસ રિલીઝ કરીને કહ્યું હતું કે પાર્ટી તમામ ધર્મોનું સન્માન કરે છે અને તેઓ એ વિચારધારાની વિરુદ્ધ છે જે કોઈ પણ સંપ્રદાય કે ધર્મનું અપમાન કરે છે કે તેને નીચા દેખાડવાનો પ્રયત્ન કરે છે. ત્યાં બીજી તરફ નૂપુર શર્મા છે જેઓ 2008થી જ દિલ્હી યુનિવર્સીટીમાં અધ્યક્ષની ચૂંટણી જીત્યા બાદથી જ તેમનાં આક્રમક વલણ માટે જાણીતાં છે.
સોશિયલ મીડિયા પર નૂપુર શર્માનો વિડીયો વાયરલ થયો છે, આ વાયરલ વિડીયોમાં પણ તેમની સત્ય બોલવાની શક્તિ સ્પષ્ટપણે જોઈ શકાય છે. તેઓ ABVP (અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ)ને ભાજપથી અલગ કરીને RSS સાથે જોડે છે. ઉપરાંત, તેઓ ગિલાનીને પણ ‘આતંકવાદી’ કહીને જડબાતોડ જવાબ આપે છે.
શું છે 2008 ના વાયરલ વિડીયોનો મામલો?
2008 માં દિલ્હી યુનિવર્સીટી સ્ટુડન્ટ યુનિયનના અધ્યક્ષ તરીકેના કાર્યકાળ દરમિયાન નૂપુર શર્મા DU ના પ્રોફેસર S.A.R ગિલાની સામે વિરોધ પ્રદર્શન કરીને ચર્ચામાં આવ્યાં હતાં. યુનિવર્સીટી આર્ટ્સ ફેકલ્ટી દ્વારા આયોજિત એક સેમિનાર દરમિયાન S.A.R ગિલાનીને સાંપ્રદાયિકતા પર બોલવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. ત્યારે એબીવીપીના વિદ્યાર્થીઓના એક સમૂહે આ કાર્યક્રમનો વિરોધ કર્યો હતો. દરમ્યાન, એક વિદ્યાર્થીએ મંચ પર જઈને ગિલાની પર કથિત રીતે થૂંકી દીધું હતું. ત્યારે ABVPએ ગિલાની વિરુદ્ધ હિંદુત્વ વિરોધી ગતિવિધિઓનો આરોપ લગાવ્યો હતો. જે બાદ અર્ણવઃ ગોસ્વામી સાથેની ટાઈમ્સ નાઉની ડિબેટમાં નૂપુર શર્માએ ન માત્ર એબીવીપીનો બચાવ કર્યો હતો પરંતુ ગિલાનીને આતંકવાદી કહીને ઉમેર્યું હતું કે ‘આતંકવાદી’ને આમંત્રણ આપવામાં ન આવવું જોઈએ. અમે શાંતિથી વિરોધ કર્યો હતો અને મેં વિનમ્રતાથી તેમને કાર્યક્રમ સ્થળ છોડી દેવાની વિનંતી કરી હતી, પરંતુ તેમણે ઈનકાર કરી દીધો હતો.
નૂપુર શર્માએ ત્યારે સ્પષ્ટ કહ્યું હતું કે, 2003ના સંસદ હુમલામાં હાઇકોર્ટ દ્વારા નિર્દોષ છોડવામાં આવેલા ગિલાનીને સંવાદ માટે આમંત્રણ આપવામાં નહતું આપવું જોઈતું. ગિલાની એક આતંકવાદી છે અને મેં વિનમ્રતાથી તેમને કાર્યક્રમ સ્થળેથી પરત ફરવા માટે વિનંતી કરી હતી. પરંતુ તેમણે ના પાડી દીધી હતી. અને પછી અમારે વિરોધ કરવો પડ્યો હતો.”
