બિહારમાં ચૂંટણીના બે વર્ષ બાદ ભાજપ સાથે ગઠબંધન તોડીને નીતીશ કુમારે જેડીયુ સાથે સરકાર બનાવી છે. નવી સરકારનું મંત્રીમંડળ પણ રચવામાં આવી ચૂક્યું છે પરંતુ હવે નીતીશ કુમારની પાર્ટીમાં જ વિખવાદ સર્જાયો છે. જેડીયુનાં એક મહિલા ધારાસભ્યે નીતીશ સરકારમાં મંત્રી લેશી સિંહ પર અનેક ગંભીર આરોપો લગાવતાં મંત્રીમંડળમાં તેમની નિયુક્તિને લઈને વિરોધ કર્યો છે.
Bihar | I'm upset with only JDU MLA Leshi Singh that she's always chosen in cabinet. What does the CM see in her? She is repeatedly involved in incidents in her area; disreputes the party. Why are we not listened to? Is it because we're from a backward caste?: JDU MLA Bima Bharti pic.twitter.com/AME3tHX9Sq
— ANI (@ANI) August 17, 2022
જેડીયુ ધારાસભ્ય બીમા ભારતીએ ANI સાથેની વાતચીતમાં કહ્યું કે, “મને વાંધો એ બાબત સાથે છે કે શા માટે દર વખતે જેડીયુ ધારાસભ્ય લેસી સિંહને જ કેબિનેટમાં સ્થાન આપવામાં આવે છે. મુખ્યમંત્રી તેમનામાં શું જુએ છે? તે તેમના વિસ્તારમાં બનતી ઘટનાઓમાં સામેલ રહે છે અને પાર્ટીને પણ નુકસાન પહોંચાડે છે. શા માટે અમને સાંભળવામાં નથી આવી રહ્યાં? શું એટલા માટે કે અમે પછાત વર્ગમાંથી આવીએ છીએ?”
જેડીયુ ધારાસભ્ય બીમા ભારતીએ ગંભીર આરોપો લગાવતાં કહ્યું હતું કે લેસી સિંહનો જે કોઈ પણ વિરોધ કરે છે તેની તેઓ હત્યા કરાવી નાંખે છે. ઉપરાંત, તેઓ પોતાની જાતિ પણ છુપાવતાં હોવાનો આરોપ લગાવ્યો હતો.
મુખ્યમંત્રી નીતીશ કુમાર સમક્ષ લેશી સિંહનું રાજીનામું લઇ લેવાની અપીલ કરતાં બીમા ભરતીએ કહ્યું કે જો તેઓ તેમ નહીં કરે તો તેઓ પોતે ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દેશે. તેમણે કહ્યું કે લેશી સિંહ પાર્ટીવિરોધી ગતિવિધિઓમાં સામેલ રહે છે. જે તેમનો વિરોધ કરે છે તેની તેઓ હત્યા કરાવી નાંખે છે.
તેમણે એમ પણ કહ્યું કે, લેસી સિંહ તેમની વિરુદ્ધ ષડ્યંત્ર રચી રહ્યાં છે અને મારી પુત્રીને પણ જિલ્લા પંચાયતની ચૂંટણીમાં હરાવી દીધી હતી. તેમણે કહ્યું કે, મને મંત્રી ન બનાવી તેનું દુઃખ નથી, પરંતુ તેમને મંત્રી બનાવવામાં આવ્યાં તેનું દુઃખ છે. પાર્ટીમાં અન્ય પણ મહિલા ધારાસભ્યો છે, તેમને મંત્રી બનાવવામાં આવવાં જોઈએ.
બીમા ભારતીએ કહ્યું કે તેમણે આ બાબતની રજૂઆત મુખ્યમંત્રી નીતીશ કુમાર, રાષ્ટ્રીય અધ્યક્ષ લલન સિંહ અને પ્રદેશ અધ્યક્ષ ઉમેશ કુશ્વાહાને જણાવી દીધી છે. તેમણે કહ્યું કે, હું મીડિયાના માધ્યમથી મુખ્યમંત્રી સમક્ષ અપીલ કરું છું કે તેઓ લેસી સિંહનું રાજીનામું લઇ લે અથવા હું ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દઈશ.
#WATCH | We've already given her (Leshi Singh) a post in our cabinet in 2013, 2014 & 2019. I'm shocked that she(Bima Bharti) has given such a statement, she was a minister in 2014 & 2019. I'll meet her & discuss about this: Bihar CM Nitish Kumar on JDU MLA Bima Bharti's statement pic.twitter.com/rGK0oVxsse
— ANI (@ANI) August 18, 2022
બીજી તરફ, આ મામલે મુખ્યમંત્રી નીતીશ કુમારે જણાવ્યું હતું કે, “અમે તેમને (લેસી સિંહ) 2013, 14 અને ‘19માં પણ કેબિનેટમાં સ્થાન આપ્યું જ હતું. તેમના (બીમા ભારતી) આવા નિવેદનથી હું અચંબિત છું. તેઓ 2014 અને 2019માં મંત્રી હતાં. હું તેમને મળીને આ બાબતની ચર્ચા કરીશ.”
ઉલ્લેખનીય છે કે ભાજપ સાથે ગઠબંધન તોડી નાંખ્યાં બાદ બીજા દિવસે નીતીશ કુમારે આરજેડી સાથે મળીને સરકાર બનાવી હતી અને આઠમી વખત મુખ્યમંત્રી પદે શપથ લીધા હતા. તેમની સાથે તેજસ્વી યાદવે ઉપ-મુખ્યમંત્રી પદે શપથ લીધા હતા. જે બાદ ગત 16 ઓગસ્ટના રોજ મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું, જેમાં તેજસ્વીના ભાઈ તેજપ્રતાપ સહિત 31 નવા મંત્રીઓએ શપથ લીધા હતા. જોકે, આ મંત્રીઓમાંથી ઘણા વિવાદિત ચહેરા હોવાના કારણે તેમની નિયુક્તિને લઈને નીતીશ કુમારની પાર્ટીમાં વિખવાદ સર્જાયા છે.