મુંબઈની સેશન કોર્ટે મંગળવારે 2002ના ગુજરાત બેસ્ટ બેકરી કોમી રમખાણોના કેસમાં ધરપકડ કરાયેલા બે વ્યક્તિને નિર્દોષ જાહેર કર્યા છે. કોર્ટે હર્ષદ સોલંકી અને મફત ગોહિલને નિર્દોષ જાહેર કરી છોડી મુકવાનો આદેશ કર્યો છે.
નોંધનીય છે કે 1 માર્ચ, 2002ના રોજ, રાજ્યમાં કોમી હિંસા દરમિયાન કથિત રીતે 1,000 થી વધુ લોકોના ટોળા દ્વારા કરવામાં આવેલા હુમલા બાદ વડોદરામાં બેસ્ટ બેકરીમાં 14 લોકો માર્યા ગયા હતા.
આ કેસમાં અન્યો સામે કેસ ચાલ્યો ત્યારે સોલંકી અને ગોહિલ ફરાર હોવાથી તેમની સામેની ટ્રાયલ અલગ કરવામાં આવી હતી. તેઓને 2013માં મુંબઈની કોર્ટમાં લાવવામાં આવ્યા હતા અને તેમની સામે 2019માં સુનાવણી શરૂ થઈ હતી.
2003 માં જ વડોદરાની કોર્ટે તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા
ગુજરાત પોલીસે બેસ્ટ બેકરી કેસમાં હત્યાના આરોપમાં 21 લોકો સામે ગુનો નોંધ્યો હતો. 2003માં વડોદરાની એક કોર્ટે તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા. 2004માં, સુપ્રીમ કોર્ટે ન્યાયની નિષ્પક્ષતા સુનિશ્ચિત કરવા માટે ગુજરાતની બહાર પુન: સુનાવણી હાથ ધરવાનો નિર્દેશ આપ્યો અને તેને મુંબઈમાં હાથ ધરવા નિર્દેશ આપ્યો હતો.
2006 માં, મુંબઈની અદાલતે ટ્રાયલ પૂર્ણ કરી અને નવ લોકોને હત્યા સહિતના આરોપોમાં દોષિત ઠેરવ્યા અને તેમને આજીવન કેદની સજા ફટકારી. 2012 માં, બોમ્બે હાઈકોર્ટે નવમાંથી પાંચને નિર્દોષ જાહેર કર્યા, જ્યારે ચારને આપવામાં આવેલી સજાની પુષ્ટિ કરી. ટ્રાયલ દરમિયાન કોર્ટે ચાર પ્રત્યક્ષદર્શીઓની જુબાની ધ્યાનમાં લીધી હતી.
બીજી બાજુ સોલંકી અને ગોહિલે વડોદરાની કોર્ટ સમક્ષ ટ્રાયલનો સામનો કર્યો હતો, જ્યારે મુંબઈમાં પુનઃ સુનાવણી હાથ ધરવામાં આવી ત્યારે તેઓને ફરાર જાહેર કરવામાં આવ્યા હતા. સોલંકી અને ગોહિલને તેમની અનુગામી ધરપકડ બાદ 2013માં મુંબઈ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. તેમની જામીન અરજીઓ 2018 માં કોર્ટે ફગાવી દીધી હતી જ્યારે તેણે જોયું હતું કે પ્રાથમિક દૃષ્ટિએ તેમની સામે કાર્યવાહી કરવા માટે પૂરતા પુરાવા છે.
કોર્ટે એમ પણ કહ્યું હતું કે જ્યારે તેઓએ દાવો કર્યો હતો કે તેઓ પુનઃ સુનાવણી વિશે જાણતા ન હતા, ત્યારે કોઈ પુરાવા ન હોવાથી તે આધારને ધ્યાનમાં લઈ શકાય નહીં. 2019 માં, મુંબઈની કોર્ટે તેમની સામે હત્યા સહિતની કલમો હેઠળ આરોપો ઘડ્યા અને ટ્રાયલ શરૂ થઈ હતી.
અગાઉના ટ્રાયલના ભાગના સાક્ષીઓની જુબાનીનો ઉપયોગ કાયદાની જોગવાઈઓ મુજબ તેમની વિરુદ્ધ પુરાવા તરીકે કરવામાં આવ્યો હતો કારણ કે તેઓ ફરાર હોવાના કારણે કેસને અલગ કરવામાં આવ્યો હતો. કોર્ટે તેમને તેમની ઓળખ સંબંધિત સાક્ષીઓ તેમજ તપાસ અધિકારીઓની ઉલટતપાસ કરવાની મંજૂરી આપી હતી.
2019 થી, વિશેષ સરકારી વકીલ મંજુલા રાવ દ્વારા 10 સાક્ષીઓની તપાસ કરવામાં આવી છે. સોલંકી અને ગોહિલનું પ્રતિનિધિત્વ કરતા વકીલ પ્રકાશ સાલસીંગીકરે અંતિમ દલીલો દરમિયાન રજુઆત કરી હતી કે બંનેએ ગુનો આચર્યો છે તે દર્શાવવા માટે કોઈ પુરાવા નથી અને કોઈ સાક્ષીએ તેમની ચોક્કસ ભૂમિકા અંગે જુબાની આપી નથી.