જોકે, ટેલિવિઝન ડિબેટ દરમિયાન નૂપુર શર્માએ સ્પષ્ટ ઇનકાર કરતા કહ્યું હતું કે ગિલાની પર થૂંકનાર વિદ્યાર્થી ABVPનો ન હતો અને એમ પણ ઉમેર્યું હતું કે આખા દેશે ગિલાની પર થૂંકવું જોઈએ. આ વિડીયો જોઈને સ્પષ્ટ જણાય છે કે નૂપુર શર્મા આજે જ નહીં પરંતુ તે સમયથી જ અન્ય વિદ્યાર્થી નેતાઓથી બિલકુલ અલગ હતાં અને સત્ય માટે એટલી જ મુખરતાથી બોલતાં હતાં.
આજે પણ જે મંચ કથિત ઇશનિંદાના વિવાદનું કારણ બન્યો તે પણ ટાઈમ્સ નાઉની ટીવી ડિબેટ જ હતી. જ્યાં તેમણે સતત ભગવાન શિવ અને જ્ઞાનવાપીમાં મળી આવેલા શિવલિંગને ફુવારો કહીને ઉડાવવામાં આવતી મજાક અને હિંદુ ધર્મને અપમાનિત કરતી ટિપ્પણીઓથી નારાજ થઈને પ્રશ્ન કર્યો હતો કે કોઈ તમારા ધર્મની બાબતોની પણ મજાક ઉડાવી શકે છે.
બીજી તરફ, હાલમાં જ ઑપઇન્ડિયા સાથેના એક ઇન્ટરવ્યૂમાં નૂપુર શર્માએ કહ્યું હતું કે તેમણે પયગંબર મોહમ્મદ વિશે પોતાનો અભિપ્રાય આપ્યો ન હતો પરંતુ તેમણે જે કંઈ પણ કહ્યું હતું તેનો ઉલ્લેખ તેમની હદિશમાં પહેલેથી જ છે. શિવલિંગ પરની ટિપ્પણીઓથી નારાજ થયા બાદ મેં એટલું જ પૂછ્યું હતું કે જે રીતે તેઓ અમારા ધર્મની નજક ઉડાવે છે તે રીતે શું તેમણે પણ એ લોકોની મજહબી આસ્થાઓની મજાક ઉડાડવાનું શરૂ કરી દેવું જોઈએ? તેમણે એમ પણ કહ્યું હતું કે જો કોઈ સ્થાપિત ઇસ્લામી વિદ્વાન તેમને ખોટાં ઠેરવવા માટે આગળ આવશે તો તેઓ ટિપ્પણીઓ પરત ખેંચી લેશે. તેમણે કહ્યું હતું, “જો હું તથ્યાત્મક રીતે ખોટી હોઉં તો મને મારું નિવેદન પરત ખેંચી લેવામાં કોઈ વાંધો નથી.”
ઉલ્લેખનીય છે કે નૂપુર શર્માની એ ડિબેટનો વિડીયો ક્લિપ સ્વરૂપે વાયરલ થયા બાદથી જ હત્યાની ધમકીઓ લવાની શરૂ થઇ ગઈ હતી. જેને ધ્યાનમાં રાખીને દિલ્હી પોલીસે તેમને સુરક્ષા પણ પૂરી પાડી છે. બીજી તરફ, કેટલાંક રાજ્યોએ તેમને પૂછપરછ માટે સમન્સ પાઠવ્યા છે.
ટાઈમ્સ નાઉની ડિબેટનો નૂપુર શર્માનો નાનકડો હિસ્સો ઉઠાવીને ઑલ્ટ ન્યૂઝના કથિત ફેક્ટચેકર મોહમ્મદ ઝુબૈરે વિડીયો ક્લિપ વાયરલ કરી દીધી હતી. જે બાદ થોડા જ સમયમાં નૂપુરને હત્યા અને બળાત્કારની ધમકીઓ મળવા માંડી હતી. આ મામલે લોકોને નૂપુર વિરુદ્ધ ભડકાવવા માટે મોહમ્મદ ઝુબૈરને રાણા અયૂબે પણ સાથ આપ્યો હતો. જોકે, સતત વૈશ્વિક મુસ્લિમ સમુદાયને ભડકાવતા મોહમ્મદ ઝુબૈર વિરુદ્ધ હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.
