ગાઝાના શહેર રાફામાં ઈઝરાયેલે કરેલી કાર્યવાહી બાદ બૉલીવુડ અભિનેતાઓ સોશિયલ મીડિયામાં પેલેસ્ટાઇનના સમર્થનમાં ઉતરી આવ્યા છે. જેમાં અનેક નામો સામેલ છે અને તેમાં એક નામ છે નુસરત ભરૂચા. નુસરતનું નામ અલગથી ઉલ્લેખવાનું કારણ એ છે કે ગત 7 ઓક્ટોબર, 2023ના રોજ જ્યારે ગાઝા સ્થિત ઇસ્લામી આતંકવાદી સંગઠન હમાસે ઇઝરાયેલ પર અચાનક હુમલો કરી દીધો અને હજારો નિર્દોષ નાગરિકોને મોતને ઘાટ ઉતાર્યા હતા ત્યારે તે ઈઝરાયેલમાં જ હતી.
નુસરત ભરૂચાએ પણ પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી લગાવી છે. અન્ય બૉલીવુડ કલાકારોની જેમ આ સ્ટોરીમાં પણ એક AI જનરેટેડ ઇમેજ જોવા મળે છે. જેમાં લખવામાં આવ્યું છે- ‘ઑલ આઇઝ ઓન રાફા.’ એટલે કે આખા વિશ્વની નજર હમણાં રાફા પર છે. આવી જ સ્ટોરી રોહિત શર્માની પત્ની રિતિકા સજદેહથી માંડીને માધુરી દીક્ષિત અને વરુણ ધવન સુધીના લોકોએ પણ મૂકી હતી.
વાચકોને જાણ થાય કે રાફા એ ગાઝા પટ્ટીમાં દક્ષિણ પૂર્વ છેડે ઇજિપ્તની સરહદે આવેલું એક શહેર છે. ગાઝા સાથે ચાલતા યુદ્ધ વચ્ચે ઈઝરાયેલે તાજેતરમાં અહીં હુમલા કર્યા હતા. હવે આ હુમલા રોકવા માટે આંતરરાષ્ટ્રીય સ્તરે દબાણ કરવા માટે આ કેમ્પેઇન ચલાવવામાં આવી રહ્યું છે. તેમાં દર વખતની જેમ ભારતની કથિત હસ્તીઓ પણ જોડાઈ ગઈ છે.
અહીં બીજા બધા તો સમજ્યા, પરંતુ નુસરત ભરૂચા એવી વ્યક્તિ છે જેણે 7 ઓક્ટોબરના રોજ ઈઝરાયેલમાં શું બન્યું હતું તે નજરે જોયું હતું. હમાસના આતંકવાદીઓ ઈઝરાયેલમાં ઘૂસી આવ્યા હતા અને સરહદ પરનાં ગામોમાં કત્લેઆમ ચલાવી હતી. અનેક નિર્દોષોને મોતને ઘાટ ઉતાર્યા અને અનેકને બંધક બનાવ્યા હતા. હાલ ઇઝરાયેલ જે કાંઈ કરી રહ્યું છે તે તેની પ્રતિક્રિયા સ્વરૂપ કાર્યવાહી કરી રહ્યું છે.
7 ઓક્ટોબરના રોજ ઈઝરાયેલે હુમલો કર્યો ત્યારે નુસરત ભરૂચા ઇઝરાયેલમાં જ હતી. તે એક ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં ભાગ લેવા માટે પહોંચી હતી. પરંતુ 7 ઓક્ટોબરના હુમલા પછી બધું જ બદલાઈ ગયું અને અભિનેત્રી ફસાઈ ગઈ. પછીથી તેને એક સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવી અને અહીંથી પણ પ્રયાસો શરૂ કરવામાં આવ્યા. તેણે થોડો સમય બેઝમેન્ટમાં પસાર કરવો પડ્યો હતો.
બીજા દિવસે 8 ઓક્ટોબરના રોજ તે ભારત પરત ફરી હતી અને ત્યારબાદ એક નિવેદનમાં જણાવ્યું હતું કે ઈઝરાયેલમાં હમાસના હુમલા બાદ તેણે કેવી કઠિનાઈઓનો સામનો કડવો પડ્યો. સાથે તેણે ઘરે પરત લાવવા બદલ ઇઝરાયેલ દૂતાવાસ અને ભારત સરકારનો આભાર પણ માન્યો હતો.
નુસરતે જણાવ્યું હતું કે, 6 તારીખે કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ સાતમીની સવાર બહુ આઘાતજનક હતી અને વહેલી સવારથી જ બૉમ્બ ધડાકા અને સાયરનના અવાજ શરૂ થઈ ગયા હતા. ભગદોળ વચ્ચે તેમને હોટેલના બેઝમેન્ટના શેલ્ટરમાં લઇ જવામાં આવ્યાં અને કલાકો પછી તેમને જાણવા મળ્યું કે ઇઝરાયેલ પર હુમલો થયો છે. જેના માટે કોઇ તૈયાર ન હતું. સાથે તેણે એવું પણ કહ્યું હતું કે આવી પરિસ્થિતિમાંથી તેઓ ક્યારેય પસાર થયા ન હતા. તેણે કહ્યું હતું કે, હોટેલથી ભારતીય દૂતાવાસ માત્ર 2 કિમી દૂર હતું, પણ એટલું અંતર પણ સુરક્ષા વગર કાપી શકાય એમ ન હતું. તેમને જણાવવામાં આવ્યું હતું કે હમાસના આતંકીઓ ઘૂસી આવ્યા છે અને હવે આતંક મચાવી રહ્યા છે.
અંતે કહ્યું હતું કે, “યુદ્ધગ્રસ્ત ક્ષેત્રમાંથી સુરક્ષિત પરત લાવવા બદલ અને તમામ મદદ અને સહાય બદલ ભારત સરકાર, ભારતીય દૂતાવાસ અને ઇઝરાયેલી દૂતાવાસનો આભાર વ્યક્ત કરું છું.” પરંતુ હવે તેણે જે રાફા માટે સ્ટોરી શૅર કરી છે તે ઇઝરાયેલના દુશ્મન આતંકી સંગઠન હમાસના પ્રોપગેન્ડાનો એક ભાગ છે, જેનો આશય આંતરરાષ્ટ્રીય દબાણ લાવીને ઇઝરાયેલને કાર્યવાહી કરતાં રોકવાનો છે.