બેંગ્લોરની પોલીસે શહેરમાંથી એક યુવકની પાકિસ્તાની યુવતીને ફર્જી ઓળખ સાથે ભારત લાવવાના આરોપસર ધરપકડ કરી લીધી છે. તેની ઓળખ મુલાયમસિંહ યાદવ તરીકે થઇ છે અને મૂળ ઉત્તર પ્રદેશનો રહેવાસી છે. યાદવે પાકિસ્તાની યુવતીને નેપાળથી ઘૂસાડી હતી.
મુલાયમસિંહ યાદવ બેંગ્લોરમાં એક સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતો હતો. તેને લૂડો રમવાની આદત હતી. ગયા વર્ષે એવી જ એક ગેમ દરમિયાન તે પાકિસ્તાનના હૈદરાબાદની એક યુવતીના સંપર્કમાં આવ્યો હતો. યુવતીની ઓળખ ઈકરા જીવાની (21) તરીકે થઇ છે.
બંને વચ્ચે વાતચીત વધ્યા બાદ લગ્ન કરવાનો નિર્ણય કરી લીધો હતો. ત્યારબાદ મુલાયમસિંહ યાદવે તેની પાકિસ્તાની પ્રેમિકાને બેંગ્લોર બોલાવી હતી, જેથી તેઓ બંને લગ્ન કરી શકે. સપ્ટેમ્બર 2022માં તેમણે યુવતીને નેપાળના રસ્તે ભારત લાવવાની યોજના બનાવી હતી.
મુલાયમે તેની પ્રેમિકાનું નામ ઈકરાથી બદલીને રવા યાદવ કરી નાંખ્યું હતું અને તેના માટે એક ફર્જી આધાર કાર્ડ પણ બનાવડાવી લીધો હતો. ઉપરાંત, તેણે તેના માટે ભારતીય પાસપોર્ટ માટે પણ અરજી કરી હતી.
થોડા મહિના પહેલાં મુલાયમે ઈકરાને નેપાળ બોલાવી લીધી અને ત્યાં જ બંનેએ લગ્ન કરી લીધાં હતાં. પછી બંને બિહારના બીરગંજ જવા માટે ભારતીય સરહદમાં ઘૂસી ગયાં હતાં અને ત્યાંથી પટના પહોંચ્યાં હતાં. જ્યાંથી બેંગ્લોર આવીને એક ભાડાના મકાનમાં રહેવા લાગ્યાં હતાં.
થોડા સમય પહેલાં ઈકરાએ પાકિસ્તાનમાં રહેતા પોતાના પરિવાર સાથે સંપર્ક કરવાના પ્રયાસ કર્યા હતા. જેના કારણે તે ગુપ્ત એજન્સીઓના નિશાને આવી ગઈ હતી અને એજન્સીએ વધુ તપાસ કરવાનું શરૂ કર્યું હતું અને પોલીસને પણ જાણ કરવામાં આવી હતી. ઈન્પુટના આધારે પોલીસે તેમના ઘરે દરોડા પાડીને યુવક-યુવતીને ઝડપી લીધાં હતાં.
રિપોર્ટ અનુસાર, આ મામલે કેસ દાખલ કરીને મુલાયમસિંહ યાદવને પકડી લેવામાં આવ્યો હતો. તેની સામે આઇપીસીની કલમ 420, 495, 468 અને 471 હેઠળ કેસ દાખલ થયો છે. બીજી તરફ યુવતીને સરકારી મહિલા ગૃહમાં મોકલી આપવામાં આવી છે. પોલીસ એ પણ તપાસ કરી રહી છે કે ક્યાંક આ પાકિસ્તાની યુવતી કોઈ જાસૂસી નેટવર્કનો ભાગ છે કે કેમ.
આ ઉપરાંત, પોલીસે તે બંને જે ઘરમાં રહેતાં હતાં તેના માલિક સામે પણ ફોરેનર્સ એક્ટની કલમ 7 હેઠળ ગુનો દાખલ કર્યો છે. તેમની ઉપર પોતાના મકાનમાં ગેરકાયદેસર રીતે રહેતા વિદેશી વિશે જાણ ન કરવાનો આરોપ લાગ્યો છે.