કોંગ્રેસ પાર્ટીના ભૂતપૂર્વ અધ્યક્ષ અને વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ સોમવારે (1 જુલાઇ, 2024) સંસદમાં વિપક્ષના નેતા તરીકે તેમનું પ્રથમ સંબોધન કરતી વખતે, હિંદુઓને હિંસક ગણાવ્યા હતા અને અગ્નિપથ યોજના વિશે જૂઠાણું ફેલાવ્યું હતું. આ દરમિયાન તેમણે કહ્યું કે, હિંદુ દેવી-દેવતાઓ ‘અભય મુદ્રા’માં આશીર્વાદ આપે છે, આ દરેક મઝહબમાં છે. આ માટે તેમણે ગુરુ નાનક અને જીસસ ક્રાઈસ્ટની તસવીરો બતાવી. આ ઉપરાંત તેમણે ઇસ્લામને પણ ‘અભય મુદ્રા’ સાથે જોડ્યો હતો, ત્યારબાદ હવે મુસ્લિમ સમાજ પોતે જ રાહુલ ગાંધી વિરુદ્ધ મેદાને ઉતરી આવ્યો છે. મુસ્લિમ કાઉન્સિલના અધ્યક્ષે કહ્યું છે કે, ઇસ્લામમાં અભય મુદ્રાની કોઈ ધારણા નથી.
‘ઓલ ઈન્ડિયા સૂફી સજ્જાદાનશીન કાઉન્સિલ’ના અધ્યક્ષ સૈયદ નસીરુદ્દીન ચિશ્તીએ રાહુલ ગાંધીના આ સંબોધન સામે વાંધો વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું, “મારી જાણમાં આવ્યું છે અને થોડુંઘણું મે જોયું પણ છે કે, રાહુલ ગાંધીએ સંસદમાં ‘અભય મુદ્રા’નો ઉલ્લેખ કર્યો હતો અને મુસ્લિમોની દુઆ માંગવાની પદ્ધતિ સાથે તેની સરખામણી કરી હતી અને કહ્યું હતું કે, તે ઇસ્લામમાં પણ છે. ‘અભય મુદ્રા’ એ હિંદુ ધર્મની અંદરની વિવિધ મુદ્રાઓનો ઉલ્લેખ છે અને વિવિધ દેવી-દેવતાઓનો ઉલ્લેખ છે, તેમાં હોય શકે છે.”
#WATCH | On Congress MP Rahul Gandhi's speech in Parliament, Syed Naseruddin Chishty, Chairman of All India Sufi Sajjadanashin Council, says, "While speaking in the Parliament today, Rahul Gandhi has said 'Abhayamudra' is also there in Islam. There is no mention of idol worship… pic.twitter.com/4dugkfmHU7
— ANI (@ANI) July 1, 2024
રાહુલ ગાંધી દ્વારા અપાયેલા નિવેદન પર તેમણે સ્પષ્ટતા કરી હતી કે, ઇસ્લામમાં મૂર્તિપૂજા કે પૂજા-પાઠનો કોઈ ઉલ્લેખ નથી અને ન તો કોઈ પ્રકારની ‘અભય મુદ્રા’નો ઉલ્લેખ છે. ઇસ્લામમાં અભય મુદ્રાની કોઈ ધારણા નથી. સૈયદ નસીરુદ્દીન ચિશ્તીએ કહ્યું કે, તેઓ જાણતા નથી કે તેમણે કયા સંજોગોમાં તેને ઇસ્લામ સાથે જોડ્યું છે અને જસ્ટિફિકેશન આપવાનો પ્રયાસ કર્યો છે કે, કોંગ્રેસનું ચૂંટણી ચિન્હ ઇસ્લામમાં દુઆ માંગવાની રીત સાથે જોડાયેલું છે. ‘ઓલ ઈન્ડિયા સૂફી સજ્જાદાનશીન કાઉન્સિલ’ના અધ્યક્ષે સ્પષ્ટતા કરી કે, ઇસ્લામમાં આવું કંઈ નથી અને તેઓ તેનું ખંડન કરે છે.
સંસદમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ રાહુલ ગાંધીને જડબાતોડ જવાબ આપ્યો હતો અને કહ્યું હતું કે તેઓ ઇસ્લામી વિદ્વાનોને ‘અભય મુદ્રા’ વિશે પૂછી લે, સાથે જ ‘શિરોમણી ગુરુદ્વારા પ્રબંધન કમિટી’ની પણ ગુરુ નાનકની તસવીર બતાવ્યા પહેલાં સલાહ લઈ લે. વિશેષ નોંધવા જેવુ છે કે, રાહુલ ગાંધીએ સંસદમાં કહ્યું હતું કે, જેઓ પોતાને હિંદુ કહે છે તે હિંસા કરે છે, નફરત ફેલાવે છે અને અસત્ય બોલે છે. વડાપ્રધાન મોદીએ પોતે આનો જવાબ આપતા કહ્યું કે, આ ગંભીર વિષય છે, તેમણે આ અંગે માફી માંગવી જોઈએ.