લોકસભા ચૂંટણીનાં પરિણામો જાહેર થયા બાદ દિલ્હીમાં ચાલેલી NDAની બેઠક પૂર્ણ થઈ ગઈ છે અને તમામ સહયોગી પાર્ટીઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ત્રીજી વખત કેન્દ્રમાં સરકાર બનાવવા માટે ભાજપને સમર્થન જાહેર કર્યું છે. આ પાર્ટીઓમાં TDP, JDU, શિવસેના, LJP અને RLD વગેરે મુખ્ય છે. બીજી તરફ, NDA તરફથી વહેલામાં વહેલી તકે સરકાર બનાવવાનો દાવો રજૂ કરવામાં આવે તેવી શક્યતા છે.
NDA પાર્ટીઓના નેતાઓએ પ્રસ્તાવ પસાર કરીને નરેન્દ્ર મોદીને નેતા પસંદ કર્યા છે. એક સંયુક્ત પ્રસ્તાવમાં જણાવવામાં આવ્યું કે, ભારતના 140 કરોડ દેશવાસીઓ છેલ્લાં 10 વર્ષમાં આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં NDA સરકારની જનકલ્યાણકારી નીતિઓથી દેશના દરેક ક્ષેત્રમાં વિકાસ થતો જોયો છે. એક લાંબા કાળખંડ બાદ ભારતની જનતાએમ ત્રીજી વખત પૂર્ણ બહુમત સાથે સશક્ત નેતૃત્વ ચૂંટ્યું છે.
FLASH: 21 key constituents of NDA parties come together to choose @narendramodi as PM for 2024-29 as India is set to see a BJP-led government for third consecutive time. @TawdeVinod & @tarunchughbjp coordinate between all parties.
— Rohan Dua (@rohanduaT02) June 5, 2024
Top leaders sign the pact. pic.twitter.com/WzP647Lfkt
આગળ જણાવવામાં આવ્યું કે, અમને સૌને ગર્વ છે કે 2024ની લોકસભા ચૂંટણી NDAએ આદરણીય નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં એકજૂટતા સાથે લડી અને જીતી. અમે તમામ NDAના નેતા નરેન્દ્ર મોદીને સર્વસમ્મતિથી પોતાના નેતા ચૂંટીએ છીએ. તેમના નેતૃત્વમાં NDA સરકાર ભારતના ગરીબ, મહિલા, યુવા, ખેડૂતો, શોષિતો, વંચિતો અને પીડિતોની સેવા કરવા માટે પ્રતિબદ્ધ છે. આગળ કહેવામાં આવ્યું કે, ભારતના વારસાને સંરક્ષિત કરીને દેશના સર્વાંગી વિકાસ હેતુ NDA સરકાર ભારતના જન-જનના જીવનસ્તરમાં સુધારો લાવવા માટે પ્રયાસરત રહેશે.
બેઠકમાં કુલ 21 નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં તેલુગુ દેશમ પાર્ટી (TDP) તરફથી ચંદ્રાબાબુ નાયડુ, JDU તરફથી નીતીશ કુમાર અને લલન સિંહ, શિવસેનામાંથી એકનાથ શિંદે, LJP અધ્યક્ષ ચિરાગ પાસવાન, RLD અધ્યક્ષ જયંત ચૌધરી, JDS પ્રમુખ HD કુમારસ્વામી, જનસેનાના પવન કલ્યાણ, NCPમાંથી પ્રફુલ પટેલ, અપના દલનાં અનુપ્રિયા પટેલ, HAMના જીતનરામ માંઝી વગેરેનો સમાવેશ થાય છે.
#WATCH | NDA leaders held a meeting today at 7, LKM, the residence of Prime Minister Narendra Modi, in Delhi pic.twitter.com/xuxjDjYKaI
— ANI (@ANI) June 5, 2024
બેઠકમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં NDA સરકાર બનાવવા માટે સહમતી બની હતી અને પાર્ટીઓએ પોતાનાં સમર્થન પત્ર ભાજપને સોંપ્યાં હતાં. હવે આ સમર્થન પત્ર સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિ ભવન પહોંચીને સરકાર બનાવવાનો દાવો માંડશે. ત્યારબાદ રાષ્ટ્રપતિ તેમને શપથગ્રહણ માટે આમંત્રણ આપશે. શપથ 8 જૂનના રોજ લેવામાં આવી શકે તેવી સંભાવનાઓ છે. જાણવા મળ્યા અનુસાર, TDP અને JDU વગેરે પાર્ટીઓને સરકારમાં મોટાં મંત્રીપદ આપવામાં આવી શકે છે. જ્યારે, અન્ય પાર્ટીઓને પણ કદ પ્રમાણે સરકારમાં સ્થાન આપવામાં આવશે. આગામી દિવસોમાં મંત્રાલય નક્કી થશે.
રાષ્ટ્રપતિએ 17મી લોકસભા ભંગ કરવાનો આદેશ આપ્યો, 8 જૂને નવી સરકાર
બીજી તરફ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની કેબિનેટની ભલામણ પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ 17મી લોકસભા ભંગ કરવાનો આદેશ આપ્યો છે. પીએમ મોદીએ બુધવારે (5 જૂન) સવારે રાષ્ટ્રપતિને મળીને રાજીનામું સોંપ્યું હતું અને કેબિનેટની સલાહ પર લોકસભા ભંગ કરવા માટે ભલામણ કરી હતી. ત્યારબાદ રાષ્ટ્રપતિએ રાજીનામું સ્વીકારીને તેમને નવી સરકાર ન રચાય ત્યાં સુધી વડાપ્રધાન પદે યથાવત રહેવા માટે વિનંતી કરી હતી.
આ એક સામાન્ય પ્રક્રિયા છે, જે દર વર્ષે કરવામાં આવે છે. હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરીથી સરકાર બનાવવા માટે દાવો રજૂ કરશે અને શપથ બાદ ત્રીજી ટર્મની શરૂઆત કરશે. આ માટે આગામી 7 જૂનના રોજ NDA પાર્ટીઓના સાંસદોની બેઠક મળશે, જેમાં નરેન્દ્ર મોદીને નેતા ચૂંટવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણીમાં આ વખતે કોઈ પાર્ટીને બહુમત મળ્યો નથી. સૌથી મોટી પાર્ટી BJP બની છે, પણ તે પણ બહુમતથી 32 બેઠકો દૂર છે. જોકે, NDAની સાથી પાર્ટીઓનું સંખ્યાબળ જોડવામાં આવે તો આંકડો 292 પર પહોંચે છે, જેથી સરકાર બનાવવામાં કોઇ અડચણ આવે તેમ નથી. વધુમાં, પાર્ટીઓએ ઔપચારિક સમર્થન પણ જાહેર કરી દીધું હોવાથી હવે ત્રીજી ટર્મ નક્કી છે.