કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર દેશનાં 500થી વધારે રેલવે સ્ટેશનોની કાયાપલટ કરવા જઈ રહી છે. આ વિશેષ પ્રોજેક્ટની આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂઆત કરાવી હતી. ભારતના આ રેલવે સ્ટેશનોની સૂરત બદલાવાની સાથે યાત્રિયો માટે એકથી એક ચડિયાતી સુવિધાઓનો સમાવેશ કરવામાં આવશે. એટલું જ નહીં પણ વાતાવરણનું પણ ખાસ ધ્યાન રખાયું છે. 24,700 કરોડના આ પુનર્વિકાસ કાર્યક્રમમાં 1300 રેલવે સ્ટેશનોને વિકસિત કરવામાં આવશે. પહેલા તબક્કામાં 508 રેલવે સ્ટેશનોનો પુનર્વિકાસ કરવામાં આવશે.
આજ ભારતીય રેલવે દ્વારા એક નવો ઇતિહાસ રચવામાં આવ્યો હતો. દેશના 508 રેલવે સ્ટેશનોની કાયાપલટ થશે. PM નરેન્દ્ર મોદીએ રવિવારે (6 ઓગસ્ટ, 2023) સવારે 11 વાગ્યે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા 508 રેલવે સ્ટેશનોના પુનર્વિકાસની આધારશિલા રાખી હતી. આ પ્રસંગે વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ભારત વિકસિત થવા તરફ ડગ માંડી રહ્યું છે અને પોતાના અમૃતકાળના પ્રારંભમાં છે. એક નવી ઉર્જા, નવી પ્રેરણા છે અને નવા સંકલ્પો સાથે દેશ આગળ વધી રહ્યો છે. આ જ ક્રમમાં આજે ભારતીય રેલના ઇતિહાસમાં એક નવા અધ્યાયની શરૂઆત થઇ રહી છે. તેમણે ઉમેર્યું કે, આઝાદીના અમૃતકાળમાં દેશે પોતાના વારસા પર ગર્વ કરવાનો પણ સંકલ્પ લીધો છે. આ અમૃત સ્ટેશનો તેનાં પ્રતીક બનશે. આ સ્ટેશનોમાં દેશની સંસ્કૃતિ અને સ્થાનિક વારસાની ઝલક જોવા મળશે.
विकसित होने के लक्ष्य की तरफ कदम बढ़ा रहा भारत, अपने अमृतकाल के प्रारंभ में है।
— PMO India (@PMOIndia) August 6, 2023
नई ऊर्जा है, नई प्रेरणा है, नए संकल्प हैं।
इसी आलोक में आज भारतीय रेल के इतिहास में भी एक नए अध्याय की शुरुआत हो रही है: PM @narendramodi pic.twitter.com/anP3WbcCaj
પ્રધાનમંત્રી દ્વારા જે 508 સ્ટેશનોની આધારશિલા રાખવામાં આવી છે, એ સ્ટેશનો 27 રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ફેલાયેલાં છે. જેમાંથી ઉત્તરપ્રદેશ અને રાજસ્થાનમાં 55-55, બિહારમાં 49, મહારાષ્ટ્રમાં 44, પશ્ચિમ બંગાળમાં 37, મધ્યપ્રદેશમાં 34, આસામમાં 32, ઓડીસામાં 25, પંજાબમાં 22, ગુજરાત અને તેલંગાણામાં 21-21, ઝારખંડમાં 20, આંધ્રપ્રદેશ અને તામિલનાડુમાં 18-18, હરિયાણામાં 15 અને કર્ણાટકમાં 13 સ્ટેશનો સામેલ છે. આ સાથે જ ચંડીગઢમાં 8, કેરળમાં 5, દિલ્લી, ત્રિપુરા, જમ્મુ અને કાશ્મીર તથા ઉત્તરાખંડમાં 3-3 જ્યારે હિમાચલ પ્રદેશ, મેઘાલય, નાગાલેંડ અને પોંડિચેરીમાં 1-1 સ્ટેશનોની કાયાપલટ થવા જઈ રહી છે.
24,700 કરોડ ₹ નું બજેટ ફાળવવામાં આવ્યું
પુનર્વિકાસનો આ કાર્યક્રમ અમૃત ભારત સ્ટેશન અંતર્ગત થઈ રહ્યો છે. જેનું બજેટ 24,700 કરોડ ₹નું છે. આ પ્રોજેક્ટમાં 1300 રેલવે સ્ટેશનોને મલ્ટીમોડેલ હબની રીતે વિકસિત કરવામાં આવશે. તેના પહેલા તબક્કામાં 508 રેલવે સ્ટેશનો પર કામ કરવામાં આવશે. PMO અનુસાર, આ યોજના અંતર્ગત શહેરની બંને બાજુ યોગ્ય એકીકરણની સાથે આ સ્ટેશનોને સિટી સેન્ટરના રૂપમાં વિકસિત કરવા માટે માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવી રહ્યા છે. સ્ટેશન બિલ્ડિંગની ડિઝાઇનમાં સ્થાનિક સંસ્કૃતિ, વિરાસત અને વાસ્તુકલાની ઝલક જોવા મળશે. આ સ્ટેશનોમાં આધુનિક સુવિધાઓનું પણ ધ્યાન રાખવામાં આવશે. આ સ્ટેશનોને વર્લ્ડ ક્લાસ સુવિધાઓથી લેસ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.
આ સાથે અન્ય પણ ઘણી સુવિધાઓ રેલવે સ્ટેશનોમાં જોવા મળશે. જેમકે રેલવે સ્ટેશન પર જમા થયેલા કચરાને રિ-સાઈકલ કરવામાં આવશે. એ સિવાય વરસાદના પાણીને સ્ટોર કરી વપરાશમાં લેવામાં આવે તેવી વ્યવસ્થા થશે. દિવ્યાંગો માટે વિશેષ સુવિધા સહિત પાર્કિંગ, વીજળી, સીસીટીવી, વૉશબેઝિંગ જેવી સુવિધાઓ પણ સામેલ કરવામાં આવશે. બે વર્ષની અંદર આ સ્ટેશનો બનીને તૈયાર થઇ જશે.