આગામી ઓકટોબર-નવેમ્બરમાં મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીઓ થવા જઈ રહી છે. કુલ 288 બેઠકો માટે થનારી આ ચૂંટણી માટે તમામ પાર્ટીઓએ કામગીરી શરૂ કરી દીધી છે. તેવામાં ગોવા ખાતે પાર્ટીની કારોબારી બેઠકને સંબોધન કરતા નીતિન ગડકરીએ જાતિવાદ પર કરેલી વાત ચર્ચાનો વિષય બની છે. પોતાન કામ અને કામને લઈને આપવામાં આવતાં નિવેદનોમાં હંમેશા સ્પષ્ટ વાત કરતા નીતિન ગડકરીએ કહ્યું હતું કે તેઓ જાતિવાદમાં નથી માનતા. આ દરમિયાન તેમણે પોતે RSSના સ્વયંસેવક હોવાની પણ વાત કહી.
વાસ્તવમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ તાજેતરમાં ગોવા ખાતે યોજાયેલી ભાજપની કારોબારી બેઠકમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં પોતાના સંબોધન દરમિયાન તેમણે જાતિવાદ પર ટિપ્પણી કરી હતી. તેમણે હળવાશના મૂડમાં કહ્યું હતું કે, “જો કરેગા જાતિ કી બાત, ઉસકો મારુંગા કસ કે લાત” તેમણે કહ્યું હતું કે છેલ્લા કેટલાક સમયથી મહારાષ્ટ્રમાં જાતિવાદ વધી રહ્યો છે. તેમણે જણાવ્યું હતું કે કોઈ વ્યક્તિ જાતિથી નહીં, તેના ગુણોથી મોટો બને છે. સમાજમાં અસ્પૃશ્યતા અને જાતિવાદ સમાપ્ત કરવાની સલાહ તેમણે આપી હતી.
📍तालेगाओ, गोवा
— Nitin Gadkari (@nitin_gadkari) July 12, 2024
गोवा के तालेगाओ में भाजपा गोवा की राज्य कार्यकारिणी बैठक को आज संबोधित किया। गोवा के मुख्यमंत्री श्री @DrPramodPSawant जी, केंद्रीय राज्यमंत्री श्री @shripadynaik जी, गोवा भाजपा के प्रदेश अध्यक्ष सांसद श्री @ShetSadanand जी तथा पार्टी के प्रदेश पदाधिकारी उपस्थित… pic.twitter.com/oCFb9UNuu2
નીતિન ગડકરીએ પોતાના વક્તવ્યમાં તેમના કાર્યક્ષેત્રનો ઉલ્લેખ કરીને કહ્યું કે, “મારા ક્ષેત્રમાં 22 લાખ મતદારો છે. ગોવાની જનસંખ્યા કરતા બે ગણા, 40% મુસ્લિમો અને દલિત છે. આ ક્ષેત્રમાંથી એકલો ચૂંટાઈને આવ્યો છું, હું જાતિવાદમાં નથી માનતો. મને નાતજાતથી કોઈ જ ફર્ક નથી પડતો.” તેમણે પોતાના આગવા અંદાજમાં કહ્યું, “જો કરેગા જાતિવાદ, ઉસકો મારુંગા કસ કે લાત” તેમની આ વાત સાંભળી હાજર સહુ કોઈ હસી પડ્યા હતા.
તેમણે આગળ જણાવ્યું કે, “મારા વિસ્તારના મુસ્લિમોને મેં પહેલાં જ જણાવ્યું છે કે હું RSSવાળો છું, હાફ પેન્ટવાળો છું. માટે જ મને મત આપતાં પહેલાં વિચાર કરી લેજો. બાદમાં પસ્તાવું ન પડે. મેં કહી દીધું કે જે મત આપશે, તેમનું પણ કામ કરીશ અને જે મત નહીં આપે તેમનું પણ કામ કરીશ.” કેન્દ્રીય મંત્રીએ જે કિસ્સો કહી સંભળાવ્યો તેના વિશે જણાવતાં તેમણે કહ્યું હતું કે તેઓ મુસ્લિમ સમાજના એક કાર્યક્રમમાં ગયા હતા જ્યાં 10,000 લોકો હાજર હતા અને તેમણે ત્યારે આ વાત કરી હતી.
📍𝑮𝒐𝒂 | Addressing the BJP 🪷 Goa State Executive Meeting https://t.co/AXq0JNp4i6
— Nitin Gadkari (@nitin_gadkari) July 12, 2024
કાર્યક્રમને સંબોધતાં નીતિન ગડકરીએ કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીએ સતત મતદારોનો વિશ્વાસ જીત્યો છે. તેમણે ભાજપના નેતાઓને એ ભૂલનું પુનરાવર્તન ન કરવા પણ જણાવ્યું હતું, જેના કારણે કોંગ્રેસ સત્તામાંથી બહાર થઈ ગઈ હતી. ગડકરીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, “જો આપણે કોંગ્રેસની જેમ જ કામ કરતા રહીશું તો કોંગ્રેસ સત્તાથી બહાર થઈ જાય તેનો કોઈ અર્થ નહીં રહે અને આપણા સત્તામાં આવવાનો કોઈ ફાયદો નહીં રહે.”
ગડકરીએ પોતાના 40 મિનિટના સંબોધનમાં ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીએ કહેલી ‘ભાજપ અલગ વિચારસરણી ધરાવતી પાર્ટી છે’ને પણ યાદ કરી હતી. તેમણે કહ્યું કે, “અડવાણી કહેતા હતા કે ભાજપ એક અલગ વિચારસરણી ધરાવતો પક્ષ છે. આપણે જાણીએ છીએ કે આપણે અન્ય પક્ષોથી કેટલા અલગ છીએ.” ગડકરીએ વધુમાં કહ્યું કે લોકોએ ભાજપને એટલા માટે ચૂંટ્યો છે કારણ કે કોંગ્રેસે ભૂલો કરી હતી. તેમણે ભાજપના નેતાઓને ટકોર કરતા કહ્યું કે, આવી ભૂલો પાર્ટીમાં ન થવી જોઈએ. તેમણે કહ્યું કે, “આગામી દિવસોમાં, ભાજપના નેતાઓએ સમજવું પડશે કે રાજકારણ એ સમાજ અને અર્થતંત્રને બદલવાનું સાધન છે.” તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ભાજપ ભ્રષ્ટાચારમુક્ત દેશ બનાવશે.