દિલ્હી સ્થિત રાષ્ટ્રપતિ ભવન સ્થિત બહુ જાણીતા મુઘલ ગાર્ડનનું (Mughal Garden) નામ બદલવામાં આવ્યું છે. હવે આ ગાર્ડન ‘અમૃત ઉદ્યાન’ના નામે ઓળખાશે.
On the occasion of the celebrations of 75 years of Independence as ‘Azadi ka Amrit Mahotsav’, the President of India has given a common name to the Rashtrapati Bhavan gardens as ‘Amrit Udyan’: Navika Gupta, Deputy Press Secretary to President pic.twitter.com/VPsJKPdGwZ
— ANI (@ANI) January 28, 2023
રાષ્ટ્રપતિ ભવનના ડેપ્યુટી પ્રેસ સેક્રેટરી દ્વારા આ બાબતની જાણકારી આપવામાં આવી છે. જેમાં જણાવવામાં આવ્યું કે, દેશ ‘આઝાદીના અમૃત મહોત્સવ’ સ્વરૂપે સ્વતંત્રતાના 75 વર્ષ ઉજવી રહ્યો છે ત્યારે રાષ્ટ્રપતિએ રાષ્ટ્રપતિ ભવનના તમામ ગાર્ડનનું એક જ નામ- અમૃત ઉદ્યાન કરવાનો નિર્ણય લીધો છે.
ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રપતિ ભવનની પાછળના ભાગે આવેલો આ ગાર્ડન બહુ પ્રખ્યાત છે અને દેશભરમાંથી લોકો તેની મુલાકાતે આવે છે. વર્ષમાં થોડા સમય માટે તેને સામાન્ય લોકો માટે પણ ખોલવામાં આવે છે. આ વર્ષે 31 જાન્યુઆરીના રોજ ખુલ્લો મૂકવામાં આવશે અને 26 માર્ચ સુધી લોકોને પ્રવેશ આપવામાં આવશે.
Mughal Gardens at Rashtrapati Bhavan renamed to ‘Amrit Udyan.’ pic.twitter.com/Pik8IyImp5
— Marya Shakil (@maryashakil) January 28, 2023
રાષ્ટ્રપતિ ભવનના અધિકારી દ્વારા આપવામાં આવેલ જાણકારી અનુસાર, આ ગાર્ડન આવતીકાલે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ દ્વારા ખુલ્લો મૂકવામાં આવશે અને જે 26 માર્ચ સુધી સામાન્ય જનતા માટે ખુલ્લો રહેશે. ત્યારબાદ 30 માર્ચ સુધી ખેડૂતો, મહિલાઓ, દિવ્યાંગો વગેરે માટે એક-એક દિવસ ફાળવવામાં આવ્યો છે. ગાર્ડન રોજ સવારે 10થી સાંજે 4 વાગ્યા સુધી ખુલ્લો મૂકાશે અને રોજ 17,500 ટિકિટ ઈસ્યૂ કરવામાં આવશે.
15 એકરમાં ફેલાયેલા આ ગાર્ડનમાં 138 પ્રકારનાં ગુલાબ, 10 હજારથી વધુ ટ્યૂલિપ બલ્બ અને 70 અલગ-અલગ પ્રજાતિઓનાં 5 હજાર ફૂલો જોવા મળે છે.
રાષ્ટ્રપતિ ભવન અનુસાર, ગાર્ડનની મુલાકાતે આવનારા લોકોની સુવિધા માટે વિશિષ્ટ છોડ પર એક QR કોડ લગાવવામાં આવશે, જેની ઉપરથી તેઓ તેના વિશે વધુ માહિતી મેળવી શકાશે. ઉપરાંત, દરરોજ અહીં 20 પ્રોફેશનલ ગાઈડ પણ તહેનાત રહેશે જેઓ મુલાકાતીઓને ફૂલછોડ અને અન્ય બાબતોને લગતી જાણકારીઓ આપશે.
રાયસિના હિલ પર બનાવવામાં આવેલ રાષ્ટ્રપતિ ભવન અને તેની પાછળના ભાગે આવેલા આ ‘મુઘલ ગાર્ડન’નું નિર્માણ અંગ્રેજ શાસન દરમિયાન બ્રિટિશરો દ્વારા કરવામાં આવ્યું હતું. આ ગાર્ડન દેશના અન્ય ભાગોમાં મુઘલો દ્વારા બનાવાયેલા ગાર્ડનની શૈલીમાં બનાવવામાં આવ્યો હોવાના કારણે તેને ‘મુઘલ ગાર્ડન’ નામ આપવામાં આવ્યું હોવાનું માનવામાં આવે છે.
સ્વતંત્રતા બાદ તત્કાલીન વાઇસરોય હાઉસનું નામ બદલીને રાષ્ટ્રપતિ ભવન કરવામાં આવ્યું હતું પરંતુ મુઘલ ગાર્ડનનું નામ તે જ રહ્યું હતું. હવે સ્વતંત્રતાના 75 વર્ષની ઉજવણીના ભાગરૂપે સરકારે તેનું નામ બદલીને ‘અમૃત ઉદ્યાન’ કર્યું છે.