રિપોર્ટ અનુસાર, નૂપુર શર્મા વિરુદ્ધ ત્રણ મુખ્ય FIR દાખલ કરવામાં આવી છે. પહેલી FIR 29 મેના રોજ સંદિગ્ધ ઇસ્લામિક સંગઠન રઝા એકેડમીની ફરિયાદના આધારે મુંબઈમાં દાખલ કરવામાં આવી હતી. જે મામલે તેમને હાલ સમન્સ પાઠવવામાં આવ્યા છે બીજી FIR મુંબઈના એક મોહમ્મદ ગુરફાનની ફરિયાદના આધારે કરવામાં આવી છે અને ત્રીજી FIR હૈદરાબાદમાં દાખલ કરવામાં આવી છે, જે અંગેની જાણકારી AIMIM પ્રમુખ અસદુદ્દીન ઓવૈસી દ્વારા સોશિયલ મીડિયા પર શૅર કરવામાં આવી હતી.
વધુમાં નોંધવું જરૂરી છે કે નૂપુર શર્માને માત્ર ભારતમાંથી જ નહીં પરંતુ પાકિસ્તાનમાંથી પણ જાનથી મારી નાંખવાની ધમકી મળી છે. તેમની વિરુદ્ધ લાખો-કરોડોના ઇનામની પણ ઘોષણા કરવામાં આવી હતી. બીજી તરફ, ખાડી દેશો અને OICના મુસ્લિમ દેશોએ પણ આ મામલે ભારતની માફીની માંગ કરી છે. જેનો ભારતે આંતરિક મામલામાં હસ્તક્ષેપ ન કરવાની સલાહ સાથે વિરોધ કર્યો છે.
અહીં એ પણ નોંધવું જોઈએ કે હાલ એક તરફ જ્ઞાનવાપીમાંથી મળી આવેલા શિવલિંગની ઇસ્લામીઓ અને અમુક રાજનીતિક પાર્ટીના નેતાઓ દ્વારા સતત મજાક ઉડાવવામાં આવી રહી છે ત્યાં ભૂતકાળમાં પણ અસદુદ્દીન ઓવૈસીના ભાઈ અકબરૂદ્દીન ઓવૈસી જેવા નેતાઓ હિંદુ વિરોધી અને દેવી-દેવતાઓ વિશે અભદ્ર ટિપ્પણી કરી ચૂક્યા છે.
અકબરૂદ્દીન ઓવૈસીએ 2012 માં એક રેલી સંબોધતા ઇસ્લામિક ભીડને ઉશ્કેરવા માટે ભાષણ આપતા સો કરોડ હિંદુઓને જોઈ લેવાની વાત કહી હતી તો ભગવાન રામ અને તેમનાં માતા કૌશલ્યાદેવી અંગે પણ અભદ્ર ટિપ્પણી કરી હતી. જોકે, આ મામલે અકબરૂદ્દીન ઓવૈસી વિરુદ્ધ કેસ પણ નોંધાયા હતા પરંતુ કોર્ટે તેમના આ ભાષણને ‘હેટ સ્પીચ’ ન ગણાવીને છોડી મૂક્યા હતા. જોકે, ઇસ્લામી નેતાઓના આવા અનેક ભાષણો સામે આવી ચૂક્યા હોવા છતાં અને સીધી રીતે અન્ય ધર્મોનું અપમાન થતું હોવા છતાં એક વર્ગ હંમેશા ચૂપ રહેતો જોવા મળ્યો છે.