Sunday, April 28, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટગોરખપુરથી પીએમ મોદીએ બે વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવી, રેલવે સ્ટેશનના...

    ગોરખપુરથી પીએમ મોદીએ બે વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવી, રેલવે સ્ટેશનના પુનર્વિકાસ માટે શિલાન્યાસ પણ કર્યો: 498 કરોડના ખર્ચે કરાશે પુનર્નિમાણ

    પીએમ મોદીએ ગીતા પ્રેસથી ગોરખપુર રેલ્વે સ્ટેશન સુધી રોડ શૉ પણ કર્યો હતો. આ દરમિયાન તેમની સાથે યુપીના સીએમ યોગી આદિત્યનાથ અને રાજ્યપાલ આનંદીબેન પટેલ પણ હાજર રહ્યાં.

    - Advertisement -

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે (7 જુલાઈ, 2023) ઉત્તર પ્રદેશના ગોરખપુર ખાતે ગીતા પ્રેસના કાર્યક્રમમાં ભાગ લીધો હતો. ત્યારબાદ તેમણે ગોરખપુર રેલવે સ્ટેશન પહોંચીને બે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી. આ ઉપરાંત તેમણે લગભગ 498 કરોડ રૂપિયાના પ્રોજેક્ટનો શિલાન્યાસ પણ કર્યો. પીએમ મોદીએ અમદાવાદના સાબરમતીથી રાજસ્થાનના જોધપુર વચ્ચે દોડતી વંદેભારત એક્સપ્રેસ ટ્રેનને પણ લીલી ઝંડી બતાવી હતી. આ ટ્રેન 9મીથી નિયમિત શરૂ થઇ જશે અને મંગળવાર સિવાય અઠવાડિયાના તમામ દિવસ દોડશે.

    પીએમ મોદીએ ગીતા પ્રેસથી ગોરખપુર રેલ્વે સ્ટેશન સુધી રોડ શૉ પણ કર્યો હતો. આ દરમિયાન તેમની સાથે યુપીના સીએમ યોગી આદિત્યનાથ અને રાજ્યપાલ આનંદીબેન પટેલ પણ હાજર રહ્યાં. PM મોદીએ રસ્તાની બંને બાજુએ ઉભેલા લોકોનું અભિવાદન કર્યું હતું અને રોડ શૉ કરીને ગોરખપુર રેલવે સ્ટેશન પહોંચ્યા હતા.

    ગોરખપુર રેલ્વે સ્ટેશન પહોંચ્યા બાદ પીએમ મોદીએ વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી બતાવી હતી. તેમણે યોગી આદિત્યનાથ અને આનંદીબેન પટેલની હાજરીમાં ગોરખપુર-લખનૌ ટ્રેનને ફ્લેગ ઓફ કર્યું હતું તો રાજસ્થાનમાં જોધપુર-અમદાવાદ (સાબરમતી) માર્ગ પર ચાલતી વંદે ભારતને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા લીલી ઝંડી બતાવવામાં આવી હતી. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગોરખપુર રેલવે સ્ટેશનના પુનઃવિકાસ કામ માટે શિલાન્યાસ કર્યો હતો. લગભગ 498 કરોડ રૂપિયાના ખર્ચે ગોરખપુર રેલ્વે સ્ટેશનનો પુનર્વિકાસ કરવામાં આવશે.

    - Advertisement -

    અધિકારીઓએ જણાવ્યું કે રેલ્વેએ (6 જુલાઈ, 2023) ગુરુવારથી જ ગોરખપુર-લખનૌ વંદે ભારત ટ્રેનની ટિકિટ બુક કરવાનું શરૂ કરી દીધું છે. આમાં પણ IRCTC યાત્રીઓને શતાબ્દી એક્સપ્રેસની જેમ જ વૈકલ્પિક કેટરિંગ સેવાઓ હેઠળ ચા, નાસ્તો, લંચ અને ડિનર આપવામાં આવશે. ગોરખપુર રેલ્વે બોર્ડના ચેરમેન અને સી.ઈ.ઓ. અનિલ કુમાર લાહોટીએ જણાવ્યું હતું કે, આ રૂટ પરની સૌથી ઝડપી ટ્રેનની સરખામણીમાં વંદે ભારત લગભગ 2 કલાકની બચત કરશે. આ ટ્રેન ગોરખપુરથી સવારે 6:05 વાગ્યે ઉપડશે અને સવારે 10:20 વાગ્યે લખનૌ પહોંચશે અને લખનૌથી સાંજે 7:15 વાગ્યે ગોરખપુર પરત ફરશે.

    IRCTCની વેબસાઈટ અનુસાર, આ ટ્રેનનું લખનૌથી ગોરખપુર સુધીની ચેર કારનું ભાડું 1005 રૂપિયા છે. જ્યારે એક્ઝિક્યુટિવ ક્લાસનું ભાડું 1755 રૂપિયા છે. ગોરખપુરથી લખનૌની મુસાફરી માટે ચેર કારનું ભાડું 890 રૂપિયા છે અને એક્ઝિક્યુટિવ ક્લાસનું ભાડું 1670 રૂપિયા છે.

    જોધપુર-અમદાવાદ રૂટ પર વંદે ભારતના ઉદ્ઘાટન દરમિયાન રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત પણ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા જોડાયા હતા. અમદાવાદની સાબરમતીથી રાજસ્થાનના જોધપુર વચ્ચે દોડતી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનું નિયમિત સંચાલન 9મી જુલાઈ 2023થી કરવામાં આવશે. આ અંતર 6 કલાક 10 મિનિટમાં કાપવામાં આવશે અને તે મંગળવાર સિવાય અઠવાડિયાના તમામ 6 દિવસ ચાલશે. અમદાવાદ (સાબરમતી)થી જોધપુર સુધીની વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનું ભાડું ચેર કાર માટે 1280 રૂપિયા અને એક્ઝિક્યુટિવ ક્લાસ માટે 2325 રૂપિયા રહેશે. જોધપુરથી સાબરમતી માટેનું ભાડું 1,115 રૂપિયા અને એક્ઝિક્યુટિવ ક્લાસ માટે 2,130 રૂપિયા ભાડું રહેશે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં