ગુરુવારે (1 ફેબ્રુઆરી, 2024) નાણામંત્રી નિર્મલા સિતારમને લોકસભામાં વર્ષ 2024-25નું વચગાળાનું બજેટ રજૂ કર્યું. આ દરમિયાન અગત્યની જાહેરાત કરતાં તેમણે જણાવ્યું કે આ વખતે ટેક્સ સ્લેબમાં કોઇ પણ પ્રકારના ફેરફાર કરવામાં આવ્યા નથી અને ગત વર્ષે ઇન્કમ ટેક્સ સંદર્ભે જે ઘોષણાઓ કરવામાં આવી હતી તે આ વર્ષે પણ લાગુ રહેશે.
નાણામંત્રીએ ડાયરેક્ટ ટેક્સ ડિમાન્ડ પરત લેવાની ઘોષણા કરી છે. વર્ષ 1962થી જેટલા જૂના ટેક્સ સંબંધિત વિવાદિત કેસ ચાલતા આવે છે તેની સાથે વર્ષ 2009-10 સુધી લંબિત ડાયરેક્ટ ટેક્સ ડિમાન્ડ સાથે જોડાયેલા ₹25,000 સુધીના વિવાદિત મામલા પરત લેવામાં આવશે. જ્યારે વર્ષ 2010-11થી 2014-15 વચ્ચે લંબિત આ પ્રકારના ₹10,000 સુધીના મામલા પરત લેવાશે. જેનાથી ઓછામાં ઓછા 1 કરોડ કરદાતાઓને લાભ થશે તેમ નાણામંત્રીએ ઉમેર્યું હતું.
#Budget2024 #ViksitBharatBudget
— PIB India (@PIB_India) February 1, 2024
There are a large number of petty, non-verified, non-reconciled or disputed direct tax demands many of them dating back as far back as 1962, causing anxiety to honest taxpayers and hindering refunds
In line with our vision to improve ease of…
નાણામંત્રીએ બજેટ ભાષણ દરમિયાન કહ્યું કે, હવે ઇન્કમ ટેક્સ ભરવાની પ્રક્રિયાઓ સરળ કરી દેવામાં આવી છે. તેમજ સરેરાશ 10 દિવસમાં ITR રિફન્ડ કરવામાં આવી રહ્યો છે. તેમણે એમ પણ કહ્યું કે GST કલેક્શન દર મહિને સરેરાશ 1.66 લાખ કરોડ સુધી પહોંચી ગયું છે. નાણામંત્રીએ જણાવ્યું કે, કોર્પોરેટ ટેક્સને ઘટાડીને 22 ટકા કરવામા આવ્યો અને સાથે જ સોવરેન ફંડ્સ માટે ટેક્સ છૂટ વધારવામાં આવી છે. સાથે જ, સ્ટાર્ટઅપ્સ માટે ટેક્સ છૂટનો વિસ્તાર પણ વધ્યો છે.
બજેટમાં ત્રણ નવા રેલ કોરિડોર શરૂ કરવાની પણ ઘોષણા કરવામાં આવી તો સાથે જણાવવામાં આવ્યું કે યાત્રી ટ્રેનોના પરિચાલનમાં સુધારો કરવામાં આવશે. પીએમ ગતિશક્તિ યોજનામાં કામ ઝડપી કરવામાં આવશે તો 40 હજાર નોર્મલ રેલ ડબ્બાઓને વંદે ભારતમાં બદલવામાં આવશે.
નાણામંત્રીએ બજેટ દરમિયાન 10 વર્ષમાં મોદી સરકારની ઉપલબ્ધિઓ પણ ગણાવી અને કહ્યું કે, અર્થવ્યવસ્થામાં છેલ્લાં 10 વર્ષમાં સકારાત્મક ફેરફારો જોવા મળ્યા છે અને સરકાર ‘સૌનો સાથ, સૌનો વિકાસ’ના મંત્ર સાથે આગળ વધી, જેની અસર તમામ સેક્ટરો પર જોવા મળી. નવી યોજનાઓ શરૂ કરવામા આવી અને રોજગારના મોરચે પણ અનેક મોટાં પગલાં ઉઠાવવામાં આવ્યાં. ગ્રામીણ વિકાસ માટે મોટાં કામો થયાં અને આવાસ, જળ, રાંધણ ગેસથી લઈને તમામ માટે બેન્કનાં ખાતાં ખોલવાનું કામ પણ ખૂબ ઝડપથી થયું.
તેમણે ઉમેર્યું કે, આર્થિક સુધારા સાથે જે રીતે મોદી સરકારના કાર્યકાળ હેઠળ દેશ આગળ વધી રહ્યો છે, વર્ષ 2047 સુધી ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવી દઈશું. અમે પારદર્શિતા સાથે કામ કરી રહ્યા છીએ અને ગરીબ, મહિલા, અન્નદાતાની પ્રગતિ થાય તે જ સરકારની સૌથી મોટી પ્રાથમિકતા છે. તેમને સશક્ત કરવાની દિશામાં જ અમે કામ કરી રહ્યા છીએ. તેમણે ઉમેર્યું કે, ગરીબનું કલ્યાણ એ દેશનું કલ્યાણના મંત્ર સાથે ચાલવાથી જ છેલ્લાં 10 વર્ષમાં 25 કરોડ લોકો ગરીબીમાંથી બહાર નીકળી શક્યા છે.