ખેડૂત આંદોલનથી ચર્ચામાં આવેલા ટિકૈત પરિવારે બે દિવસ અગાઉ મારવાની ધમકી મળ્યાનું જણાવ્યું હતું. આ બાબતને લઈને કેટલાક લોકોએ ટિકૈત પરિવાર માટે Z સુરક્ષાની માંગણી કરી હતી. જો કે આ તમામ દાવાઓ ખોટા પડ્યા છે. ખોટો ફોન કરનારને પોલીસે પકડી પાડ્યો છે. આરોપી દારૂ પીને કરતો હતો ફોન.
મળતી માહિતી અનુસાર, ગત 09-03-23નાં રોજ ટિકૈત પરિવારે તેમને ફોન પર બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ મળી રહી છે, તેવી બાબતને લઈને તેમણે ફરિયાદ નોધાવી હતી. આ મામલે રાજનીતિમાં ગરમાટો પણ થયો હતો. રાષ્ટ્રીય લોકદળના ધારાસભ્યએ ટિકૈત પરિવારને Z સુરક્ષા આપવા માટે અપીલ કરી હતી. ટિકૈત પરિવારે પત્ર લખીને દેશના ગૃહમંત્રી અમિત શાહ પાસે સુરક્ષાની માંગ કરી હતી, જો કે પોલીસે આ મામલે તપાસ કરી તો મામલો સાવ ઉલટો નીકળ્યો હતો. પોલીસે ફોન કરનારને પકડી પડ્યો છે. તેનું નામ વિશાલ સિંહ છે. તે મૂળ હરિયાણાનો રહેવાસી છે. હાલમાં તે દિલ્લીમાં રહે છે. સૌથી મહત્વની વાત એ સામે આવી છે કે આરોપી પોતે કિશાન આંદોલનનો ભાગ રહી ચુક્યો છે.
પોલીસે આરોપીની ધરપકડ બાદ કડક પૂછપરછ કરી હતી. તેમાં જાણવા મળ્યું હતું કે તેણે ટીખળ કરવા માટે જ ફોન કર્યો હતો. તેણે ટિકૈત પરિવારનો નંબર Just Dial પરથી મેળવ્યો હતો. ત્યાર બાદ તે નશો કરીને ટિકૈત પરિવારના સભ્ય અને ભારતીય ખેડૂત સંઘના પ્રમુખ નરેશ ટિકૈતના દીકરા ગૌરવ ટિકૈત પર ફોન કરતો હતો.
પોલીસે આ મામલે ફરિયાદ નોધીને તપાસ કરી ત્યારે વિશાલની ધરપકડ કરી હતી. તેની પૂછપરછ કરતા માલુમ પડ્યું હતું કે વિશાલ મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. પોલીસ તપાસમાં એ પણ પુષ્ટિ મળી છે કે આરોપીને દારૂ પીવાની લત લાગેલી છે. ફોન તે જાતે કરતો હતો કે કોઈ કરાવતું હતું તે બાબતે આરોપીએ જાતે જ કરતો હોવાનું કહ્યું હતું.
પોલીસે ટિકૈત પરિવારને બોમ્બથી ઉડાવી દેવાના કરાયેલા દાવાઓ પોકળ ગણાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે આવો કોઈ જ ખતરો હાલમાં ટિકૈત પરિવારને નથી. આરોપી દારૂ પીને ધમકી આપતો હતો, જેને હાલ જેલમાં રાખવામાં આવ્યો છે. તેના વિરોધમાં આઈપીસીની કલમ 507 અને કલમ 506 અંતર્ગત કેસ નોધવામાં આવ્યો છે.
તમને જણાવી દઈએ કે ટિકૈત પરિવાર જેમાં રાજેશ ટિકૈત અને નરેશ ટિકૈત આખું કિશન આંદોલન ચાલુ કરી, સરકાર વિરોધમાં મોરચો માંડ્યો હતો.