થોડા દિવસો પહેલાં કર્ણાટકના એમ વિશ્વશ્વરૈયા રેલવે સ્ટેશન ઉપર એક ડ્રમમાં મહિલાની લાશ મળી આવી હતી. જેને લઈને પોલીસ તપાસ સતત ચાલુ હતી. હવે આ હત્યાને અંજામ આપનારા આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે, જ્યારે મુખ્ય આરોપી સહિત અમુક ફરાર છે, જેમની શોધખોળ ચાલુ છે.
બેંગ્લોર પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી લીધી હતી. જેમની ઓળખ કમલ, તન્વીર અને શાકિબ તરીકે થઇ છે. જ્યારે મુખ્ય આરોપી નવાબ સહિતના પાંચ આરોપીઓ હજુ ફરાર છે. મૃતક યુવતીની ઓળખ તમન્ના તરીકે થઇ હતી.
Body found in drum in Bengaluru | One Nawab along with 7 others killed the woman. They broke the victim’s legs to make sure the body fits inside a drum and sealed it. Four people transported the drum to the railway station. Nawab was not happy with his brother’s marriage to the… https://t.co/9a6qjLbIEQ pic.twitter.com/xHQ1x0xBF7
— ANI (@ANI) March 17, 2023
મામલાની વિગતો એવી છે કે, મૂળ બિહારની તમન્ના (27) અફરોઝ નામના એક વ્યક્તિને પરણી હતી. પરંતુ થોડા સમય બાદ બંને છૂટાં પડી ગયાં હતાં. ત્યારબાદ તમન્નાનો પરિચય અફરોઝના જ એક સબંધી ઈન્તિકાબ સાથે થયો હતો અને ગત વર્ષે જૂન મહિનામાં તમન્ના બેંગ્લોર આવી ગઈ હતી અને ઈન્તિકાબ સાથે નિકાહ કરી લીધાં હતાં.
આ પ્રકરણને લઈને ઈન્તિકાબનો પરિવાર નારાજ હતો અને પરિવારની છબી ખરડવાનો આરોપ તમન્ના પર લગાવવામાં આવતો રહેતો હતો. દરમ્યાન ગત રવિવારે ઈન્તિકાબના ભાઈ નવાબે તેને અને તમન્ના બંનેને આ જ મુદ્દે ચર્ચા કરવા માટે તેના ઘરે બોલાવ્યાં હતાં.
નવાબના ઘરે તેમની વચ્ચે બોલાચાલી પણ થઇ હતી અને ત્યારબાદ નવાબે ઈન્તિકાબને બિહાર પરત જવા માટે કહીને કહ્યું હતું કે તે તમન્નાને પણ મોકલી આપશે. ભાઈની વાત પર વિશ્વાસ કરીને ઈન્તિકાબ પત્નીને છોડીને ત્યાંથી ચાલ્યો હતો. ત્યારબાદ નવાબ અને અન્ય આરોપીઓએ મળીને તમન્નાનું ગળું દબાવીને તેને મારી નાંખી અને લાશને એક ડ્રમમાં ભરી દીધી હતી. જાણવા મળ્યું છે કે, નવાબ ઈન્તિકાબ અને તમન્નાના નિકાહથી ખુશ ન હતો, જેના કારણે તેણે આ હત્યાને અંજામ આપ્યો હતો.
રવિવારે રાત્રે લગભગ 11:45 વાગ્યાના અરસામાં તેઓ એક ઓટો-રિક્ષા લઈને એમ વિશ્વશ્વરૈયા સ્ટેશન પર આવ્યા અને એક ખૂણામાં ડ્રમ મૂકીને ભાગી ગયા હતા. બીજા દિવસે રેલવે પોલીસ ફોર્સના સ્ટાફની નજર પડતાં મામલો સામે આવ્યો હતો.
ડ્રમ મળી આવ્યા બાદ પોલીસે સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતા તેમજ પ્લાસ્ટિક ડ્રમ પર લખેલા એક સરનામાંએ પણ આરોપીઓ સુધી પહોંચવામાં મદદ કરી હતી. ડ્રમ પર જમાલ નામના એક વ્યક્તિનું સરનામું લખવામાં આવ્યું હતું, જેની મદદથી પોલીસને જાણકારી મળી હતી. ઉલ્લેખનીય છે કે ઉત્તર ભારતના શ્રમિકો સામાન્યતઃ ટ્રેનમાં મુસાફરી કરતી વખતે સમાન ભરવા માટે પ્લાસ્ટિક ડ્રમનો ઉપયોગ કરતા હોય છે અને ઘણી વખત તેઓ તેની ઉપર તેમનાં નામ-સરનામાં પણ લખી રાખે છે.
જમાલ હાલ ફરાર છે. તેના સિવાય મસર, અસબ, સબુલ અને નવાબ પણ ફરાર છે, જેમને શોધવા માટે ટીમો બનાવવામાં આવી હોવાનું પોલીસે જણાવ્યું છે. તેમની શોધખોળ માટે અન્ય રાજ્યોમાં પણ ટીમ મોકલવામાં આવી છે.