ગુજરાતની ડેડીયાપાડા વિધાનસભા (Dediapada MLA) બેઠક પરથી ધારાસભ્ય AAP નેતા ચૈતર વસાવાએ (Chaitar Vasava) તેમના જ સમુદાયના લોકપ્રિય ડીજે રોકી સ્ટારને (DJ Rocky Star) ધમકી આપતા વિવાદ સર્જાયો હતો. ત્યારે આ મામલે વલસાડથી ભાજપ સાંસદ ધવલ પટેલ (Dhaval Patel) રોકી સ્ટારના સમર્થનમાં ઉતરી આવ્યા છે. તેમણે ચૈતર વસાવાની સામે વિરોધ નોંધાવતા કહ્યું છે કે, આદિવાસી સમુદાયના યુવાનોને પ્રોત્સાહન આપવાની જગ્યાએ તેમને ધમકીઓ શા માટે આપી રહ્યા છે.
સમગ્ર ઘટના 15 નવેમ્બરની હોવાનું સામે આવ્યું છે. નવસારી જિલ્લાના ચીખલી ખાતે રાષ્ટ્રીય આદિવાસી મેળો યોજાયો હતો. દરમિયાન અલગ-અલગ પક્ષના આદિવાસી સમુદાયના આગેવાનો ત્યાં ઉપસ્થિત રહ્યા હતા અને યુવાનોને વેપાર-ઉદ્યોગ અંગે માહિતી આપી રહ્યા હતા તથા આદિવાસી યુવાનોમાં જાગરૂકતા લાવી રહ્યા હતા. આ જ મેળામાં AAP ધારાસભ્ય ચૈતર વસાવા પણ હાજર રહ્યા હતા.
મેળામાં આદિવાસી યુવાનોને પ્રોત્સાહન આપવાની જગ્યાએ તેમણે મંચ પરથી ભાષણ આપતા જાહેરમાં આદિવાસી સમાજના ડીજે રોકી સ્ટારને ધમકી આપી દીધી હતી. ધમકી આપતા ચૈતર વસાવાએ કહ્યું હતું કે, “તમે પણ જે દોઢ લાખ રૂપિયા વસૂલ કરો છો, તે લેવાનું બંધ કરો, નહીં તો અમે તમારા વિરોધમાં ઉતરીશું.” આ મામલે ભાજપ સાંસદ ધવલ પટેલ ડીજે રોકીની વ્હારે આવ્યા હતા.
સાંસદ ધવલ પટેલે કર્યો વિરોધ
ઉલ્લેખનીય છે કે, 19 નવેમ્બરે વાંસદા ખાતે ભાજપનું સ્નેહમિલન યોજાયું હતું. જેમાં વલસાડથી સાંસદ ધવલ પટેલ હાજર રહ્યા હતા. તેમણે ચૈતર વસાવાના નિવેદનની નિંદા કરી હતી અને વિરોધ નોંધાવ્યો હતો. તથા આદિવાસી સમુદાયના ડીજે રોકી સ્ટારનું સમર્થન કરતા કહ્યું હતું કે, “તે તેની મહેનત અને કુશળતાથી આગળ વધી રહ્યો છે. તેથી વસાવાએ તેના ધંધામાં અડચણ બન્યા વિના સહકાર આપવો જોઈએ.”
DJ રોકી સ્ટાર મામલે સાંસદ અને ધારાસભ્ય આમને સામને, સાંસદ ધવલ પટેલની ધારાસભ્યને ચેતવણી | TV9Gujarati#djrockstar #mp #mla #mpdhavalpatel #chaitarvasava #gujarat #tv9gujarati pic.twitter.com/XgD7RtBUOM
— Tv9 Gujarati (@tv9gujarati) November 19, 2024
ધવલ પટેલે કહ્યું હતું કે, “આદિવાસી યુવાન જે પોતાની મહેનત અને કુશળતા દ્વારા આગળ વધી રહ્યો છે, તેને રોકવો આદિવાસી સમાજના વિકાસને રોકવાના સમાન છે. આઆ વિકાસમાં વિઘ્ન સમાન છે અને આપણે આવા યુવાનોને કોઈપણ ધંધા કે ઉદ્યોગમાં સહકાર આપવો જોઈએ ન કે અડચણરૂપ બનવું જોઈએ.”
ગણાવી ‘વિરોધની રાજનીતિ’
નોંધનીય છે કે, ધવલ પટેલે વસાવાની આ પ્રવૃત્તિને ‘વિરોધની રાજનીતિ’ ગણાવી છે. તેમણે કહ્યું હતું કે, “ડીજે રોકી સ્ટાર જેવા યુવાનોને આપણે પ્રોત્સાહન આપવાની જરૂર છે, ત્યારે ધારાસભ્ય ચૈતર વસાવા રોકવાવાળા કોણ છે?” પટેલે ઉમેર્યું કે, “આદિવાસી યુવાનોને ઉદ્યોગમાં આગળ વધવા દેવા જોઈએ. જેઓ આદિવાસી સમાજના ઉન્નતિના માર્ગમાં અવરોધ ઊભા કરે છે, તેમના માટે કડક વલણ અપનાવવું પડશે.”
નોંધનીય છે કે, ચૈતર વસાવાએ આ પહેલાં વન વિભાગના બિટગાર્ડને ઘરે બોલાવીને ધમકાવીને મારામારી કરી હતી, જેથી બિટગાર્ડ દ્વારા ધારાસભ્ય ચૈતર વસાવા સામે નર્મદા પોલીસમાં ફરિયાદ નોંધવવામાં આવી હતી. જે પછી તેઓ 2 મહિના સુધી ફરાર હતા. ઉલ્લેખનીય છે કે ચૈતર વસાવા જેલની હવા પણ ખાઈ ચૂક્યા છે.